Columns

‘UPSC’માં Top-3માં કેવી રીતે સફળ થયાં?…

ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ[IAS]ના પરિણામ જ્યારે પણ આવે છે ત્યારે તેમાં સફળ થયેલા તારલાઓ ન્યૂઝજગતમાં છવાઈ જાય છે. આવું થવાનું કારણ દેશના વહીવટી માળખામાં જે સર્વોપરી સનદી અધિકારી છે તેમની પસંદગી ‘IAS’માંથી થાય છે. આ પરીક્ષાની અનેક વિશેષતા છે અને તેમાંય છેલ્લા પાંચેક વર્ષથી 10 લાખની આસપાસ વિદ્યાર્થીઓ તેમાં એપ્લાય કરે છે. જો કે, તેમાંથી પ્રિલિમ્સ પરીક્ષા આપવાની હિંમત 5 લાખની આસપાસ જ વિદ્યાર્થીઓ કરે છે. મેઇન્સ પેપર આવતા સુધીમાં આ સંખ્યા 10-15 હજારની રેન્જમાં આવી જાય છે અને અંતે ઇન્ટરવ્યૂ માટે માત્ર સરેરાશ 2 હજાર વિદ્યાર્થીઓને કોલ લેટર પહોંચે છે અને તે પછી દર વર્ષે રિક્રૂટ થવાનો રેશિયો 1 હજારની આસપાસનો છે.

અહીં આપેલા આંકડા પરથી કોઈ પણ કલ્પી શકે કે ‘IAS’ની પરીક્ષા કેટલી ટફ હોઈ શકે છે. આ એક્ઝામ ટફ હોય છે અને તેમાં દેશ-દુનિયાભરમાં પોસ્ટિંગ મળે છે. તેમાં સૌથી નીચલી પાયદાન પર પે લેવલ સવા લાખ, સૌથી ઉપરના સ્તરે અઢી લાખ સુધી પહોંચે છે. એ ઉપરાંત, સરકાર તરફથી આલીશાન ઘર, ગાડી અને અન્ય સુવિધાઓ અલગ. એ રીતે ‘IAS’ની જોબનું આકર્ષણ સૌને રહેવાનું પણ તેમાં ઉત્તીર્ણ થવું સરળ નથી. ખાસ કરીને જ્યારે તેમાં વિષયની યોગ્ય પસંદગી ન થાય, સાતત્ય ન જળવાય અને અભ્યાસ માટેની કારગર નીતિ ન ઘડાય ત્યાં સુધી તો તેમાં સફળતાના સપના પણ ન જોઈ શકાય. ‘IAS’માં સફળ થવાનો માર્ગ અતિ દુષ્કર છે તેમ જો વિચારીએ તો તેમાં એક ડગલું ન મંડાય પરંતુ ધીરજ, આશા રાખીને તેમાં તૈયારી કરીએ તો સફળતા હાથ લાગે છે. આ વખતે ઉત્તીર્ણ થનારા ઉમેદવારોએ પોતાના અનુભવ અનેક મુલાકાતોમાં શૅર કર્યા છે. તો જોઈએ તેમના અનુભવ તેમના શબ્દોમાં….

‘IAS’ની એક્ઝામ ‘યુનિયન પબ્લિક સર્વિસ કમિશન’[UPSC] દ્વારા લેવામાં આવે છે. આ વખતે ‘UPSC’ની એક્ઝામમાં 685 ઉમેદવાર સફળ થયા છે, તેમાંથી પુરુષ ઉમેદરવારોની સંખ્યા 508 છે અને મહિલાઓની 177 અને તેમાં પ્રથમ ત્રણ પાયદાન પર ત્રણેય યુવતીઓએ બાજી મારી છે. તેમાં પ્રથમ સ્થાને છે શ્રુતિ શર્મા. તેમના અનેક ઠેકાણે ઇન્ટરવ્યૂ લેવાયા છે અને તેમણે ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે સરસ રીતે પોતાનો અનુભવ મૂકી આપ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં શ્રુતિ તેમણે તૈયારી માટે જે રણનીતિ ઘડી હતી તે વિશે વાત કરે છે કે, “સૌથી અગત્યનું છે મટીરિયલ્સની પસંદગી કરવી કારણ કે આજકાલ મટીરિયલ્સના વિકલ્પ ખૂબ છે.

માર્કેટમાં અને ડિજિટલ બંને જગ્યાએ ખૂબ મટીરિયલ્સ ઉપલબ્ધ છે. એક તો હું બેસિક બુક્સ પર ઘણો આધાર રાખતી હતી. ‘NCERT’ના પુસ્તકો વાંચતી હતી અને બીજું જે મટીરિયલ્સ છે તે સિલેબસ મુજબ પસંદ કરતી હતી. એક ટોપિક માટે કોઈ એક જ સંદર્ભને વળગી રહેતી અને કરન્ટ અફેર્સની પોતાની નોટ બનાવતી. આ રીતે મારી પાસે મટીરિયલ્સ તૈયાર થતું, જેને હું રિવાઇઝ પણ કરી શકતી હતી.” એ પછી શ્રુતિએ કેટલા કલાક અભ્યાસ કરવો જોઈએ તે વિશે વાત કરી. તેમાં તે કહે છે : “એ શક્ય નથી કે તમે રોજ 18થી 20 કલાક વાંચો. ઘણી વાર એવું થાય કે તમારા પર ખૂબ પ્રેશર હોય ત્યારે વાંચવાના કલાકો વધી જાય. અંદાજે મિનિમમ રોજના 6 કલાક અભ્યાસ કરવો પડે છે, જો તમે ફોકસ થઈને અભ્યાસ કરતા હોવ તો.” એ રીતે ‘UPSC’ના ઇન્ટરવ્યૂને લઈને ઘણી વાતો ફરે છે.

જેમ કે તેમાં એવા પ્રશ્ન કરવામાં આવે છે કે, તમારા શર્ટના બટન કેટલાં છે? તમારી પાછળ દીવાલમાં કયો રંગ લગાવ્યો છે? જો કે, આ પૂરી વાતનું શ્રુતિ ખંડન કરતાં કહે છે કે, “એવું જરાય નથી હોતું. આ બધું વોટ્સએપ ફોરવર્ડ કે વાઇરલ વીડિયો દ્વારા પ્રચલિત થાય છે કે UPSCમાં આવા સવાલ પૂછવામાં આવ્યા હતા પરંતુ તેમાં કોઈ સત્ય નથી. ઇન્ટરવ્યૂમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે ખાસ્સા અલગ હોય છે. તેમાં વિવિધતા પણ હોય છે. તમારું બેકગ્રાઉન્ડ, શોખ અથવા જનરલ અવેરનેસના પ્રશ્નો પુછાય છે. મારા ઇન્ટરવ્યૂથી હું નિરાશ થઈ હતી કારણ કે મારા વખતે ફેક્ચુઅલ બેઝ્ડ પર પ્રશ્નો વધુ કરવામાં આવ્યા. મને એમ લાગ્યું કે ઓપિનિયન બેઝ્ડ પર સંવાદ થાત તો હું સારું પર્ફોમ કરત.” આ વર્ષે શ્રુતિ શર્માની જેમ ચમકતું બીજું નામ અંકિતા અગ્રવાલ છે.

અંકિતા ‘UPSC’ની આ વર્ષની એક્ઝામમાં બીજા ક્રમે રહી છે. તેઓ ‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’માં જોડાવાના છે અને તેમનું લક્ષ્ય મહિલા સશક્તિકરણ અને પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધાઓને બહેતર કરવાનું છે. તેઓ હાલમાં ‘ઇન્ડિયન રેવન્યુ સર્વિસ’ સાથે જોડાયેલાં છે, મતલબ કે તેઓ અગાઉ પણ ‘UPSC’ ક્લિયર કરી ચૂક્યા છે અને આ વર્ષે ફરી તેઓએ પોતાની પસંદગીની સર્વિસમાં જવા અર્થે પરીક્ષા આપી હતી. મૂળ કલકત્તાના અંકિતા કહે છે કે, “બીજા વર્ષના ગ્રેજ્યુએશનના વર્ષમાં જ મેં નક્કી કરી લીધું હતું કે હું ‘UPSC’ની પરીક્ષા આપીશ. જો કે તેમ છતાં મને તે વિશે વિશ્વાસ નહોતો તેથી મેં એક વર્ષ પ્રાઇવેટમાં જોબ કરી.”

તેમણે જે રીતે તૈયારી કરી તે વિશે અંકિતા કહે છે કે, “મેં દિવસમાં 8 થી 12 કલાક અભ્યાસ કર્યો છે અને સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ પૂરતું ધ્યાન આપ્યું. મેં તદ્ઉપરાંત કમ્પ્યુટર પર નોટ બનાવી, જેથી તેને વાંચવામાં સરળતા રહે. અનેક સંદર્ભોને આધાર બનાવી તેને પોતાની ભાષામાં અનુવાદિત કર્યા જેથી રિવિઝન કરવામાં સરળતા રહે.” અંકિતાએ ‘UPSC’ની પરીક્ષા માટે પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સને વિષય તરીકે રાખ્યો હતો. આ સિવાય અંકિતા એ સલાહ ખાસ આપે છે કે નિષ્ફળતાથી નિરાશ ન થવું અને ફરી તૈયારી કરવી. સૌથી અગત્યનું કે સોશ્યલ મીડિયાથી દૂર રહેવું.
શ્રુતિ, અંકિતા પછી ત્રીજા ક્રમે આવનારનું નામ ગામિની સિંગલા છે. ગામિની કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરીંગમાં સ્નાતક થઈ છે. ગામિનીનું માનવું છે કે સ્વાધ્યાયની ભૂમિકા આ પરીક્ષામાં ખૂબ મોટી છે. તે સિવાય ફોકસ્ડ અભ્યાસ, સમર્પણ અને મહેનત તેના જરૂરી પાસાં છે. ગામિનીનો આ બીજો પ્રયાસ હતો અને તે ઇન્ટરવ્યૂ માટે યુવાનોને એમ કહે છે કે પોતાની જાત પર વિશ્વાસ રાખો.

જે ઉમેદવારો ‘UPSC’ની એક્ઝામ આપે છે તેમના માટે આ ટોપ-થ્રીના સૂચનો હંમેશાં ધ્યાને લેવા જોઈએ. આ સાથે ‘UPSC’ની એક્ઝામમાં જામિયા માલિયા ઇસ્લામિયાનું ‘RCA’કેન્દ્ર પણ ખૂબ ચર્ચામાં આવ્યું છે. આ વખતે અહીંયાથી 23 વિદ્યાર્થીઓએ પરીક્ષા ક્લિયર કરી છે. અહીં દર વર્ષે વિનામૂલ્યે 100 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને 2011માં આ સેન્ટરની સ્થાપના પછી અત્યાર સુધી ‘RCA’ના 245 વિદ્યાર્થીઓ ‘UPSC’ની એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા છે અને આ સેન્ટરના પ્રોફેસરોમાંના એક છે આબિદ હલીમ. આબિદના કહેવા મુજબ આ સેન્ટરમાં 100 વિદ્યાર્થીઓમાં સિલેક્ટ થવા અર્થે પણ પરીક્ષા આપવાની થાય છે.

દેશભરમાંથી ‘RCA’માં એડમિશન મેળવવા માટે 10 હજારથી પણ વધુ ઉમેદવાર પરીક્ષા આપે છે. અહીં એડમિશન માટે લેવાતી પરીક્ષા ઓલમોસ્ટ ‘UPSC’ની એક્ઝામ જેવી જ હોય છે. એક વાર વિદ્યાર્થી અહીં એડમિશન લઈ લે પછી સિવિલ સર્વિસ એક્ઝામમાં ક્લિયર કરવાના તેના ચાન્સિસ વધી જાય છે કારણ કે એક્ઝામ માટે સૌથી અગત્યનું પરિબળ યોગ્ય માહોલ છે અને તે અહીંયા ખૂબ સારી રીતે આપવામાં આવે છે. 24 કલાક લાઇબ્રેરી છે. બીજું કે દિલ્હીમાં આ સેન્ટર હોવાથી તેનો પણ લાભ પૂરતો મળે છે. હવે અહીંથી જ અભ્યાસ કરીને જનારા અનેક વિદ્યાર્થીઓ દેશની અલગ-અલગ જગ્યાએ સિવિલ સર્વિસમાં છે તેથી તેમના અનુભવનો લાભ પણ વિદ્યાર્થીઓને મળે છે. ગુજરાતમાંથી આ વખતે 6 ઉમેદવાર UPSCમાં ક્લિયર થયા છે. જો કે હજુ પણ તેમાં અવકાશ ખૂબ છે અને તે માટે સરકારે ‘RCA’ જેવું કેન્દ્ર અહીંયા પણ નિર્માણ કરવું જોઈએ.

Most Popular

To Top