Top News

More Posts

   The Latest

Most Popular

ભાજપમાં પ્રવેશ બાદ હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં પાટીદાર અનામત આંદોલન સમયના કેસ સંદર્ભે એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘હું થોડો સળગાવવા ગયો છું. જે અસામાજિક તત્ત્વોએ આ કામ કર્યું છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી થાય છે અને એમની વિરુદ્ધ કેસ પણ થયા છે.’ હાર્દિકના આ શબ્દો પર આપત્તિ જતાવતા પાટીદાર નેતા, સમાજના મોભી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતું કે ‘આંદોલનકારીઓને જો અસામાજિક તત્ત્વો કીધા હોય તો તે હાર્દિકની બહુ મોટી ભૂલ છે. આવા શબ્દો ન નીકળવા જોઈએ, ફરીથી એમને હું અપીલ કરું છું.’

હાર્દિક પટેલ BJPમાં જોડાઈ ગયા પછી હવે ગુજરાતના પાટીદારોની નજર નરેશ પટેલ પર છે. નરેશ પટેલ એક એવો ચહેરો જેમાં બધું જ છે – પાટીદાર, પાવર, પૈસા, પહોંચ અને સૌથી મોટું આસ્થાનું ફેક્ટર. તેઓ પાટીદારોની સૌથી મોટી સંસ્થા ‘ખોડલધામ’ના સ્થાપક ચેરમેન છે. આ ઉપરાંત હિન્દુત્વનો ઝંડો પણ આ ‘નરેશ’ લહેરાવી શકે એમ છે. જે વાતો ચાલી રહી છે એ મુજબ નરેશ પટેલને રાજકારણમાં આવવું છે પણ પોતાના નામની માફક સીધા જ ગુજરાત ‘નરેશ’ બનવું છે. અફવા બજાર તો એવું કહે છે કે પટેલ 500 કરોડની થેલી લઈને ફરી રહ્યા છે!

આ અફવા બજાર છે એને કાંઈ રોકી શકાય નહીં. ખુદ નરેશ પટેલ રાજકારણમાં પોતાના પ્રવેશોત્સવ માટે તારીખ પે તારીખ આપી રહ્યા છે. અલબત્ત, આ તારીખ પે તારીખ પાછળ ભલે એવું કહેવાતું હોય કે સર્વે ચાલી રહ્યો છે, ખરેખર હજુ ખીચડી પાકી નથી. નરેશ પટેલે થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે તેઓ માર્ચ એન્ડમાં પોતાની રાજકીય કારકિર્દી અંગેનો નિર્ણય જાહેર કરશે. એ પછી તારીખો પડતા પડતા જૂન મહિનો આવી ગયો છે. ફરી એક વખત ખોડલધામ ટ્રસ્ટની બેઠક બાદ નરેશ પટેલે તેમના રાજકીય પ્રવેશોત્સવ અંગે ધોમધખતા ઉનાળામાં પાણી ફેરવી દીધું છે! એટલે કે, રાજકીય પ્રવેશોત્સવ આગળ ઠેલી દીધો છે. હવે તેઓ 15 જૂન સુધીમાં ધડાકો કરશે એવું કહેવાય છે.

અત્યારે એવા અહેવાલો છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર ઇચ્છતા હતા કે ગુજરાતમાં કોંગ્રેસ પાસે જનતા સામે જવા એક સક્ષમ, ભરોસાપાત્ર ચહેરો હોવો જોઈએ. જેના નામે મોટા પાયે મતોનું ધ્રુવીકરણ થઈ શકે અને કોંગ્રેસ કાંટે કી ટક્કર આપી શકે. નરેશ પટેલના રૂપમાં આ ચહેરો મળી ગયો છે. જો કે એક વાત સ્પષ્ટ છે કે જંગલમાં રહેવું અને સિંહ સાથે દુશ્મની કરવી નરેશ પટેલને પોષાય તેમ નથી. ગુજરાતને અત્યારે યોગી આદિત્યનાથ જેવા CMની જરૂર છે અને નરેશ પટેલમાં એ બધા ગુણો છે. કઈ રીતે જાણો છો? સૌથી પહેલી શરત – ખોડલધામને પણ નથી છોડવું અને ગુજરાતના નાથ પણ બનવું છે.

યોગી આદિત્યનાથનો દાખલો લો. તેઓ આજે પણ ગોરખપુર મઠ ગોરક્ષના પીઠાધીશ્વર છે. ભગવા ધારણ કરે છે અને ઉત્તર પ્રદેશના નાથ પણ છે. યોગી મહિનામાં બે વખત ગોરખપુર જઈને આરતી પણ કરે છે. યોગીએ તેની અસલી ઓળખને ગુમાવી નથી. તેઓ રાજકારણમાં આવ્યા, CMની ખુરશી સુધી પહોંચ્યા પણ ગોરખપુર મઠની ગાદી છોડી નથી. આ રીતે જ નરેશ પટેલને ખોડલધામના ચેરમેનપદના ભોગે રાજકારણમાં આવવું નથી. ખોડલધામ ટ્રસ્ટ એ લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. ખોડલધામને કારણે નરેશ પટેલ ઓળખાય છે. આ ટ્રસ્ટનું નિર્માણ થયું ત્યારે ટ્રસ્ટનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. આ બંધારણ મુજબ ટ્રસ્ટના હોદા પર બિરાજતી વ્યક્તિ કોઇ ચૂંટણી લડે કે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તો તેમણે ટ્રસ્ટમાંથી રાજીનામું આપવું પડે. હવે નરેશ પટેલ રાજકારણમાં આવે તો સ્વાભાવિક છે કે બંધારણ મુજબ તેમણે ચેરમેનપદેથી રાજીનામું આપવું પડે. નરેશ પટેલને આવું કરવું નથી. UPમાં યોગી ગોરખપુર મઠની ગાદીએ બેસીને CM બની શકતા હોય તો ગુજરાતમાં નરેશ પટેલ ખોડલધામના ચેરમેન હોવા છતાં CM કેમ ન બની શકે?

અહેવાલો અનુસાર પેચ અહીં ફસાયો છે. જો કે ખુદ નરેશ પટેલે જ રાજકારણમાં આવશે તો પણ પોતે ચેરમેનપદ પર કાયમ રહેશે, એવો આડકતરો ઇશારો કરી દીધો છે. તેમણે એવું કહ્યું હતુ કે હાલની ખોડલધામના ચેરમેન તરીકેની જવાબદારી કોઈ પણ રાજકીય પાર્ટીના હોદ્દાથી સૌથી ઉત્તમ છે. રાજકારણમાં જોડાવા મારી વ્યક્તિગત ઈચ્છા છે પણ સમાજની યુવાપેઢીનો આગ્રહ છે કે હું ખોડલધામમાં પણ રહું. એવું કહેવાય છે કે હાલ એક સર્વે ચાલી રહ્યો છે, જેમાં નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સમાજમાંથી એવા સવાલ ઊઠ્યા છે કે શું નરેશ પટેલ ખોડલધામમાંથી રાજીનામું આપશે?

અલબત્ત, ખોડલધામ તરફથી એવું કહેવાય ગયું છે કે જ્યારથી નરેશ પટેલના રાજકારણ પ્રવેશ અંગે વાતો આવી રહી છે, ત્યારથી સમાજમાં એક સવાલ પૂછાય રહ્યો છે કે રાજકારણમાં પ્રવેશ સાથે નરેશ પટેલ ટ્રસ્ટ છોડી દેશે? આ સવાલના જવાબમાં યુવાનો અને સમાજની લાગણી એવી છે કે નરેશ પટેલ ભલે રાજકારણમાં પ્રવેશ કરે તો પણ તેઓ ખોડલધામ સાથે જોડાયેલા રહે અને યુવાનોને માર્ગદર્શન આપતા રહે. નરેશ પટેલે પણ એવું કહી દીધું છે કે ખોડલધામ ટ્રસ્ટમાં રાજકીય વ્યક્તિ રહી શકે નહીં. બંધારણનો મારે પણ આદર કરવો જ પડે. રાજકારણમાં જવું હોય તો ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દેવું પડે. સામે સમાજની જે લાગણી હોય એને પણ મારે સ્વીકારવી જોઇએ. એટલે જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ આવશે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ અને સમાજના લોકો જે નિર્ણય લેશે એ સ્વીકાર્ય રહેશે.

નરેશ પટેલનો ભૂતકાળ તપાસીએ તો દર વખતે ચૂંટણી ટાણે આવી વાતો આવે જ છે. થોડા દિવસ ચાલે છે અને અંતે હતા ત્યાં ને ત્યાં જેવો ઘાટ સર્જાય છે. આ વખતે ખીચડી પાકી ગઈ છે. નરેશ પટેલ દર વખતની જેમ ગાડી ચૂકી જશે, એવું લાગતું નથી. કદાચ હવે ગાડી ચૂકી જશે તો પછી રાજકીય કારકિર્દી ઘડવી શક્ય નથી. લોઢું ધગતું હોય ત્યારે જ ઘા મારવો જોઈએ એવું આ પટેલને આમ તો ખબર જ છે. અગાઉ નરેશ પટેલની સરખામણી યોગી સાથે એટલે જ કરી કારણ કે અત્યારે ભાજપને હિન્દુત્વનો ચહેરો જોઈએ છે. ભાજપને ગુજરાતમાં પાટીદાર ચહેરો જોઈએ છે. આ ઉપરાંત કોરોના પછી ભાજપને ગુજરાતમાં ચોખ્ખી છબિ ધરાવતો ચહેરો જોઈએ છે અને એ પાછો વગદાર પણ હોવો જોઈએ.

નરેશ પટેલમાં આ બધા ગુણો છે. જો ભાજપ નરેશ પટેલને મનાવવામાં નિષ્ફળ રહ્યો અને કોંગ્રેસ સફળ તો સમજી લેજો આ વખતે ગુજરાતનો ચૂંટણી જંગ ઉત્તર પ્રદેશથી કમ નહીં હોય. જો કે મારું તો હજુ એવું માનવું છે કે જંગલમાં રહીને સિંહ સાથે દુશ્મની કરવી નરેશ પટેલને પોષાય એમ નથી! તાજેતરમાં જ વાજતે – ગાજતે AAPમાં ગયેલાં એક ઉદ્યોગપતિ નેતાનું ઉદાહરણ આપણી સામે જ છે. આ ઉપરાંત નરેશ પટેલે હાર્દિક પટેલનો દાખલો જોઈ લીધો છે.

કોંગ્રેસમાં જઈને શું થયું? આવી ભૂલ આ પટેલ કરશે નહીં. છતાં પણ કોંગ્રેસનો હાથ પકડશે તો એ ક્યાં સુધી જાલી રાખી શકે છે એ જોવું રહ્યું! ભલે એવું કહેવાતું હોય કે પાટીદારો ભાજપથી દૂર થઈ ગયા છે પણ જો નરેશ પટેલ ભાજપમાં જોડાઈ જાય તો ફરી સમીકરણો બદલાઈ શકે છે. અત્યારે બંને પક્ષ તેલ જુએ છે, તેલની ધાર જોઈ રહ્યા છે. એક જ ઉદાહરણ તમને જણાવું – 2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં હતા. વીલ પણ લખી નાખ્યું હતું છતાં BJPની સરકારે મચક આપી ન હતી. એ સમયે સરકાર અને હાર્દિક વચ્ચે ‘સમાધન’ કરાવવા નરેશ પટેલ આગળ આવ્યા હતા અને હાર્દિકને પારણા કરાવ્યા હતા.

અલબત્ત, અહીં સરકાર અને હાર્દિક બંનેના EGOને સાચવી લીધો હતો. ફરી એક વખત BJPને જરૂર છે અને એ જ પટેલ રાજકારણના મેદાનમાં આવીને ઊભા છે. પાટીદારો સામેના કેસો પણ પાછલા બારણેથી પરત ખેંચાઈ ગયા છે. હવે બસ થોડું BJP નમે અને થોડા પટેલ નમે એટલે ગુજરાતને તેના ‘નરેશ’નો ચહેરો મળી જશે પણ જો આ દરમિયાન નરેશ પટેલને કોંગ્રેસ ખેંચી જશે તો સમજી લેજો ગુજરાતમાં ફરી એક વખત કાંટે કી ટક્કર થશે. BJP માટે કપરા ચઢાણ બની જશે અને આવું PM મોદી કે મોટાભાઈ થવા દેશે નહીં. હાલ ભલે જે સ્થિતિ ઊભી થઈ રહી હોય એ થાય, ચૂંટણી પહેલા ઘણી ઊથલપાથલ થવાની છે. આ એ જ ગુજરાત છે જેના રાજકીય ઇતિહાસમાં ‘ખજૂરાહો કાંડ’ પણ બન્યો હતો.

To Top