Top News

More Posts

   The Latest

Most Popular

ભારતનાં પ્રવાસ ઉદ્યોગે એક અલગ સ્તર પર પગલું ભર્યું છે, કારણ કે ટૂંક સમયમાં વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ શરૂ થશે જે ઉત્તર પ્રદેશનાં યાત્રાધામ વારાણસીથી આસામનાં ડિબ્રુગઢ થઈને બાંગ્લાદેશ સુધીની મુસાફરી કરશે. અંતરા લક્ઝરી રિવર ક્રુઝ દ્વારા સંચાલિત ‘ગંગા વિલાસ ક્રૂઝ’ વારાણસીથી કુલ 4000 કિલોમીટરનું અંતર કાપશે. ડિબ્રુગઢનાં બોગીબીલમાં એન્કર છોડતાં પહેલાં જહાજ કોલકાતા અને ઢાકામાંથી પસાર થશે.જળમાર્ગ પર આ નવી વૈભવી પહેલ ગંગા વિલાસ ક્રૂઝ વારાણસીથી ડિબ્રુગઢ સુધીની 50 દિવસની સૌથી લાંબી નદીની યાત્રામાં 27 નદી પ્રણાલીઓને આવરી લેશે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સહિત 50 થી વધુ પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.

5 રાજ્યો અને 2 દેશોની યાત્રા કરાવશે. વિશ્વમાં એક જ નદીનાં જહાજથી આ સૌથી મોટી નદી યાત્રા હશે અને તે ભારત અને બાંગ્લાદેશ બંને દેશનાં નદી ક્રૂઝનાં નકશા પર સફર કરશે! ક્રુઝ શિપ ગાઝીપુર, બક્સર અને રામનગરમાંથી પસાર થયાં બાદ આઠમાં દિવસે પટના પહોંચશે.પટનાથી શિપને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચવામાં 12 દિવસ લાગશે. બીજા જ દિવસે તે એક અલગ દેશ બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે. ડિબ્રુગઢનાં બોગીબીલ પહોંચવા માટે ભારતમાં ફરી પ્રવેશતા પહેલાં મુસાફરો 15 દિવસ સુધી પડોશી દેશમાં રહેશે. આ ક્રુઝ ભારત-બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટની મદદથી બાંગ્લાદેશમાં લગભગ 1100 કિમીનું અંતર કાપવામાં સક્ષમ હશે, જેણે પહેલાથી જ 2 પડોશી દેશો વચ્ચે વેપાર અને પરિવહન માર્ગો ખોલ્યા છે.

આ માર્ગ ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓને પણ જોડે છે.તેના માર્ગમાં જહાજ યુનેસ્કો દ્વારા સુરક્ષિત સુંદરવનમાંથી પણ પસાર થશે. સુંદરવનના ટાપુઓ અને ઉપવનની ઝલક પણ જળમાર્ગમાં આકર્ષણ છે! કોઈ પ્રવાસી સંપૂર્ણ મુસાફરી કરવા માંગતા નથી તેનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. ટ્રિપ મુસાફરોની જરૂરિયાતો અને પસંદગીઓને પૂરી કરવા માટે વિકલ્પો પણ પ્રદાન કરે છે. ક્રુઝ વિવિધ પ્રકારના હોય છે જેમકે લક્ઝરી, અભિયાન વગેરે. પ્રવાસીઓ પણ અલગ-અલગ માનસિકતા સાથે આવે છે. કેટલાંક સંપૂર્ણ પ્રવાસ માટે રહેવા માંગે છે જ્યારે થોડાં પ્રવાસીઓ એક બિંદુથી બીજા સ્થાને જઈ શકે છે. આ સેવા તમામ પ્રકારનાં પ્રવાસીઓને સુવિધા આપશે. વધુમાં, ઇન્ડિયન વેસલ એક્ટમાં સુધારા સાથે, ક્રુઝ લાઇનને તમામ રાજ્યોમાં એકીકૃત રીતે ફરવા માટે રાષ્ટ્રીય પરમિટ મળશે.

આ લકઝરી જહાજની વિશેષતાઓ જાણવા જેવી છે!ગંગા વિલાસ ક્રૂઝ જહાજ એ આધુનિક અને સાંસ્કૃતિક વૈભવનું પ્રતિક છે. આ જહાજ 20મી સદીનાં મધ્યભાગની આધુનિક શૈલી ધરાવે છે અને તેમાં 18 સ્યુટ્સ છે જેમાં સ્વદેશી રીતે બનાવેલ ફર્નિચર અને લાઇનનો સમાવેશ થાય છે જ્યારે કેટલાંક શિલ્પો ગંગા નદીનાં કાંઠે પણ બનાવવામાં આવ્યાં છે.જહાજની અંદરનો ભાગ વાઇબ્રન્ટ રંગોથી સજાવવામાં આવ્યો છે જે ક્રૂઝ જ્યાંથી પસાર થશે ત્યાંની આબેહૂબ સંસ્કૃતિને પૂરક બનાવશે! કિરમજી,વાદળી અને પીળા રંગના શેડ્સ 50 દિવસની અનોખી યાત્રા દરમિયાન પ્રવાસીઓ અને જ્યાંથી પસાર થશે તે દર્શકો જોઈ શકશે.  મોટી ફ્લોર-ટુ-સીલિંગ વિન્ડો ઓન બોર્ડ મુસાફરોને દિવસભર હાલકડોલક નદીની યાત્રાનો આનંદ માણવા દેશે.

પેનોરેમિક લાઉન્જ, ઓબ્ઝર્વેશન પેવેલિયન અને ડાઇનિંગ રૂમ પ્રવાસીઓ માટે મુસાફરીનાં અનુભવને નવો ઓપ આપશે. જહાજનું વૈભવી વર્ણન દર્શાવતી સગવડો ઉપરાંત ગંગા વિલાસ ક્રૂઝમાં આરામ કરવાં માટે એક ખુલ્લું સનડેક અને મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન ચુસ્ત રાખવા માટે એક સ્પા પણ છે. પ્રવાસીઓ લિજ્જતદાર ભોજન અને વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકશે જે જહાજ મુસાફરી સાથે વિવિધ જગ્યાઓથી પ્રેરિત થઇ ઉમેરશે. બિહારમાં તીખી વાનગી તો બંગાળનાં રસગુલ્લાં, એમ ભૂગોળ સાથે વ્યંજનો બદલાશે! પર્યાવરણને ધ્યાનમાં રાખીને જહાજમાં એવી તકનીકોનો સમાવેશ કરવામાં આવેલ છે જે મુસાફરી સ્વચ્છ અને ટકી રહે તેની ખાતરી સાથે પ્રદૂષણ અને અવાજને નિયંત્રિત કરશે. જેથી પ્રવાસીઓ નિરામય સ્વાસ્થ્ય સાથે સરિતા લહેર માણતાં રહે.

ઓપરેટરો એ ટિકિટની કિંમત કોસ્ટ-પ્લસનાં આધારે નક્કી કરવાનાં છે. આ સફર પ્રવાસીઓને નદીઓની સહેલ સાથે દરિયાનાં મોજાં અને દરિયા કાંઠાનાં અનુભવો પણ કરાવશે. જહાજ વિવિધ વિરામ સ્થળ પર ઘણી સંસ્કૃતિઓનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. પ્રવાસની એક વિશેષતામાં પાવન ગંગા નદીનાં તટ પર અત્યંત આદરણીય ‘ગંગા આરતી’નો સમાવેશ થાય છે. આ સફર ઇતિહાસના રસિયાઓને પશ્ચિમ બંગાળના આર્કિટેક્ચર પર ફ્રેન્ચ અને ડચ પ્રભાવોની અસરો વિશે જાણવાની તક આપશે.પશ્ચિમ બંગાળનું મટિયારી ગામ બોર્ડ પરના મુસાફરોને હાથ વણાટનાં બ્રાસવેર અને કાપડ બનાવવા વિશે સમજ આપશે અને શિલ્પ વિશે માહિતગાર કરશે. પસંદગીનાં સ્થળો પર ક્રુઝ લોક સંગીત અને નૃત્ય સાથેની પાર્ટીઓ માટે પણ રોકાશે.બગેરહાટ ખાતે પ્રવાસના ઘણાં પ્રાચીન સ્થળો જોવાં મળશે,યાત્રામાં પ્રવાસીઓને બંગાળ સલ્તનત સમયગાળા દરમિયાન બનેલી ખાન જહાં અલીની 60 ગુંબજોવાળી મસ્જિદ જોવાની તક મળશે. જહાજ બ્રહ્મપુત્રા નદી પથ પર ધુબરી ખાતે ભારતમાં ફરી પ્રવેશવા માટે પૂર્વ તરફ વળશે.

જળમાર્ગ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ક્રુઝ સેવાઓની સાથે રિવર શિપિંગ સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ છે. આ ક્ષેત્રમાં સરકાર ટ્રાફિકથી લઈને પ્રવાસન સુધીની અપાર સંભાવનાઓ જુએ છે અને તે યોજના પર વિચાર વિમર્શ ચાલે છે. આ ક્રૂઝ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલ પર ચાલશે. ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અંતરા લક્ઝરી રિવર ક્રૂઝ અને જે.એમ.બક્ષી રિવર ક્રૂઝે સમજૂતીનાં મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્ર સરકાર ટિકિટનાં દરમાં દખલ નહીં કરે પરંતુ વિવિધ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ક્રુઝ પર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેનું ધ્યાન રાખશે.હિમાલયથી ઉભરાતી ગંગા ભારતની સૌથી મહત્વપૂર્ણ નદી છે. સદીઓથી, તેનાં કાંઠાઓએ સંસ્કૃતિનો ઉદય જોયો છે,પરિવર્તન જોયાં છે! ધર્મ અને પરંપરાના કેન્દ્રો છે. ગંગા એશિયાની સૌથી લાંબી અથવા સૌથી ઝડપી નદી ન હોવા છતાં, હિમાલયથી બાંગ્લાદેશ સુધી વહેતી સૌમ્ય અને તેની સંસ્કૃતિ માટે નિર્ણાયક છે. સૌથી નવાં આર્ટ-ડેકો બુટિક શિપ પર ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ સાથે મહાકાવ્યની લહેરી નવા પવનનો આવકાર છે!

To Top