Charchapatra

સુરતને સેકંડ કલીનેસ્ટ સિટીએવોર્ડ: સફાઇ કર્મીઓને અભિનંદન

તાજેતરમાં સ્વચ્છતા માટેની સમગ્ર દેશની હરીફાઇમાં સુરતને પુન: બીજો નંબર પ્રાપ્ત થયો તે માટે ગૌરવ થાય એ સ્વાભાવિક છે. પણ મૂળભૂત રીતે સુરત શહેરની સ્વચ્છતા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનું શિયાળો, ઉનાળો, ચોમાસું હોય, વહેલી સવારે કે અનુકૂળ સમયે સૂકો / ભીનો કચરો લેવા આવતાં આ સફાઇકર્મીઓ વિશેષ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટે (સુરતે) સુરત શહેરના તમામ ઝોનનો કચરો ઉપાડવાનું કામ કરતાં સફાઇકર્મીઓનું ભવ્ય સન્માન કરી, મનભાવન ભોજન કરાવી, ભેટ સોગાદ,આપી કૃતજ્ઞ ભાવ વ્યકત કરવાનું કાર્ય કર્યું હતું.

સુરત મહાનગરપાલિકાના નવનિયુકત કમિશ્નર મેડમ, પ્રથમ નાગરિક, કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારી સાહેબો સ્વચ્છતા અંગે હજુ વધુ જનજાગૃતિના ગંભીર પ્રયત્નો આજથી જ આરંભે તો સુરત પ્રથમ નંબર મેળવવા સદ્‌નસીબ થશે જ. ૨૦૨૩ માં સ્વચ્છતા અંગેનું મોડલ સુરત શહેર પૂરું પાડશે જ એવી પૂર્ણ શ્રદ્ધા છે. શહેરના ધાર્મિક સંસ્થાના આધિષ્ઠાતાઓ, અગ્રણી એન.જી.ઓ. – સામાજિક, રચનાત્મક સેવા સંસ્થાઓ પણ સ્વચ્છતાના આ ભગીરથ કાર્યમાં પોતાનાથી બનતી મદદ કરી શકે.

આપણે પણ સફાઇકર્મી મિત્રો સાથે સ્મિતભર્યો વ્યવહાર કરીએ. આપણે નાગરિકો પરદેશ જઇએ તો ત્યાંના નિયમો પાળીએ છીએ. અહીં તો આપણે જાહેરમાં થૂંકીએ છીએ. રસ્તા પર કચરો નાંખીએ છીએ એ આપણે બિનજવાબદાર નાગરિકનું બિરુદ મેળવીએ છીએ. સ્વચ્છતા બાબતે સુરત મહાનગરપાલિકા – સરકાર સાથે  સહકાર આપી આયોજનબધ્ધ મહેનત કરી આવતા વર્ષે પ્રથમ નંબર મેળવવા ભાગ્યશાળી થઇએ.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)
કચરાના અયોગ્ય વ્યવસ્થાપનથી રાજયના પર્યાવરણને થયેલ નુકસાન બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) પશ્ચિમ બંગાળની સરકારને વિક્રમ એવો ૩૫૦૦ કરોડ રૂપિયાનો તથા મહારાષ્ટ્ર સરકારને ૧૨૦૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની ઘટના રાજયોના પર્યાવરણના હિતમાં હોઇ આવકાર્ય છે અને તેથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું આ પગલું અભિનંદનને પાત્ર છે. એન.જી.ટી.એ આ દંડ ફટકારતી વખતે બંગાળ સરકારને જણાવેલ હતું કે, ‘સરકાર, ભંડોળના અભાવે સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી લાંબા સમય સુધી ટાળી શકે નહીં’ અને મહારાષ્ટ્ર સરકારને જણાવેલ હતું કે ‘પ્રજાને પ્રદૂષણમુકત વાતાવરણ આપવું તે રાજય સરકાર અને સ્થાનિક એકમોની બંધારણીય જવાબદારી છે.’

નેશનલ ગ્રીન ટ્રિબ્ચુનલના પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સરકારને ફટકારેલ ભારે દંડને કારણે ગુજરાત સરકાર પણ દંડ થવાની ભીતિને કારણે જાગૃત બની ગઇ અને રાજયના શહેરી વિકાસ વિભાગને મ્યુનિસિપલ વેસ્ટના યોગ્ય નિકાલ અંગે જરૂરી સૂચનાઓ આપવી પડેલ છે. વિશ્વનાં ૧૦૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં આપણા દેશનાં ૬૩ શહેરોનો (૬૩ ટકા) સમાવેશ થાય છે. જેમાં રાજસ્થાનનું ભિવાની દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર અને નવી દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની જાહેર થયેલ છે.

આવા સમયે લેવાયેલ એન.જી.ટી.નો આ આકરા દંડનો (જે કદાચ કોઇ રાજયને કરેલ દંડની કદાચ પ્રથમ ઘટના હશે) નિર્ણય વધતા જતા પ્રદૂષણ અટકાવવા જરૂરી બનેલ છે.  આવા નિર્ણયો દેશનાં અન્ય બેજવાબદાર રાજયો પર એનજીટીએ લેવાની જરૂર છે. દેશમાં પડી રહેલા ઇ.ડી. ના અને સીબીઆઇના દરોડાઓ દેશમાં વધી રહેલા બેનંબરી ધંધાઓ અને ભ્રષ્ટાચારો અટકાવવા લેવાઇ રહ્યા છે. તેવી જ રીતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રાજયો સામેની  આ દંડનીય કાર્યવાહી રાજયોના  પર્યાવરણના હિતમાં લેવાયેલ છે જે આવકાર્ય જ ગણી શકાય.
અમદાવાદ           – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top