SURAT

વાંસદાના ધારાસભ્ય પર હુમલાના વિરોધમાં સુરતમાં ધરણાં પર બેઠેલાં કોંગ્રેસીઓ સાથે પોલીસે કર્યું આવું વર્તન

સુરત: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કોંગ્રેસે આ મુદ્દાને ઉપાડ્યો છે. આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ધારાસભ્યો ઉપર જીવેલણ હુમલા થતા હોય તો કાયદા વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થાય તે સ્વાભાવિક છે. સત્તા પક્ષને સદ્દબુદ્ધિ આવે તે માટે સુરત શહેર કોંગ્રેસ દ્વારા શાંતિપૂર્ણ રીતે ચોક વિસ્તારમાં ગાંધી પ્રતિમા ખાતે ધરણાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પોલીસે ટીંગાટોળી કરી પ્રદર્શનકારી કોંગ્રેસીઓની અટકાયત કરી હતી.

વાંસદાના આદિવાસી નેતા અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ કોંગ્રેસ હવે અલગ અલગ કાર્યક્રમ આપી રહી છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર રાજકીય રીતે આ મુદ્દો કોંગ્રેસ માટે અગત્યનો બની ગયો છે. અનંત પટેલ ઉપર ભાજપના ઈશારે હુમલો કરાયો હોવાના આક્ષેપ હવે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. સુરત શહેર પ્રમુખ હસમુખ દેસાઈએ કહ્યું કે, અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અને આદિવાસીઓના યુવા નેતા અનંત પટેલ પર જીવનું જોખમ ઉભું થયું છે. તેઓ પર થયેલો જીવલેણ હુમલો નિંદનીય છે.

સુરતના જ ગૃહમંત્રી હોવાના કારણે સ્વાભાવિક રીતે આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય તે આવશ્યક છે, પરંતુ આ જ વિસ્તારમાં ધારાસભ્ય પર હુમલો થયો તે નિંદનીય છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ પર જાહેરમાં જીવલેણ હુમલો ચલાવી લેવાય નહીં. આ ઘટના દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થા કેટલી હદે કથળી ગયા છે. કોંગ્રેસ દ્વારા આજે શાંતિપૂર્ણ રીતે ધરણાં કરવામાં આવી રહ્યાં હતા. ત્યારે સુરત પોલીસે ધરણાં પર બેઠેલાં કોંગી કાર્યકરોને ડીટેઈન કરી લીધા હતા.

પોલીસ અને કોંગ્રેસી આગેવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે ટીંગાટોળી કરી કોંગ્રેસીઓને અટકાયતમાં લીધા હતા. કોંગ્રેસીઓએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા તો કથળી જ ગયા તે તો સ્પષ્ટ છે, પરંતુ સરકાર હવે પોલીસનો દુરુપયોગ કરી રહી છે. શાંતિપૂર્વક લોકશાહી ઢબે વિરોધ કરવા પણ દેતી નથી. અનંત પટેલ પર હુમલાની તપાસ કરવાના બદલે સરકાર અને પોલીસ ધરણાં કરનારાઓને દબાવી રહી છે. તમને જણાવી દઈએ કે આદિવાસી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર વસતા આદિવાસીઓમાં ઉકરતો ચરૂ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top