SURAT

સુરતની આ ‘ટ્રેનિયન એક્સપ્રેસ’ તમને તમારુ બાળપણ યાદ અપાવશે

સુરત: ગુજરાતના (Gujarat) સુરતમાં (Surat) એક એવું રેસ્ટોરન્ટ આવેલું છે કે જ્યા જઇ તમને તમારુ બાળપણ યાદ આવી જશે. ટ્રેનના રમકડા તો બધાએ જ જોયા છે. પરંતુ સુરતની આ રેસ્ટોરન્ટમાં (Restaurant) માનવી નહી પરંતુ ટોય ટ્રેન ફૂડ સર્વ કરે છે. અહીં ગ્રાહકો તેમનુ મનપસંદ ફૂડ ઓર્ડર કરે છે. ત્યાર બાદ અનોખી રીતે એટલે કે ફૂડ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ દ્વારા ટોય ટ્રેન તેમનું ફૂડ તેમના ટેબલ સુધી પહોંચાડે છે. જે ગ્રાહકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યુ છે.

આ રેસ્ટોરન્ટમાં એક નાની ફૂડ ટ્રેન ફૂડ પીરસતી ડાઈનિંગ ટેબલ પાસેથી પસાર થઈ રહી છે. આવી અનોખી અને રસપ્રદ ટ્રેન થીમવાળા રેસ્ટોરન્ટનું નામ છે ‘ટ્રેનિયન એક્સપ્રેસ’ . જે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી છે. આ મીની ટ્રેન થીમ પર આધરિત રેસ્ટોરન્ટ ખૂબ જ મનમમોહક છે કારણ કે તેની થીમ લોકોને બાળપણની યાદ અપાવે છે. અહીં કોઈપણ માનવ હસ્તક્ષેપ વગર રસોડામાં તૈયાર થયેલું ફૂડ મીની ટ્રેન દ્વારા સીધુ ડાઇનિંગ ટેબલ સુધી પહોંચાડવામાં આવે છે. તેમજ ટ્રેનના જુદા જુદા ડબ્બામાં રોટલી, ભાત, કઢી, પાપડ વગેરે લોડ કરી પીરસવામાં આવે છે. જે લોકોને આકર્ષિત કરે છે.

ટ્રેનિયન એક્સપ્રેસ રેસ્ટોરન્ટની રસપ્રદ વાત એ છે કે અહીં ડાયનિંગ ટેબલના નામ પણ સુરત શહેરના અલગ-અલગ વિસ્તાર પરથી રાખવામાં આવ્યા છે. જેનાથી સંપૂર્ણ રેલવે સ્ટેશનનો અહેસાસ થાય છે. રેસ્ટોરન્ટના માલિક મુકેશ ચૌધરીએ જણાવ્યુ છે કે ફૂડ સર્વ કરતી ટ્રેન વીજળીથી ચાલે છે. ફૂડ તૈયાર થયા બાદ તેને ટ્રેનમાં લોડ કરવામાં આવે છે અને ટેબલ પર મોકલવામાં આવે છે. અહીં ટેબલને રિંગ રોડ, અલથાણ, વરાછા જેવા અલગ-અલગ સ્ટેશનોના નામ આપવામાં આવ્યા છે. જેણે લોકોનો ધ્યાન ખેંચ્યુ છે. જે ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યુ છે.

આ રેસ્ટોરન્ટમાં આવેલી એક ગ્રાહકે જણાવ્યુ હતુ કે તેમણે અહીં બાળપણમાં માણેલી ટ્રેનની એ ક્ષણોને ફરીથી જીવી છે. તેમના બાળકોને તે લાંબી ટ્રેન યાત્રાઓ વિશે જણાવવાની તક આપી છે જે તેમણે નાનપણમાં કરી હતી. અન્ય એકે કહ્યુ હતુ કે મોટાભાગની રેસ્ટોરન્ટમાં વેઇટર દ્વારા ફૂડ પીરસવામાં આવે છે. પંરતુ અહી ટ્રેન દ્વારા ફૂડ પીરસવામાં આવે છે. જે ટ્રેન મુસાફરીની યાદો તાજી કરી દીધી છે.

Most Popular

To Top