Gujarat

અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ દિવસે આવશે મેઘરાજા

અમરેલી: રાજયમાં ભારે ગરમી(Heat) અને બફારા વચ્ચે અમરેલી(Amreli)માં મેઘરાજા(Rain)ની પધરામણી થઇ છે. અસહ્ય ગરમી બાદ સાવરકુંડલા(Savarkundla) તાલુકાનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાલી, ભામોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અચાનક આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેથી લોકોને ગરમીમાં ભારે રાહત મળી છે.

વરસાદની સાથે કરા પણ વરસ્યા
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. ક્યાંક તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી હતી. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. જો કે બીજી તરફ પવન અને વરસાદના કારણે ખેડૂતોના કેરીના પાકને નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

તાપમાનમાં 3થી 4 ડીગ્રીનો ઘટાડો થશે
રાજ્યમાં એક-બે દિવસમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગે 8થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીથી દમણમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહિ, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

દેશમાં 103 ટકા વરસાદની આગાહી
આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top