Dakshin Gujarat

ખેડૂતો આક્રામક: વાલેસામાં એક્સપ્રેસ હાઇવેનું કામ અટકાવી દીધું

હથોડા: (Hathoda) કુંવારદા, સિયાલજ, મોટી નરોલી, વાલેસા થઈને પસાર થઇ રહેલા એક્સપ્રેસ હાઇવેનું કામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. જ્યારે બીજી તરફ 2018ની સાલથી ખેડૂતોની જમીન (Farmer Land) સંપાદન કર્યા બાદ પણ આજદિન સુધી ફૂટી કોડી આપવામાં આવી નથી. જ્યારે કેટલાક લોકોએ તો આ જમીન સંપાદનમાં ઘરો પણ ગુમાવ્યાં છે. અગાઉ હાઇવે ઓથોરિટી દ્વારા 15-4-2022 સુધીમાં વળતર આપી દેવાની બાંયધરી આપ્યા બાદ પણ ખેડૂતોને જમીનના બદલામાં વળતર (Compensation) આપવા માટે જવાબદારોએ કામગીરી ન કરતા હતાશ થયેલા ખેડૂતો શનિવારે રોષે ભરાઇને મોટી માત્રામાં રોડ ઉપર ઊતરી આવ્યા હતા. અને ભારે વિરોધ નોંધાવીને જ્યાં સુધી જમીનનું વળતર ખેડૂતોને નહીં આપવામાં આવે ત્યાં સુધી હાઇવેનું કામ આગળ વધવા નહીં દઈએ તેવા સૂત્રોચ્ચાર કરી રોષે ભરાયેલા ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેનું (Express Highway) કામ અટકાવી દીધી હતી. જેને કારણે કોસંબા પોલીસ અને પાલોદ પોલીસ દોડતી થઇ ગઈ હતી.

  • ચાર વર્ષ પહેલાં જમીન સંપાદન કર્યા બાદ ફૂટી કોડી પણ નહીં આપતાં ખેડૂતોમાં આક્રોશ
  • હાઇવેનું કામ અટકાવતાં કોસંબા અને પાલોદ પોલીસ દોડતી થઇ

શનિવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં કોસંબા, સિયાલજ, મોટી નરોલી, કુંવારદા, વાલેસા વગેરે ગામના ખેડૂતોએ નેશનલ હાઈવે રોડ સીયાલજ પાટિયા પાસે આવેલી એક હોટલના પટાંગણમાં ભેગા થઈ મીટિંગ કરી હતી. ત્યારબાદ ખેડૂતોએ મોટી નરોલી, વાલેસા નજીક હાઈવે એક્સપ્રેસની જ્યાં કામગીરી ચાલે છે ત્યાં પહોંચી જઈ કામગીરી અટકાવી દીધી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ નવા બની રહેલા એક્સપ્રેસ હાઈવે માટે સને-2018ની સાલમાં અમારી જમીન સંપાદન કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત કલેક્ટર ઓફિસમાં કેસ ચાલી જતાં હાઇવે ઓથોરિટી દ્વારા અમને તા.15-4-2022 સુધીમાં જમીનના બદલામાં વળતર ચૂકવી દેવા બાંયધરી આપવામાં આવી હતી.

છતાં પણ નિયત સમયે હાઇવે ઓથોરિટી દ્વારા અમને જમીનના બદલામાં ફૂટી કોડી પણ ચૂકવાઈ નથી. જેથી અમો ભાજપ સરકારના રાજમાં લાચાર બન્યા છે .અમારી કીમતી અને મહામૂલી જમીન એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં છીનવાઈ જતાં અને આજદિન સુધી વળતર નહીં ચૂકવવામાં આવતાં અમો નોંધારા બની ગયા છીએ. પરંતુ અમે હિંમત હારવાના નથી અને જમીનનું વળતર નહીં મળશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રાખીશું. હાઇવેની કામગીરી કરવા દઈશું નહીં.

Most Popular

To Top