જે નાગરિકોને ‘સત્તા નિર્ભર’ રાખવા માંગે છે એ સરકાર આત્મનિર્ભરતાની વાત કઇ રીતે કરે છે? લોકો સમજી ગયા છે કે આ એક આત્મમુગ્ધ સરકાર છે જે બુનિયાદી સમસ્યાના વાસ્તવિક ઉત્તર આપી શકે તેમ નથી. જે સરકાર શિક્ષણ ન્યાય જેવા તંત્રને આત્મનિર્ભર રહેવા દેવા નથી માંગતી ને તેમની કાંખમાં સરકારી ઘોડી નાંખવા માંગે છે તે કઇ રીતે આ વાત કરી શકે? આર્થિક સ્વાયત્તતા કેળવ્યા વિના આત્મનિર્ભરતા શકય નથી. સરકાર જો આ દેશનાં અર્થશાસ્ત્રીઓ અને બૌદ્ધિકો પાસે વિત્યા 7-8 વર્ષના શાષનનું સ્વસ્થ, આંકડાબદ્ધ મૂલ્યાંકન કરવા દે તો ખબર પડે કે આપણે શું હાંસલ કર્યું છે અને જે હાંસલ કર્યું કહેવાય છે તે કેટલું વાસ્તવિક છે.
કોઇ માણસની આંખ પર વર્ષો સુધી પાટા બાંધી રાખીને એક જગ્યાએ બેસાડી રાખીને કહું કે તારી આસપાસ મેં બંગલો બનાવી દીધો તો પેલો માને કઇ રીતે? લોકો તાર્કિક બની શકે એ રીતે સરકારે સવિગત વાત કરવી જોઈએ. વાસ્તવિકતાનો સામનો કલ્પના અને તરંગોથી ન થઇ શકે. હમણાં મુકેશ અંબાણીની સંપત્તિ અમુક અખબારોનું મથાળુ બની. દેશમાં થોડા થોડા સમયના વિરામે ઉદ્યોગપતિઓ કેટલા સંપત્તિવાન થયા તેની વિગતો આપવામાં આવે છે. સામાન્ય નાગરિક કેટલો આર્થિક સંપન્ન થયો તેની વિગતો આપી શકાતી નથી. ઉદ્યોગપતિઓ વધારે ધનસંપન્ન થાય તેનું ગૌરવ લઇને સામાન્ય માણસ શું કરે? સરકાર આ માણસને આર્થિક ગુલામીમાંથી મુકત કરે અને આર્થિક રીતે આત્મનિર્ભર કરે એ ઉત્તમ કહેવાય.
અર્થવ્યવસ્થા એવી હોવી જોઇએ જેમાં સામાન્ય માણસ પણ વિશેષાધિકારનો અનુભવ કરે. હકીકતે સરકારે લોકોને બજારીકરણના મોહથી મુકત કરવા જોઈએ. અત્યારનો બજારવાદ લોકોને આર્થિક રીતે બરબાદ કરે તેવો છે. સામાન્ય માણસને તે ફકત ‘ગ્રાહક’ તરીકે જ જુએ છે. બજારનો પ્રભાવ વધતો જાય તે સરકારી વિકાસ નથી. બજારમાં અઢળક ચીજો દેખાય તે સમૃદ્ધિ નથી. આપણે કારણ વિના પશ્ચિમી દેશોનાં અનુકરણમાં પડી ગયા છીએ. એ દેશ જ આત્મનિર્ભર કહેવાય જેનો સામાન્ય નાગરિક આત્મનિર્ભર બન્યો હોય. ઉદ્યોગપતિની સંપત્તિ વધતી જાય તેનાથી સામાન્ય નાગરિક સંપન્ન નથી થતો. હવે ઉદ્યોગપતિઓ વડે લોકોનું શોષણ થાય એવો રસ્તો સરકારે અપનાવ્યો છે. હકીકતે સત્તા અને સાધનોની સમાન અને ન્યાયી વહેંચણી જ ઉત્તમ શાસનની નિશાની છે.
આજે શહેરી યા ગ્રામ્ય સમાજ તો ઠીક દેશના આદિવાસી સમાજની દશાય બૂરી છે. ભારતમાં લગભગ 8-10 કરોડ આદિવાસી છે. તેઓ જે જંગલોમાં રહે છે, જે પ્રકૃતિ વચ્ચે રહે છે અને આદિવાસીઓ કે જંગલની સંપત્તિ પર જ જીવતા હોય છે તેમના માટે સંકટ ઊભું થયું છે. દેશમાં નકસલવાદી તત્વો આ કારણે જ ઊભા થયા છે. પશ્ચિમ બંગાળમાં નકસલવાદને ખતમ કરવા સરકાર ઝનૂની હતી ત્યારે મહાશ્વેતા દેવી જેવા લેખિકાએ આદિવાસી સમાજના જીવનનું સત્ય આલેખ્યું હતું. ‘હજાર ચુરાશીર મા, ‘અરણ્યેર અધિકાર’ જેવી તેમની નવલકથાઓ વાંચો તો સત્ય ખબર પડે. વિકાસના નામે તમે બીજાના અધિકારો પર કબજો ન જમાવી શકો. મોટા શહેરોની કંપનીઓ ત્યાં એવી લાલચ આપીને ઘૂસે છે કે આદિવાસીના લાભો માટે અમે આવ્યા છે. રોજગાર ગેરંટી કાયદો તો બન્યો છે પણ તેનાથી કેટલાને ગેરંટી મળે છે?
હકીકતે અત્યારના લોકડાઉને લોકો સાથે શું કર્યુ છે તેની તપાસ જરૂરી છે. આજે થતા આપઘાતો પાછળ લોકોની બગડેલી આર્થિક સ્થિતિ છે તે જોયા વિના ચાલે એમ નથી. પોલીસના પોસ્ટમોર્ટમમાં તેના મરવાના સંજોગોનું પોસ્ટમોર્ટમ નથી થવાનું. સરકાર અત્યારે ખાનગીકરણ તરફ અત્યંત વેગથી આગળ વધી રહી છે. એટલે સરકાર આજ સુધી ‘સેવા’ શબ્દ વાપરતી હતી. તે હવે વાપરવા જેવો રહ્યો નથી. આપણે અત્યારે આર્થિક અને સામાજીક કટોકટીમાંથી પસાર થઇ રહ્યાં છીએ. જો આપણે સામાન્ય નાગરીકને આર્થિક સંપન્ન ન બનાવી શકીશું તો એક પ્રકારનો અનૈતિક સમાજ ઊભો થશે. તમે એવા સામાચાર વારંવાર વાંચ્યા હશે કે કોઇ ધંધો ન રહેવાને કારણે લોકો દારૂના ધંધા તરફ વળ્યા. સરકારે એવા લોકોને પકડી જેલમાં પૂરે તેનાથી સમસ્યા ઉકેલાઇ જતી નથી. સ્વમાનપૂર્ણ રીતે જીવવા માટે માણસને કામ આપો. આર્થિક રીતે માણસ સ્વાયત બનશે તો જ સન્માનપૂર્વક જિંદગી શક્ય છે.
– બ.ટે.