Charchapatra

એક સંદેહ, સુરતની ભૂગર્ભ મેટ્રો ટ્રેનો માટે?!

મેટ્રો રેલવે બે પ્રકારની જાણી છે. એક તો એ છે કે, જમીનની અંદર બોગદાં (ટનલો) ખોદીને, એમાં ગાડીઓ દોડાવવામાં આવે છે તે. જેને ભૂગર્ભ રેલવે કહે છે. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં તથા ભારતના દિલ્હી જેવાં શહેરોમાં આવી ભૂગર્ભ મેટ્રો ટ્રેનો દોડે છે. જયારે જમીન ઉપર પણ પિલ્લરો બનાવીને, એની ઉપર રેલવેના પાટા નાંખીને રેલવે દોડાવવામાં આવે છે. દુબાઇ, મુંબઇ (ઘાટકોપરથી વરસોવા) તથા જયપુર જેવાં શહેરોમાં જમીનથી અધ્ધર, ઉપર તરફ મેટ્રો રેલ્વે ટ્રેનો દોડે છે. હવે સુરત શહેરમાં પણ ભૂગર્ભ (મેટ્રો) ટ્રેનો દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

જમીનની અંદર ઊંડાણમાં બોગદાં (ટનલો) બનાવીને એમાં ટ્રેનો દોડાવવામાં આવશે. સુરત  શહેર, બધી દિશાઓમાં ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ઘણા કીલોમીટર સુધી એ વિસ્તરી રહ્યું છે. એટલે પરિવહનના એક ભાગરૂપે, ટ્રેનોની જરૂરિયાત પડશે જ. પરંતુ આ તદ્દન સાંકડા શહેરમાં, જમીન ઉપર પાટા નાંખીને કે અધ્ધર પિલ્લર બનાવીને, એની ઉપર રેલના પાટા નાંખીને ટ્રેનો દોડાવવાનું શકય નથી. માટે રેલવે ટ્રેનો દોડાવવાની વાત આવી છે એટલે ટ્રેનો, ભૂગર્ભમાં જ ટનલો બનાવીને દોડાવવી પડશે. આ માટે  શહેરના ચોકકસ વિસ્તારોમાં જમીનની અંદર ઊંડે બોગદાં (ટનલો‌ ખોદવામાં આવશે. પછી એમાં પાટા નાંખીને ટ્રેનો દોડાવવામાં આવશે.

આ કામ, ખૂબ અઘરું, ખર્ચાળ અને જોખમી છે તેમજ અદ્‌ભુત તકનકી કૌશલ માગી લે એવું અભ્યાસપૂર્ણ કામ છે. આ સ્થિતિએ અમને એક સંદેહ થાય છે. સુરત તાપી તટે વસેલું શહેર છે. તાપીમાં અવારનવાર પૂર આવતાં રહ્યાં છે. ૧૯૭૨ માં ઉકાઇ ડેમ બનાવેલો છે. છતાં તાપીમાં ૧૯૯૪ અને ૧૯૯૮ માં રેલો આવી હતી. તો ૨૦૦૬ માં તો તાપીમાં ભયાનક પૂર આવ્યું હતું. શહેરનો મોટા ભાગનો વિસ્તાર, માથાબોળ પાણીમાં હતો. હવે કદાચ ભવિષ્યે ૨૦૦૬ જેવી રેલ જો, અતિવૃષ્ટિને કારણે, તાપી ઉભરાવાથી આવે તો, પેલી મેટ્રો ટ્રેનની ભૂગર્ભ ટનલોમાં પૂરનાં પાણી ભરાયા વગર રહે ખરાં કે?! અને એમ થાય તો, બોગદામાં દોડતી ટ્રેનો અને બોગદાંઓની શું દશા થાય?! ભયંકર નુકસાન સિવાય બીજું શું હાથ લાગે, એ સ્થિતિએ?! અમે ઇચ્છીએ છીએ કે, હવે પછી તાપીમાં કયારેય પૂર ના આવે. પણ આવે તો શું કરીશું આપણે?!
સુરત     -બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top