Top News

More Posts

   The Latest

Most Popular

કોરોના સંક્રમણના ત્રીજા વૅવની સંભાવના સામે રાજ્ય સરકાર એક્શન પ્લાન ઘડવા સાથે સજ્જ થઈ રહી છે ત્યારે સીએમ વિજય રૂપાણીએ ગુરૂવારે રાજ્યના સુરત સહિત પાંચ મનપાના કમિશ્નરો તેમજ સિનિયર અધિકારીઓ સાથે કોરોનાની સંભવિત ત્રીજી લેહના મામલે સીધો સંવાદ કર્યો હતો.

રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે આપણે સ્હેજ પણ નિશ્ચિંત રહેવાનું નથી. ગુજરાતે સાવધાન અને સજાગ રહેવાનું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા આવશ્યક એવા તમામ પગલાં લેવાના છે. નિયમોને અનુસરવાનું છે. દરેક વ્યક્તિએ સંયમ જાળવવાનો છે અને એ રીતે સ્વસ્થ રહેવાનું છે. જેથી આપણે ત્રીજા વૅવને ટાળી શકીએ. આમ છતાં રાજ્ય સરકાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠક દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરના મ્યુનિસિપલ કમિશનર્સ તથા એવા વરિષ્ઠ અધિકારીઓ કે જેમણે કોરોનાના સંક્રમણના પહેલા અને બીજા વૅવ દરમિયાન નોંધપાત્ર ફરજ બજાવી છે એવા અધિકારીઓ સાથે વિસ્તૃત વિચારવિમર્શ કરાયો હતો.

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં હોસ્પિટલ બેડની સંખ્યા, ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની ઉપલબ્ધિ, ઓક્સિજન વ્યવસ્થા, દવાઓ અને ઈન્જેકશનની આવશ્યકતા અને ઉપલબ્ધિ જેવા તમામ વિષયો પર વિસ્તૃત વિગતો મેળવી હતી. તેમણે દરેક મહાનગરના મ્યુનિસિપલ કમિશનર્સ અને અધિકારીઓ સાથે સીધો સંવાદ કરીને કોરોનાના સંક્રમણના પહેલા અને બીજા તબક્કાના અનુભવો જાણીને ત્રીજા તબક્કા વિશેના તેમના અનુમાનો તથા આયોજનોની વિગતવાર માહિતી મેળવીને જરૂરી આદેશો આપ્યા હતા.

ગુજરાતે કોરોનાના ત્રીજા વેવની સંભાવના સામે ઘણા સમય પહેલાંથી જરૂરી આયોજન અને વ્યવસ્થા શરૂ કરી છે. રૂપાણીએ આ અગાઉ ગુજરાતની કોરોના માટેની ટાસ્ક ફોર્સના નિષ્ણાત તબીબો સાથે વિસ્તૃત બેઠક કરીને આ સંદર્ભે વિચારવિમર્શ કર્યો હતો. તાજેતરમાં જ ગુજરાતના બાળરોગ નિષ્ણાત તબીબો અને રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટર્સ સાથે પણ સંવાદ કરીને રાજ્ય સરકારની અને મેડિકલ ક્ષેત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી.

To Top