Madhya Gujarat

આમરોલ ગામે દુકાનનું શટર ઉંચુ કરી તસ્કરો રૂા. 2.48 લાખ ચોરી ગયાં

આણંદ :  આંકલાવ તાલુકાના આમરોલ ગામે આવેલી અનાજ – કરિયાણાની દુકાનને શટર તોડ ગેંગે નિશાન બનાવી હતી અને મોડી રાત્રે શટર ઉંચુ કરી તેમાં પ્રવેશ કરી રૂ.2.48 લાખ રોકડની ચોરી કરી હતી. આ અંગે વ્હેલી સવારે દુકાન માલિકને જાણ થતાં તેઓ ચોંકી ગયાં હતાં અને પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આંકલાવના આમરોલ ગામે રહેતા પોપટભાઈ મણીભાઈ શાહના મકાન નીચે જ અનાજ – કરિયાણાની દુકાન આવેલી છે. જે દુકાન તે અને તેમનો મોટો પુત્ર નયનભાઈ ચલાવે છે. જ્યારે નાનો પુત્ર નિરવ વડોદરામાં વેપાર કરે છે.

પોપટલાલ 6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ દુકાન રાત્રિના નવ વાગ્યા સુધી ચાલુ રાખી હતી. બાદમાં શટર અંદર અને બહાર બંધ કરી ઉપર તેમના ઘરે જઇ સુઇ ગયાં હતાં. દરમિયાનમાં વ્હેલી સવારે છ વાગે જાગીને જોતા તેમની દુકાનનું શટર દોઢેક ફુટ ઉંચુ હતું અને અંદર બધુ વેરવિખેર હતું. આથી, ચોંકી ગયેલા પોપટલાલે દુકાનમાં તપાસ કરતાં તેમાં રોકડ રૂ.2.48 લાખ ગાયબ હતાં. આ અંગે પોપટલાલે આંકલાવ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોઇ અજાણ્યા શખસો મોડી રાત્રે દુકાનનું શટર ઉંચુ કરી તેમાં પ્રવેશ કરીને 5 દિવસનો વકરો રૂ.70 હજાર, ઉઘરાણીના રૂ.1.70 લાખ અને રિચાર્જના આઠ હજાર મળી કુલ રૂ.2.48 લાખ નાની તિજોરીમાં મુક્યાં હતાં. જે તસ્કરો ચોરી કરી ગયાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી ડોગ સ્કવોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરનું પગેરૂ દબાવ્યું હતું. જોકે, હાલ કોઇ સગડ મળ્યાં નથી.

Most Popular

To Top