Top News

More Posts

   The Latest

Most Popular

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જર્મન એમ્બેસેડર વોલ્ટર-લિંડનેર અને મુંબઇમાં જર્મનીના કોન્સ્યુલ જનરલ જુર્ગેન મોરહર્દે વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી.જર્મન એમ્બેસેડરએ ગુજરાત સાથેના સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વિકસાવવાની ઉત્સુકતા દર્શાવતાં કહ્યું કે, ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રશાસનિક વ્યવસ્થાઓ અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટને પરિણામે ૧૦ ઉપરાંત જર્મન કંપનીઓ અહીં કાર્યરત છે.

મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, પૂના, હૈદ્રાબાદ, બેંગલુરૂ જેવા સ્થળોને બદલે અમદાવાદ-ગુજરાતમાં બિઝનેસ-કારોબાર વિકસાવવાની જર્મન કંપનીઓ-ઉદ્યોગોના રવૈયામાં રાજ્યની એફિસિયન્ટ ગવર્નન્સ મૂળભૂત કારણરૂપ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરસ્પરના સહયોગથી બિઝનેસ રિલેશન્સ આગળ વધારવાની નેમ વ્યકત કરતાં આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમિયાન કહ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાતમાં કાર્યરત જર્મન ઉદ્યોગ ગૃહોને સહકાર, મદદ પૂરી પાડશે. એટલું જ નહીં, પીએમ નરેન્દ્ર મોદીએ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રથી જે સર્વ સમાવેશક વિકાસની દિશા વિશ્વને બતાવી છે તેમાં પણ ગુજરાત-જર્મની સાથે મળી સિમાચિન્હ રૂપ કામગીરી કરી શકે તેમ છે.

પટેલે જર્મન એમ્બેસેડરને સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું હતું . તેમણે જણાવ્યું હતું કે, કેવડિયા જેવા આદિજાતિ વિસ્તારમાં પણ પ્રધાનમંત્રીના આગવા વિઝનથી વિશ્વ પ્રવાસન સ્થળનું નિર્માણ થઇ શકે તેની પ્રત્યક્ષ અનૂભુતિ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાતથી તેમને થશે.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં યુવાઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ જર્મન ઉદ્યોગ કંપનીઓ, તાલીમ સંસ્થાઓની સહભાગીતાની સંભાવનાઓ પર ફોકસ કરવા પણ પરામર્શ કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-ર૦રરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં જર્મનીને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનું નિમંત્રણ પણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ જર્મન એમ્બેસેડરને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટરૂપે આપી હતી.

To Top