Columns

કૂવો

એક દિવસ રાજા ભોજે દરબારમાં પ્રશ્ન કર્યો કે, ‘એવો કયો કૂવો છે જેમાં પડ્યા બાદ માણસ બહાર આવી જ નથી શકતો?’કોઈ આ પ્રશ્નનો જવાબ આપી શક્યું નહિ.રાજા ભોજે પોતાના દરબારના રાજ પંડિતને કહ્યું, ‘તમે રાજ પંડિત થઈને આ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી.જો તમે સાત દિવસમાં આ પ્રશ્નનો જવાબ નહિ શોધી આપો તો હું તમને દરબારમાંથી બરતરફ કરીશ અને દેશનિકાલ આપીશ.’ રાજપંડિત આ પ્રશ્નનો જવાબ મેળવવા દૂર દૂર સુધી ગયા, પણ છ દિવસ વીતી ગયા કોઈ જવાબ મળ્યો નહિ અને રાજપંડિત એક જંગલમાં પહોંચ્યા ત્યાં એક ભરવાડ બકરીઓ ચરાવતો હતો. રાજપંડિતના ચહેરા પર ઉદાસી જોઇને ભરવાડે પૂછ્યું, ‘રાજપંડિતજી શું થયું? હું કંઈ મદદ કરી શકું?’રાજપંડિતને થયું, બધે પ્રયત્નો કર્યા છે તો લાવ આને પણ પૂછી જોઉં. રાજપંડિતજીએ ભરવાડને કહ્યું, ‘એવો કયો કૂવો છે જેમાં પડ્યા બાદ માણસ બહાર આવી જ નથી શકતો? બોલ છે જવાબ તારી પાસે?’

ભરવાડ બોલ્યો, ‘હા , પંડિતજી જવાબ તો મને ખબર નથી પણ જુઓ મારી પાસે એક પર્સ પથ્થર છે જેનાથી તમે એટલું સોનું બનાવી શકશો કે તમને રાજા ભોજની જરૂર જ નહીં પડે. રાજા ભોજ તમને દેશનિકાલ નહિ આપે, તમને શોધતા આવશે પણ તમે આ મારી બકરીને નવડાવીને તેને દોહીને તેનું દૂધ પીશો તો જ હું પારસ પથ્થર તમને આપીશ.’રાજપંડિત કમને તૈયાર થયા.આગળ બકરી દોહી એટલે ભરવાડે કહ્યું, ‘પહેલાં દૂધ હું પીશ અને તમે મારું એઠું પીશો તો જ જવાબ આપીશ.’

રાજપંડિત માની ગયા કારણ કે પારસ પથ્થર જોઈતો હતો.ભરવાડે પોતે દૂધ પીધું પછી પોતાના કૂતરાને પીવડાવ્યું અને પછી તે દૂધને પોતાની મોજડીમાં ભરી રાજ પંડિતને આપ્યું અને કહ્યું, ‘હવે તમે આ દૂધ પીઓ તો હું તમને પારસ પથ્થર આપીશ.’રાજપંડિત પારસ પથ્થરથી સોનું બનાવવાની લાલચમાં પોતે આ રીતે દૂધ પીવા તૈયાર થઇ ગયા.જેવું તેવો મોજ્ડીમાંથી દૂધ પીવા ગયા,ભરવાડે ધક્કો મારી મોજડી પાડી નાખી અને કહ્યું, ‘રાજ પંડિતજી આ છે તમારા પ્રશ્નનો જવાબ…..એક રાજ પંડિત થઈને તમે પારસ પથ્થર મેળવવા સોનાની લાલચે મેં જે પણ કંઈ તમને કરવા કહ્યું, તમે તૈયાર થઇ ગયા.આ જ તો કૂવો છે માણસના મનમાં રહેલા લોભ લાલચ અને લાલસાનો. જો માણસ આ ઈચ્છા અને તૃષ્ણાના કૂવામાં એક વાર પડે પછી પડતો જ જાય છે, કયારેય બહાર આવી શકતો નથી.’ભરવાડે રાજ પંડિતને સાચો જવાબ સમજાવ્યો.-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top