Top News

More Posts

   The Latest

Most Popular

ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીની જોરદાર અર્ધશતકીય ઇનિંગની મદદથી મુક્લા 188 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદ બેયરસ્ટો અને મનીષ પાંડેની અર્ધસદી છતાં 5 વિકેટે 177 રન સુધી જ પહોંચી શકતાં કેકેઆરનો 10 રને વિજય થયો હતો.

લક્ષ્યાંક આંબવા માટે મેદાને ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને 10 રનના સ્કોર સુધીમાં તેમણે બંને ઓપનરની વિકેટ ગુમાવી હતી. અહીંથી જોની બેયરસ્ટો અને મનીષ પાંડેએ મળીને બાજી સંભાળીને 92 રનની ભાગીદારી કરી સ્કોર 100 પાર પહોંચાડ્યો ત્યારે બેયરસ્ટો અંગત 40 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન કરીને આઉટ થયો હતો. બેયરસ્ટો આઉટ થયા પછી તેમની રનગતિ ધીમી પડી હતી અને અંતે તેઓ 5 વિકેટે 177 રન સુધી જ પહોંચતા કેકેઆરનો 10 રને વિજય થયો હતો. મનીષ પાંડે 44 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 61 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી કેકેઆરને નીતિશ રાણા અને શુભમન ગીલની ઓપનીંગ જોડીએ સારી શરૂઆત અપાવીને બોર્ડ પર 7મી ઓવર સુધીમાં 53 રન મુકી દીધા હતા. જો કે આ સ્કોર પર જ ગીલ રાશિદ ખાનની ગુગલીને સમજી ન શકતા બોલ્ડ થયો હતો. તે 15 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી નીતિશ સાથે રાહુલ ત્રિપાઠી જોડાયો હતો અને બંને મળીને સ્કોરને 12મી ઓવરમાં 100 પાર લઇ ગયા હતા. બંને વચ્ચે 93 રનની ભાગીદારી થઇ હતી અને સ્કોર 156 પર પહોંચ્યો ત્યારે રાહુલ ત્રિપાઠી અંગત 53 રને નટરાજનનો શિકાર બન્યો હતો. આન્દ્રે રસેલ પોતાનો કોઇ કમાલ બતાવે તે પહેલા રાશિદ ખાનનો શિકાર બન્યો હતો.

સ્કોર 160 રન હતો ત્યારે 18મી ઓવરમાં નીતિશ રાણા અને ઇયોન મોર્ગનની વિકેટ બે બોલમાં પડી હતી. બંને વિકેટ મહંમદ નબીએ લીધી હતી. નીતિશે 56 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારની અંતિમ ઓવરમાં એક વાઇડ સાથે કુલ 16 રન આવતા કેકેઆર 6 વિકેટે 187 રન સુધી પહોંચી હતી.

To Top