SURAT

સુરતને સ્માર્ટ બનાવવાનો દેખાડો પુરો! સમિટ પુરી થતાં જ ફરી લારી-ગલ્લાના દબાણો

સુરત: (Surat) એક બાજુ સુરતને સ્માર્ટ સિટી (Smart City) બનાવવાનો દાવો તંત્રવાહકો કરી રહ્યા છે, તો બીજી બાજુ મનપા શહેરીજનો માટે કાયમી ન્યૂસન્સ જેવાં દબાણોની સમસ્યા હલ કરવા બાબતે ઉદાસીન દેખાય છે. જો કે, કોઇ મહાનુભાવ આવવાના હોય કે મહત્ત્વની ઇવેન્ટ હોય તેવા સમયે આ દબાણો રાતોરાત દૂર કરી દેવાય છે.

  • સમિટને કારણે મનપાએ લારી-ગલ્લા ઉઠાવી લેવાની સાથે કેટલાક લારી-ગલ્લા પર કપડું ઢાંકી દીધું હતું
  • હવે સમિટ પુરી થતાં જ જાણે જવાબદારી પુરી થઈ ગઈ
  • તંત્રએ લારી-ગલ્લા દૂર કરવાની કામગીરીથી હાથ ખંખેરી લીધા

સરસાણા સ્માર્ટ સિટી ઇવેન્ટના ત્રણ દિવસ માટે પણ આવું જ થયું હતું. આ સમિટમાં આવનારા ડેલિગેટ્સ સમક્ષ સુરતને સુંદર દેખાડવા માટે અઠવા ઝોનમાં મુખ્ય રસ્તા પરથી અને ડેલિગેટ્સ જ્યાંની મુલાકાત લેવાના હોય તે રૂટ પરનાં દબાણો રાતોરાત હટાવી લેવાયાં હતાં. જેના કારણે લારીગલ્લાઓથી રોજીરોટી રળતા અનેક વેપારીઓએ ત્રણ દિવસ રોજગારી ગુમાવી હતી.

સ્માર્ટ સિટી સમિટ વખતે આ લારી ગલ્લાં બંધ કરી ગ્રીન કપડાથી ઢાંકી દેવાયા હતા.

જો કે, મૂળ વાત એ છે કે સુરતના તંત્રવાહકો માત્ર સુરતને સ્માર્ટ બતાવવા માંગે છે કે બનાવવા માંગે છે તેવો સવાલ છે. કેમ કે, સમિટ પૂરી થતા જ ગુરુવારથી આ જ વિસ્તારોમાં ફરીથી દબાણો થઇ ગયાં છે. મતલબ કે દબાણો હટાવવા માટે તંત્રની ઇચ્છાશક્તિ જ નથી. કેમ કે, જો ઇવેન્ટ વખતે દબાણો દૂર થઇ શકતા હોય તો કાયમી ધોરણે કેમ દૂર નથી કરી શકાતાં તેવો સવાલ ઊભો થાય છે ? તેથી જે રીતે સમિટના રૂટો પર અમુક દિવસ માટે દબાણો હટાવવાનું શૂરાતન તંત્રએ બતાવ્યું તેમ દરેક વિસ્તારનાં દબાણો હટાવી બતાવે અથવા તો આ માત્ર સારું દેખાડવાનો ખેલ બંધ કરે તેવી લાગણી લોકોમાં દેખાઇ રહી છે.

Most Popular

To Top