Comments

‘જયભીમથી પુષ્પા’ – દક્ષિણનું વધતુ પ્રભુત્વ સમજવા જેવું છે

સિનેમા અને સાહિત્ય સમાજનું પ્રતિબિંબ ઝીલે છે અને રાજકીય સામાજિક આંતર પ્રવાહો સમજવામાં સાહિત્ય અને સિનેમાનો અભ્યાસ પણ મદદરૂપ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વ્યાપ પછી હવે દક્ષિણ ભારતનાં ચાર રાજયોની ફિલ્મો દેશ દુનિયામાં એક સાથે પ્રસારિત થઇ શકે છે. ભાષાના પ્રશ્નો પણ ડબિંગ ટેકનોલોજીએ સરળ કરી દીધા છે અને ફિલ્મ નિર્માતાઓ પણ મોટા બજારને પામવા માટે શરૂઆતથી જ વિવિધ ભાષાઓમાં ફિલ્મ રજૂ કરી રહ્યા છે. શરૂઆતમાં ટી.વી. ચેનલોમાં ડબિંગ કરેલી દક્ષિણ ભારતીય ફિલ્મોને પ્રેક્ષકોએ આવકાર આપ્યો. પછી થિયેટરમાં પણ હિન્દી ડબ ફિલ્મો રજૂ થવા લાગી. રજનીકાંતની ફિલ્મો અને ચિરંજીવીની ફિલ્મો બધી મુખ્ય ભાષામાં રજૂ થવા લાગી અને બાહુબલી ભાગ-1 દેશભરમાં ચર્ચાનો વિષય બની. મલ્ટિપ્લેક્ષમાં બાહુબલી-2 ની બમ્પર સફળતાએ હિન્દી ફિલ્મ ઉદ્યોગને ચેલેન્જ આપી દીધી અને હવે તો પુષ્પા, કે.જી.એફ…. એક પછી એક દક્ષિણ ભારતીય ફિલ્મો ઉત્તર ભારતીય પ્રેક્ષકોની પસંદ બની રહી છે.

‘સાઉથની ફિલ્મ’ ના નામે પ્રચલિત દક્ષિણ ભારતીય ફિલ્મો મૂળ ચાર રાજયો તામિલનાડુ, આંધ્ર, કેરાલા અને કર્ણાટકની ચાર પ્રાદેશિક ભાષાની ફિલ્મો છે. જે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં બને છે. શું  ફિલ્મો થકી દેશના સામાજિક રાજકીય પરિવર્તનો અને પ્રજામાનસના બદલાવને પકડી શકાય! હા, નિસ્બતપૂર્વકનો અભિગમ રાખવાથી સમજી શકાય! ધ કાશ્મિર ફાઇલની સફળતા જો દેશના ખાસ તો ઉત્તર ભારતીય પ્રેક્ષકને સમજવામાં મદદ કરે છે તો ‘જયભીમ’ જેવી કોર્ટરૂમ ડ્રામાની દેશભરમાં ચર્ચા અને સફળતા પણ એક વાત કરે છે.  દેશકાળ મુજબ સમાજ અને રાજનીતિના જાહેર જીવનમાં પ્રવાહો ઉપર નીચે થાય છે. તે સારા છે કે ખોટા! નૈતિક છે કે અનૈતિક એ જુદી ચર્ચાનો વિષય છે. સમાજશાસ્ત્ર તો ‘શું છે?’ ની ચર્ચામાં વધારે રસ લે છે ‘શું હોવું જોઇએ?’ ના નીતિશાસ્ત્રમાં નહીં!

આઝાદ ભારતની રાજનીતિ જોઇએ તો પ્રથમ વર્ષો ઉત્તર ભારતનું પ્રભુત્વ રહ્યું! પક્ષો બદલાયા, વડા પ્રધાન બદલાયા, પણ બધા ઉત્તર ભારતના. હા, વચ્ચે દેવગૌવડા અને કોંગ્રેસમાં એક આમી ટર્મ નરસિમ્હારાવ વડા પ્રધાન રહ્યા પણ તે દક્ષિણ ભારતીય પ્રવાહના ફોર્સથી ઉપર નો’તા પહોંચ્યા. વર્તમાન સમયમાં જો ધ્યાન આપીએ તો દેશની રાજનીતિમાં મધ્ય ભારત છવાયેલું છે. ગુજરાતથી પશ્ચિમ બંગાળનો પટ્ટો રાજનીતિ પ્રવાહમાં ઉપર છે.  75 વર્ષના આઝાદ ભારતના ઇતિહાસમાં હજુ ભારતના રાજકીય જીવનમાં દક્ષિણ ભારત હાવી થયું નથી. ભારતના જ્ઞાતિગત રાજકારણમાં સંપૂર્ણ ઉચ્ચવર્ગીય પ્રધાનતા પછી અત્યારે મધ્યમ વર્ગીય પ્રાધાન્ય વધ્યું છે. OBC નેતાઓ મુખ્ય નિર્ણાયક ભૂમિકામાં છે. હજુ એસ.ટી., એસ.સી. દ્વારા દેશ પર પ્રભુત્વ મેળવવું બાકી છે. જય ભીમ, પુષ્પા કે કે.જી.એફ.ની સફળતા એક સાથે બે પ્રવાહોને મહત્ત્વના બનાવે છે. એક તો દક્ષિણ ભારતીય પ્રભુત્વ વધશે અને બે દબાયેલા, કચડાયેલા વર્ગનું આધિપત્ય આવશે!

આમ તો દેશના બંધારણ મુજબ દરેક ચૂંટણીમાં દરેક પક્ષ એસ.સી., એસ.ટી. સીટ માટે ઉમેદવાર ઊભા રાખે છે. સંસદ અને વિધાનસભામાં બંધારણે આપ્યા મુજબ એસ.ટી. એસ.ટી. પ્રતિનિધિત્વ આવી જ છે. પણ પાર્ટીના ચિન્હ ઉપર ચૂંટણી લડનારા એસ.સી. એસ.ટી. ઉમેદવાર પોતે એસ.સી., એસ.ટી. વર્ગના પ્રતિનિધિ છે. તેમના હકક હિત માટે લડવાનું છે તે વાત ભૂલી જાય છે અને પાર્ટીની કઠપૂતળી બની જાય છે.

વર્ષો સુધી પાર્ટી લાઇનથી મોટા થનારા નેતાના યુગમાં હવે જાતમેળે મોટા થનારા નેતાઓ વધશે. દક્ષિણ ભારત અત્યારે ભલે મનોરંજનક્ષેત્રે પ્રભુત્વ વધારે પણ આવનારા સમયમાં ત્યાંથી જ નેતાગીરી પણ રાષ્ટ્રીયકક્ષાએ પ્રભુત્વ મેળવશે. પુષ્પા કે કે.જી.એફ એ એસીના દશકમાં અમિતાભની દિવાર, લાવારીસ, ત્રિશૂલની જે વાર્તાઓ છે. સોનાની દાણચોરી હોય કે ચંદનના લાકડાની! મૂળ વાત સ્થાપિત હિતો સામે લડતા દબાયેલા – કચડાયેલા વર્ગના યુવાનની જ છે! ખાનગીકરણના પ્રથમ તબકકામાં, પેજ થ્રી, કોર્પોરેટ, કે ઉચ્ચ મધ્યમ વર્ગને મનોરંજન આપતી જોક જ માળવાળી ફિલ્મો બનવાની સાથે જ હિન્દી ફિલ્મઉદ્યોગે સામાન્ય યુવાનના સંઘર્ષ, બદલાવની વાતોવાળી ફિલ્મો પર પડદો પાડી દીધો! દેશમાં છેલ્લા બે દસકામાં ઉચ્ચ મધ્યમ વર્ગમાં વસ્તીવૃધ્ધિનો દર સાવ ધીમો પડી ગયો છે. દેશની ખરી યુવાનવસ્તીમાં ગરીબવર્ગ મધ્યમ -ગરીબ વર્ગનું પ્રમાણ મોટું છે.

આ વર્ગ હવે પુષ્પા અને કે.જી.એફ.ને પોતાની સાથે રીલેટ કરે છે. જે લોકો ગુજરાતમાં વિક્રમ ઠાકોરની સફળતાને સમજી શકે છે તે જ અમદાવાદના મેયર કાનજી ઠાકોર કેમ બન્યા હતા! તે સમજી શકે છે! આજે ફરી ન્યાયની ઝંખના પ્રબળ બની રહી છે. સમાનતાનો સંઘર્ષ શરૂ થઇ ચૂકયો છે. માત્ર ઉચ્ચ મધ્યમ વર્ગ જ નહીં, પણ અછેડ ઉપરના લોકો આજના યુવાનની તડપને સમજતા નથી! ‘એન્ટી એસ્ટાબ્લીસમેન્ટ’ ફરી મોટું થઇ રહ્યું છે. માત્ર દક્ષિણની ફિલ્મો કે દલિત સંઘર્ષની વાર્તાઓ જ મોટી નથી થઇ રહી! એ વિચાર પણ મોટો થઇ રહ્યો છે! અને આ સમયનો ન્યાય હશે કે સતત ઉત્તર ભારતીય પ્રભુત્વમાં ચાલેલી રાજનીતિમા મધ્યમ ભારત પછી દક્ષિણ ભારત પ્રભુત્વ મેળવે! ‘એક ગુજરાતી વડાપ્રધાન’ની જેમ જ એક કેરાલાનો માણસ પણ…. દેશની પ્રજાને દિશા દેખાડવા આવી શકે! આ સંદર્ભે લાગે છે કે હવે ‘પુષ્પા ઝૂકેલા નહીં!  
         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top