Business

ગૌતમ અદાણીએ આખે આખું પોર્ટ ખરીદી લીધું

નવી દિલ્હી: ભારત (India) અને એશિયાના (Asia) સૌથી ધનાઢ્ય વ્યક્તિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) આ દિવસોમાં ઝડપથી પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. આ ક્રમમાં તેમણે વધુ એક પોર્ટ ખરીદયો છે. ગૌતમ અદાણીએ ગંગાવરમ પોર્ટ લિ. (Gangavaram Port) ખરીદયો છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) એ ગંગાવરમ પોર્ટનો સંપૂર્ણ હિસ્સો ખરીદી લીધો છે. ગંગાવરમ આંધ્ર પ્રદેશનું ત્રીજું સૌથી મોટું નોન મેજર પોર્ટ છે.

કંપની પાસે પહેલેથી જ આ પોર્ટનો અમુક હિસ્સો હતો. કંપનીને આ ડીલ માટે NCLT અમદાવાદ અને NCLT હૈદરાબાદ પાસેથી પરવાનગી મળી છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દેશની સૌથી મોટી પોર્ટ કંપની છે. તે ગંગાવરમ પોર્ટમાં 40 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. હવે કંપનીએ બાકીનો 58.1 ટકા હિસ્સો પણ ખરીદી લીધો છે. કંપનીના પોર્ટફોલિયોમાં પોર્ટની સંખ્યા હવે વધીને 12 થઈ ગઈ છે.

ઊંડા પાણીનું બંદર
ગંગાવરમ પોર્ટના અધિગ્રહણમાં રૂ. 120 પ્રતિ શેરના દરે રૂ. 6,200 કરોડના મૂલ્યના 517 મિલિયન શેરનો સમાવેશ થાય છે. અદાણી પોર્ટ્સ ડીવીએસ રાજુ અને પરિવાર પાસેથી શેર સ્વેપ વ્યવસ્થા દ્વારા 58.1 ટકા હિસ્સો હસ્તગત કરશે. ગંગાવરમ બંદર એ સર્વ-હવામાન ઊંડા પાણીનું બહુહેતુક બંદર છે. તે 200,000 DWT સુધીના સંપૂર્ણ લોડ કરેલા સુપર કેપ સાઇઝના જહાજોને હેન્ડલ કરવામાં સક્ષમ છે. હાલમાં પોર્ટ 9 બર્થનું સંચાલન કરે છે.

પોર્ટ રેલ અને રોડ નેટવર્ક દ્વારા જોડાયેલું છે
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સીઇઓ અને ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે ગંગાવરમ પોર્ટનું અધિગ્રહણ ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી તરીકેની અમારી સ્થિતિને મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે ગંગાવરમ બંદર ઉત્તમ રેલ અને રોડ નેટવર્ક કનેક્ટિવિટી ધરાવે છે અને તે આઠ રાજ્યોમાં ફેલાયેલા અંતરિયાળ વ્યાપારનું પ્રવેશદ્વાર છે.

હાઇફા પોર્ટ હસ્તગત કરવામાં આવ્યું હતું
જુલાઈ મહિનામાં, અદાણી ગ્રુપે ઈઝરાયેલના સૌથી મોટા બંદરોમાંનું એક હાઈફા બંદર હસ્તગત કર્યું હતું. પોર્ટને $1.18 બિલિયનમાં ખરીદવામાં આવ્યું હતું. હાઈફા બંદર ઈઝરાયેલનું બીજું સૌથી મોટું બંદર છે.

અદાણી પોર્ટના શેર્સ
ગંગાવરમ પોર્ટ લિમિટેડના અધિગ્રહણ બાદ આજે અદાણી પોર્ટના શેરમાં વધારો જોવા મળી શકે છે. કંપનીના શેરમાં છેલ્લા ઘણા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે તેનો શેર 0.84 ટકાના ઘટાડા સાથે રૂ. 810 પર બંધ થયો હતો.

Most Popular

To Top