Columns

આમિર ખાનનો રીમેક બનાવવાનો પ્રયોગ સફળ થશે?

આમિર ખાન પાસે દર્શકોને એક રીમેકની અપેક્ષા હતી? એ સવાલનો જવાબ ‘ના’ માં જ આવશે કેમ કે આમિર ખાન એટલો પ્રતિભાશાળી છે કે અસલ વાર્તા પરથી સારી ફિલ્મ બનાવી શકે એમ હતો. આમિરે ‘લાલસિંહ ચડ્ઢા’નું ટ્રેલર લોન્ચ કરવા માટે 74 લાખ લોકો જે રોમાંચક ક્રિકેટનો મુકાબલો TV પર જોતા હતા, એ IPLની જગ્યા પસંદ કરીને ફિલ્મનો પ્રચાર શરૂ કરી દીધો છે. ટ્રેલર આવ્યા પછી હોલિવૂડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રીમેક હોવાના મુદ્દે ચર્ચા વધી છે.

અત્યારે દક્ષિણની ફિલ્મોની રીમેકનો એક દોર ચાલી રહ્યો છે ત્યારે આમિરે ‘ઠગ ઓફ હિંદુસ્તાન’ પછી 4 વર્ષે નવી ફિલ્મમાં કામ કર્યું છે અને પહેલી વખત હોલિવૂડની રીમેકનો પ્રયોગ કર્યો છે. મૂળ ફિલ્મ જેમણે જોઇ છે એમને ‘લાલસિંહ ચડ્ઢા’માં કેટલો રસ પડશે એ પ્રશ્ન છે અને એ લોકો બંને ફિલ્મોની સરખામણી કરી શકે છે. જેમણે ટ્રેલર જોયું છે એમને ઘણા દ્રશ્યોમાં સમાનતા દેખાઇ જ છે. જેમણે ‘ફોરેસ્ટ ગમ્પ’ જોઇ નથી એમને ટ્રેલર પરથી આખી વાર્તાનો અંદાજ આવી શકતો નથી. ટ્રેલરમાં વાર્તાને બહુ સારી રીતે રજૂ કરી છે. આમિર બીજા નિર્માતા – નિર્દેશકો જેવો નથી.

સ્થળ અને પાત્રો સાથે વાર્તામાં પણ ફેરફાર હશે. ફિલ્મમાં ભારતની કેટલીક ઐતિહાસિક ઘટનાઓને જોડીને એને ભારતીય બનાવવાનો પ્રયત્ન થયો છે. એ સાથે કોમેડી, ઇમોશન, પ્રેમકથા વગેરે બધી જ વસ્તુઓ જોઇ શકાય છે જે આજની બોલિવૂડની ફિલ્મોમાંથી ગાયબ થઇ રહી છે. ફિલ્મ વાસ્તવિક લાગી રહી છે. એમાં કટોકટી કાળ, 1983નો વિશ્વ ક્રિકેટ કપ, ઓપરેશન બ્લૂ સ્ટાર, રથયાત્રા વગેરે સાથે કેટલીક બાબતોનો રાજકારણ સાથે સંબંધ દેખાય છે. તેથી વિવાદ ઊભો થવાની શક્યતા નકારાતી નથી. ટ્રેલરમાં આમિર અનેક રૂપમાં જોવા મળ્યો છે.

એક રૂપમાં તે ‘PK’માં દેખાઇ ચૂક્યો છે અને ‘PK’ જ લાલસિંહ ચડ્ઢા હોવાનો ભ્રમ ઊભો થાય છે. પંજાબી સરદાર તરીકે આમિર વધારે જામે છે. તેણે પંજાબીના શુધ્ધ ઉચ્ચાર કર્યા હોવાથી બોલવાનું શીખવા પર વધારે મહેનત કરી લાગે છે. ફિલ્મનું આકર્ષણ કરીના કપૂર ખાનને પણ ગણી શકાય એમ છે. ફરીથી મા બન્યા પછી તેનું પુનરાગમન સારું થઇ શકે છે. આ ફિલ્મથી નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યનો બોલિવૂડમાં પ્રવેશ થઇ રહ્યો છે. આમિરની ફિલ્મમાં દરેક પાત્રને યોગ્ય મહત્ત્વ આપવામાં આવતું હોવાથી, તેની માતાની ભૂમિકામાં દેખાનાર મોના સિંહ સહિત બધા જ કલાકારોને લાભ થઇ શકે છે.

અનિલ – વરુણની જોડીની કોમેડી ધમાલ મચાવી શકે
નિર્દેશક રાજ મહેતાની ‘ગુડ ન્યૂઝ’ પછીની ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં આમ તો અનિલ કપૂરની નીતુ કપૂર સાથે અને વરુણ ધવનની કિયારા અડવાણી સાથે જોડી છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી અનિલ – વરુણની જોડી વધુ મનોરંજન કરાવતી દેખાય છે. વરુણ એક અભિનેતા તરીકે અનેક ફિલ્મોમાં પોતાને સાબિત કરી ચૂક્યો છે. છતાં છેલ્લા ચાર વર્ષમાં તે એક પણ હિટ ફિલ્મ આપી શક્યો નથી. 2020માં તેની ‘કલંક’, ‘હીરો નં.1’ અને ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ જેવી ફિલ્મો ફ્લોપ રહ્યા પછી એક સફળ ફિલ્મ માટે તરસી રહ્યો છે, ત્યારે અનિલ સાથે તેને લાભ થઇ શકે છે.

અનિલની છેલ્લી ફિલ્મ ‘થાર’ ને OTT પર રજૂ કરવી પડી હતી. હવે ‘જુગ જુગ જિયો’માં તે ધમાલ મચાવતી ભૂમિકામાં છે. તેની પત્નીની ભૂમિકામાં નીતુ કપૂર એક દાયકા પછી આવી રહી હોવા છતાં સહજ અભિનય કરતી દેખાય છે. તેને રણબીર કપૂરની મા તરીકે ઓળખવાની જરૂર નથી. જ્યારે કિયારાની છેલ્લી ફિલ્મ ‘ભુલ ભુલૈયા – 2’ સફળ રહી હોવાથી ‘જુગ જુગ જિયો’ને તેનાથી લાભ થશે. અક્ષયકુમારની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં નિર્દેશક રાજની ‘ગુડ ન્યૂઝ’ રહી છે અને ફેમિલી ડ્રામા ‘જુગ જુગ જિયો’નું કોમેડી – ઇમોશન સાથેનું ટ્રેલર પસંદ કરવામાં આવ્યું હોવાથી, એમની આ મલ્ટીસ્ટારર ફિલ્મની સફળતાની શક્યતા વધારે છે. ફિલ્મમાં દરેક ઉંમર અને વર્ગના દર્શકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. યુવાનોને આકર્ષવા વરુણ – કિયારા અને એમના માતાપિતાને થિયેટર સુધી લાવવા અનિલ – નીતુની જોડી છે પરંતુ એમાં વરુણ અને અનિલની કોમેડી વધુ દમદાર હોવાથી એમને જોવા માટે વધુ દર્શકો 24 જૂને થિયેટરોમાં જઇ શકે છે.

વરુણ – કિયારા તલાક લેવાનું નક્કી કરે છે ત્યારે તેના પિતા અનિલ પણ લગ્નેતર સંબંધમાં પત્ની નીતુથી તલાક લેવાનું વિચારી રહ્યા હોય છે.  એમાં ઇમોશનલ વળાંક આવે છે. એ દરમ્યાન કોમેડી પણ છે. ટ્રેલર રજૂ થયું ત્યારે એમાં ‘ધ પંજાબન’ ગીત પાકિસ્તાની ગીત ‘નાચ પંજાબન’ની નકલ હોવાનો વિવાદ થયો હતો.  પાકિસ્તાની ગાયક અબરારે ગીત ચોરી કર્યાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ T – SERIES અને ધર્મા પ્રોડક્શને તેના અધિકાર વર્ષો પહેલાં ખરીદેલા હોવાનો ખુલાસો કર્યા પછી વિવાદ શમી ગયો છે. ફિલ્મના ફોટા બહાર આવ્યા પછી એમ લાગતું હતું કે આ પણ કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’ જેવી થીમ પરની વધુ એક પારિવારિક ફિલ્મ હશે, પરંતુ ટ્રેલરમાં નવા જમાનાની વાર્તા લાગી રહી છે.

Most Popular

To Top