Editorial

આ વખતના નોબેલ પીસ પ્રાઇઝ પર યુક્રેન યુદ્ધનો ઓછાયો છે

નોબેલ ઇનામોના સંદર્ભમાં જેની ઘણી રાહ જોવાતી હોય છે તે નોબેલ પીસ પ્રાઇઝ અથવા શાંતિ માટેનું નોબેલ ઇનામ આ વખતે ત્રણને ફાળે ગયું છે જેમાં એક વ્યક્તિ છે અને બે સંસ્થાઓ કે સંગઠનો છે. આ વર્ષનું નોબેલ પીસ પ્રાઇઝ  બેલારૂસના જેલવાસ ભોગવતા ચળવળકાર એલેસ બિઆલિઆત્સ્કી, રશિયન જૂથ – મેમોરિયલ અને યુક્રેનિયન સંગઠન – સેન્ટર ફોર સિવિલ લિબર્ટિઝને સંયુક્ત રીતે જાહેર કરવામાં આવ્યું છે. જેમને આ ઇનામ સંયુક્ત રીતે જાહેર કરવામાં  આવ્યું છે તે વ્યક્તિ અને સંગઠનો એવા દેશો સાથે સંકળાયેલા છે કે જે દેશો હાલના યુક્રેન યુદ્ધ સાથે સંકળાયેલા છે. રશિયા અને યુક્રેન વચ્ચે તો યુદ્ધ ચાલી જ રહ્યું છે અને બેલારૂસે યુક્રેન પર આક્રમણમાં રશિયાને ખુલ્લો ટેકો આપ્યો છે.  વિશ્લેષકો કહે છે કે યુક્રેન પર આક્મણ કરનાર રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટીનને આ વખતના નોબેલ ઇનામો એક ઠપકા સમાન છે. યોગાનુયોગે જે દિવસે આ ઇનામ જાહેર કરાયા તે શુક્રવારના દિવસે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટીનનો  ૭૦મો જન્મદિન પણ હતો.

નોર્વેજિયન નોબેલ કમિટિના અધ્યક્ષ બેરિટ રેઇસ એન્ડરસને જણાવ્યું હતું કે સમિતિ માનવ અધિકારો, લોકશાહી અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનાના આ ત્રણ ઉત્કૃષ્ટ ચેમ્પિયનોને સન્માનવા માગે છે જેઓ પાડોશી દેશો બેલારૂસ, રશિયા અને  યુક્રેનના છે. માનવ મૂલ્યોની તરફેણમાં અને લશ્કરીકરણની વિરુદ્ધમાં તેમના સતત પ્રયાસો વડે તેમણે આલ્ફ્રેડ નોબેલના શાંતિ અને રાષ્ટ્રો વચ્ચે સંવાદિતાના દષ્ટિબિંદુને સજીવન કર્યું છે અને સન્માન આપ્યું છે, જે દષ્ટિબિંદુની આજે ખૂબ જરૂર  છે એમ તેમણે ઓસ્લોમાં પત્રકારોને જણાવ્યું હતું.

બિઆલિઆત્સ્કી એ બેલારૂસમાં ૧૯૮૦ના મધ્યભાગમાં લોકશાહી ચળવળના નેતાઓમાંના એક છે અને આ આપખુદશાહી દેશમાં માનવ અધિકારો અને નાગરિક મુક્તિની ચળવળ ચલાવતા રહ્યા  છે. તેમને સરકાર દ્વારા જેલમાં પૂરવામાં અવ્યા છે. મેમોરિયલ નામના રશિયન સંગઠનને પણ આ ઇનામ જાહેર કરાયું છે જે ૧૯૮૭માં સોવિયેટ યુનિયન વખતે સ્થપાયું હતું અને તે એ સુનિશ્ચિત કરવા રચાયું હતું કે સામ્યવાદી શાસનના  દમનના ભોગ બનેલાઓને યાદ કરવામાં આવે. તેને રશિયામાં માનવ અધિકારોના ભંગ અંગેની માહિતી ભેગી કરવાનું ચાલુ રાખ્યું છે. નોબેલ સમિતિ ઇરાદાપૂર્વક રશિયન પ્રમુખને સંદેશો મોકલી રહી છે એવું પૂછવામાં આવતા એન્ડરસને કહ્યું  હતું કે અમે રશિયન પ્રમુખને ધ્યાનમાં રાખીને આ ઇનામ આપ્યું નથી પરંતુ તે તેમની સરકાર અને બેલારૂસની આપખુદ સરકારને ટકોર જરૂર છે જે માનવ અધિકારોનું દમન કરે છે એમ તેમણે કહ્યું હતું.

પુટિન આ શુક્રવારે ૭૦ વર્ષના થયા છે.  યુક્રેનના સેન્ટર ફોર સિવિલ લિબર્ટિઝને પણ આ ઇનામ જાહેર કરાયું છે જેની રચના ૨૦૦૭માં થઇ હતી જે યુક્રેનમાં માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને લોકશાહીને વેગ આપવા રચાયું હતું. તેણે યુક્રેનિયન નાગરિક સમાજને મજબૂત  કરવા અભિગમ લીધો છે. શાંતિ માટેના આ ઇનામની ત્રણેય વિજેતાઓ માટે સંયુક્તપણે જાહેરાત કરતા નોબેલ ઇનામ સમિતિએ કહ્યું હતું કે વિજેતાઓ તેમના પોતાના દેશોના નાગરિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઘણા વર્ષો સુધી  સત્તાની ટીકા કરવાના અધિકારને અને નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે યુદ્ધગુનાઓ, માનવ અધિકારોના ભંગ અને સત્તાના દુરૂપયોગ અંગેના દસ્તાવેજો તૈયાર કરવાના ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા છે. ભેગા  મળીને તેમણે નાગરિક સમાજ માટે શાંતિ અને લોકશાહીના મહત્વને પ્રદર્શિત કર્યું છે.

આ ઇનામો આ વ્યક્તિ/સંગઠનોને તેમના કાર્યના આધારે અપાયા છે અને પુટિનને ધ્યાનમાં રાખીને અપાયા નથી એમ નોબેલ ઇનામ સમિતિ ભલે કહેતી હોય પણ યુક્રેન યુદ્ધ વખતે જ રશિયા, યુક્રેન અને બેલારૂસને ઇનામ માટે પસંદ કરાયા છે તે નોંધપાત્ર છે. બેલારૂસે યુક્રેન પર આક્રમણમાં રશિયન પ્રમુખને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. બેલારૂસમાં સરમુખત્યારશાહી શાસન છે અને તેણે વળી રશિ્યાને ટેકો આપ્યો આથી સ્વાભાવિક રીતે જ બેલારૂસની સરકાર નિશાન બને તે રીતે આ ઇનામ તેના લોકશાહી ચળવળકારને અપાયું છે. આ ઇનામ વિજેતાને બેલારૂસની સરકારે ક્યારના જેલમાં ધકેલી દીધા છે.

યુક્રેનના સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને જાહેર કરાયેલ ઇનામ આ સંદર્ભમાં થોડું જુદુ જણાય. અ સંગઠન આમ તો યુક્રેનમાં માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા ૨૦૦૭માં રચાયું હતું, તેણે યુક્રેનના શાસકોની વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવો પડ્યો હોય પરંતુ યુક્રેનના નાગરિક સમાજને મજબૂત કરવાના તેના પ્રયાસોની નોબેલ સમિતિએ નોંધ વધુ લીધી છે એમ લાગે છે. રશિયાના મેમોરિયલ સંગઠનને તો દેખીતી રીતે જ રશિયામાં માનવ અધિકારોના ભંગ સામે પડવા બદલ પસંદ કરાયું છે. નોબેલ સમિતિ ભલે ખુલ્લેઆમ કબૂલતી ન હોય પરંતુ આ બેલારૂસના ચળવળકાર અને રશિયાના સંગઠન માટે નોબેલ શાંતિ ઇનામ તો પુટિન અને તેમની મંડળીને ધ્યાનમાં રાખીને જ પસંદ કરાયું છે તે સ્પષ્ટ જણાય છે.

Most Popular

To Top