Editorial

ચીનમાં ઘટતા જન્મદર માટે લોકોની બદલાયેલી માનસિકતા જવાબદાર છે

એક સમય હતો કે જ્યારે ચીન વસ્તીથી ખદબદ થતો દેશ હતો અને વસ્તી વધારો એ તેના માટે મોટી સમસ્યા હતી. વસ્તી વધારાને અંકુશમાં લેવા માટે તેની સામ્યવાદી સરમુખત્યાર સરકારે એક દંપતિ-એક બાળકની સખત નીતિનો અમલ શરૂ કરાવ્યો, સમય જતા ચીનમાં આર્થિક અને સામાજીક માહોલ પણ બદલાયો. લોકો એક બાળકની નીતિથી ટેવાયેલા તો હતા જ, બદલાયેલા સામાજીક-આર્થિક માહોલમાં અને બદલાયેલી વિચારધારાને કારણે  ઘણા લોકોએ તો એક બાળક જન્માવવાનું પણ માંડી વાળવા માંડ્યુ઼. પરિણામે ચીનનો વસ્તી વધારો ખૂબ ધીમો પડવા માંડ્યો અને ચીનની સરકારે એક દંપતિ એક બાળકની કઠોર નીતિ હળવી કરીને બે બાળકોની કરી, પરંતુ  આમ છતાં હજી ત્યાં એવા સંકેતો વર્તાતા હતા કે ચીનમાં હવે વસ્તી ઘટતી જશે અને ખાસ કરીને યુવા વસ્તીમાં મોટા ઘટાડાને કારણે આર્થિક અસરો પણ મોટી થશે. સરકારે બે બાળકોની નીતિ પણ ઢીલી કરી અને એટલું જ નહીં  પણ બાળકો જન્માવવા માટે પ્રોત્સાહનો પણ આપવા માંડ્યા, છતાં ચીનમાં આજે પણ એવી સ્થિતિ છે કે વસ્તી વધારાનો દર ઘટતો જ જાય છે અને ધીમે ધીમે ચીન વસ્તી ઘટાડા તરફ આગળ વધી રહ્યું છે.

ચીનમાં વસ્તી ઘટાડા તરફ દોરી જતી સ્થિતિ માટે લોકોની બદલાયેલી માનસિકતા ખાસ જવાબદાર છે. ચીનની યુવા પેઢી હવે બાળકો જન્માવવા માગતી નથી, એટલું જ નહીં ચીનમાં લગ્નોનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે એમ  હાલમાં બહાર આવેલો એક અહેવાલ જણાવે છે. ચીનમાં ગયા વર્ષે લગ્નોની સંખ્યા ઘટીને ૩૬ વર્ષના નીચા દરે પહોંચી ગઇ હતી જે સાથે વિશ્વના બીજા ક્રમના આ સૌથી મોટા અર્થતંત્રમાં વસ્તીની કટોકટી વધુ વકરી હતી જેમાં  નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશના ઘટતા જન્મદરની સમસ્યા ઓછા લગ્નોથી વધુ વકરશે.કુલ ૭.૬૩ મિલિયન યુગલોએ ચીનમાં ૨૦૨૧ના વર્ષમાં લગ્ન માટે નોંધણી કરાવી હતી જે છેલ્લા ૩૬ વર્ષનો સૌથી નીચો આંકડો છે. 

૧૯૮૬માં નાગરિક બાબતોના મંત્રાલયે આવા આંકડાઓ જાહેર કરવાનું શરૂ કર્યું ત્યારથી લઇને અત્યાર સુધીનો આ સૌથી નીચો આંક છે, એટલે ખરેખર તો આ અત્યાર સુધીનો નોંધાયેલો સૌથી નીચો આંક છે. લગ્નોની નોંધણીની  સંખ્યામાં ઘટાડો એ ચોક્કસપણે ચીનમાં જન્મ દરમાં ઘટાડામાં પરિણમશે, કારણ કે મોટા ભાગના બાળકો ચીનમાં લગ્ન વડે જ જન્માવવામાં આવે છે એમ હે યાફુ નામના એક સ્વતંત્ર વસ્તી શાસ્ત્રીએ સરકાર સંચાલિત ગ્લોબલ  ટાઇમ્સને જણાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ(એનબીએસ)એ જણાવ્યું હતું કે ચીનની વસ્તીમાં ગયા વર્ષે પાંચ લાખ કરતા પણ ઓછાનો ઉમેરો થયો હતો અને સતત પાંચમા વર્ષે ચીનમાં જન્મદર  ઘટ્યો હતો. જે સાથે દેશમાં વસ્તીની કટોકટી સર્જાવાનો ભય ઉભો થયો હતો અને તેની વિપરીત અસર ભવિષ્યમાં દેશના અર્થતંત્ર પર થાય તેવી ચિંતાઓ સર્જાઇ હતી. ચીનમાં યુવા વસ્તી ઘટી જાય તેવા સંજોગોમાં કામદારોની  મોટી તંગી ઉભી થવાની ચિંતાઓ સર્જાઇ છે. એક સમયે કડક વસ્તી નિયંત્રણના કાયદાઓ અમલમાં મૂકનારા ચીને વસ્તી ઘટવા માંડતા વસ્તી વધારાને પ્રોત્સાહન આપતા પગલાઓ ભરવા માંડ્યા છે છતાં હવે ત્યાં લોકો વધુ  બાળકો જન્માવતા નથી કે બાળક જન્માવવાનું જ ટાળે છે.

ચીનની હાલની વસ્તી દોઢ અબજ જેટલી છે. ચીનના જન્મદરમાં મોટા ઘટાડા છતાં ચીન હજી પણ વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા કેટલાક સમય પહેલા અંદાજ મૂકવામાં આવ્યો હતો કે વસ્તી ઘટાડા  છતાં ૨૦૬પના વર્ષ સુધી ચીનમાં ૧.૩ અબજ લોકોની વસ્તી તો હશે. જો કે હાલમાં એક નવા અભ્યાસે ચેતવણી આપી છે કે ચીનનો વસ્તી ઘટાડો અપેક્ષા કરતા ઘણો ઝડપી હોઇ શકે છે અને આગામી ૪૫ વર્ષમાં જ આ દેશની  વસ્તી અડધી થઇ જશે. શિયાન જીઆઓતોંગ યુનિવર્સિટીના સંશોધકોએ નવા અભ્યાસમાં ચેતવણી આપી હતી કે ચીનના વસ્તી ઘટાડાને તીવ્ર રીતે ઓછો આંકવામાં આવ્યો છે.

ઉદાહરણ તરીકે યુએન દ્વારા મૂકવામાં આવેલો  અંદાજ એવી ધારણા પર આધારિત હતો કે ચીનનો ફળદ્રુપતા દર પ્રતિ મહિલા ૧.૭ બાળકોની ઉપર રહેશે, પરંતુ તેના પછી ચીનમાં ૧૨૦ લાખ બાકળો જ જન્મ્યા હતા, જે આંકડો યુએનના અંદાજ કરતા ૨૫ ટકા ઓછો હતો.  ચીનનો નવો જન્મ દર અસાધારણ રીતે નીચો રહ્યો છે, જો કે તે હાલની છેલ્લી વસ્તી ગણતરી પર આધારિત છે જે અત્યાર સુધીની સૌથી ચોક્કસ વસ્તી ગણતરી માનવામાં આવે છે. નવી વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ  ચીનની વસ્તીમાં બાળકોનું પ્રમાણ ૧૭ ટકા છે જ્યારે ૬૦ કરતા વધુ વર્ષની વયના લોકોનું પ્રમાણ ૧૮ ટકા કરતા વધારે છે. પ્રથમ વખત એવું બન્યું છે કે ચીનમાં યુવાઓ કરતા વૃદ્ધોની વસ્તી વધુ છે.

ચીનમાં વર્ષોથી ઓછા  બાળકો જન્માવવાના દબાણ વચ્ચે જીવેલા લોકોની માનસિકતા બદલાઇ ગયેલી જણાય છે. વળી બાળ ઉછેર મોંઘો થઇ રહ્યો છે અને ચીનમાં પતિ-પત્ની બંને નોકરી કરતા હોય તેવા સંજોગોમાં બાળકોની સંભાળ રાખનારાઓનો  પણ અભાવ છે તેથી યુગલો બાળકો જન્માવવાનું ટાળે છે અને હવે નવી પેઢી તો લગ્ન કરવાનું જ ટાળી રહી છે. સ્વાભાવિક રીતે આ બાબતો ચીનમાં મોટા વસ્તી ઘટાડા તરફ જ નહીં પણ વસ્તીની મોટી અસમતુલા તરફ પણ  દોરી જશે.

Most Popular

To Top