SURAT

સુરતના મહિધરપુરામાં હીરાના વેપારી સાથે લાખોની ઠગાઈ

સુરત : 15 દિવસમાં જ વેપારીને પેમેન્ટ (Payment) આપી દેવાનું કહીને આંગડીયા પેઢી (Angadiya firm) મારફતે 20 લાખથી વધુનો હીરાનો (Diamond) માલ મંગાવી માત્ર 1.42 લાખ જ ચૂકવ્યા હતા અને બાકીના 18.75 લાખ નહીં ચૂકવીને ઠગાઇ (Cheatig) કરાતા વેપારી સામે પોલીસમાં ફરિયાદ (Police Complaint) થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ ઘનમોરા ચાર રસ્તા નજીક દાનઆશિષ સોસાયટીમાં રહેતા નિલેશ ભીમજીભાઈ કાકલોતર (ઉ.વ.૩૨) મહિધરપુરામાં જદાખાડીમાં ભાગીદારની સાથે હીરાનો વેપાર કરે છે. આ દરમિયાન તેમની મુલાકાત સરથાણાના વાલક પાટીયા પાસે અયોધ્યાપુરી સોસાયટીમાં રહેતા હસમુખ પુનાભાઇ ગોંડલીયાની સાથે થઇ હતી. હસમુખભાઇએ ફેબ્રુઆરી-2020માં રૂા. 20.17 લાખનો હીરાનો માલ ખરીદ્યો હતો અને આ માલ વિક્રમ આંગડીયા પેઢી મારફતે મુંબઇની બી.કે.સી. બાંદ્રા ઓફિસે મોકલાવ્યો હતો. આ પેમેન્ટ પૈકી હસમુખભાઇએ રૂા.1.42 લાખ જ ચૂકવ્યા હતા અને બાકીના રૂા.18.75 લાખ આપ્યા ન હતા. વારંવાર પેમેન્ટની ઉઘરાણી કરવામાં આવતા વેપારી હસમુખભાઇની સામે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ઘરના સભ્યો સૂતા હોય તેવા મકાનમાંથી મોબાઈલ ફોન અને બાઈક ચોરી કરતો રત્નકલાકાર ઝડપાયો
સુરત: ક્રાઈમ બ્રાંચની ટીમે પોકેટ કોપ મોબાઇલ ફોનની મદદથી ચોરીની મોટરસાઇકલ તથા મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને બે મોટરસાઇકલ તથા બે મોબાઇલ ફોન સાથે પકડી પાડ્યો હતો. આરોપી રત્નકલાકાર છે અને મોજશોખ માટે ચોરીના રવાડે ચઢ્યો હતો.

ક્રાઈમ બ્રાંચને કાપોદ્રા, કર્મનાથ મહાદેવના મંદિર પાસે મોબાઈલ અને બાઈક ચોર ઊભા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે આરોપી હિતેશ અંબાલાલ બાલુરામ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બે મોબાઇલ ફોન તથા એક હોન્ડા મોટરસાઇકલ મળી 58 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જે મુદ્દામાલ પોતાના મિત્ર સંદીપ ઉર્ફે કાળિયા સાથે મળી ચોરી કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેના મિત્ર સંદીપ ઉર્ફે કાળિયોએ સાથે મળી એક મોટરસાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત કરતાં તે પણ કબજે કરાઈ હતી. આરોપી પાસેથી બે મોબાઈલ અને બે બાઈક કબજે લેવાઈ હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ચોરીના ત્રણ ગુના ઉકેલાયા હતા. ઘરના સભ્યો સૂતેલા હોય તેવા મકાનમાંથી મોબાઇલ ફોન ચોરી કરી તથા મોટરસાઇકલ ડાયરેક્ટ/ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરતા હતા. આરોપી હિતેશ રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. પરંતુ મોજશોખ માટે તેણે ચોરી શરૂ કરી હતી.

Most Popular

To Top