Dakshin Gujarat

દા.ન.હ.માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીનના વળતર અંગે એવું તે શું થઈ ગયું કે લોકોએ ન્યાયની માંગ કરી

સેલવાસ-દમણ : સંઘ પ્રદેશ દાનહના સેલવાસ નરોલી ગામમાંથી પસાર થઈ રહેલા હાઈ સ્પીડ રેલ કોરીડોર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Bullet Train Project) જે લોકોની પોતાના માલિકીની જમીન (Land) ગઈ છે તેવા લોકોએ ખંડણીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓ સામે લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ કલેક્ટર અને પોલીસ (Police) વિભાગને કરી છે.

નરોલી ગામના 15 થી વધુ લોકોએ પ્રદેશના કલેક્ટર અને પોલીસ વિભાગને લેખિતમાં અરજી કરી છે કે, ખંડણીના કેસમાં પોલીસે ધરપકડ કરેલા એડવોકેટ વિશાલ શ્રીમાળી, પૃથ્વીરાજ અશોકસિંહ રાઠોડ અને અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડે જમીન સંપાદનની રકમ મેળવવા માટે પૃથ્વીરાજ અશોકસિંહ રાઠોડ અને તેના પિતા અશોકસિંહ પ્રભાતસિંહ રાઠોડને મળ્યા હતા. અને જરૂરી દસ્તાવેજના કાગળો તૈયાર કરવા માટે એડવોકેટ વિશાલ શ્રીમાળી પાસે લઈ ગયા હતા. અને 12 લાખથી વધુની રકમ જમીન માલિકને મળશે જ એવી હૈયાધરપત આપી હતી. ત્યારબાદ પૈસા આમ નહીં મળે એ માટે 1 લાખ રૂપિયા આપશો તો જ મળશે એવી વાત કરતા ભોગ બનનાર લોકોએ 1 લાખથી વધુની રકમ તેમને આપી હતી. પરંતુ આજદિન સુધી કોઈપણ પ્રકારનું વળતર નહીં મળતા ભોગ બનનાર લોકોએ આ મામલે કલેક્ટર અને પોલીસ વિભાગને લેખિતમાં અરજી કરી યોગ્ય ન્યાયની માંગ કરી છે. જે મળેલી ફરિયાદ બાદ કલેક્ટર અને પોલીસે ભોગ બનનાર પિડિતોને યોગ્ય ન્યાય મળશે એવું આશ્વાસન આપ્યું હતું.

કછોલ ગામે બુલેટ ટ્રેન સાઈટ પરથી નીચે પડતા કામદારનું મોત
નવસારી : કછોલ ગામે બુલેટ ટ્રેન સાઈટ પર ઉપરથી નીચે પડતા કામદારનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વેસ્ટ બંગાલ પરગાનસ ગોપાલનગર ઉત્તર 24 માં રહેતા નરોત્તમ નિર્મલ બિસ્વાસ (ઉ.વ.22) નવસારી તાલુકાના અડદા ગામે ચાલી રહેલા બુલેટ ટ્રેન સાઈટ પર કામ કરી રહ્યો હતો.

ગત 8મીએ નરોત્તમ બુલેટ ટ્રેન સાઈટના કાસ્ટિંગ યાર્ડમાં કામ કરતો હતો. દરમિયાન તેનો પગ લપસી જતા તે 12 ફૂટ ઉપરથી નીચે જમીન પર પટકાયો હતો. જેના પગલે તેને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્ટાફના માણસોએ તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોક્ટરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. વી.જે. પટેલે હાથ ધરી છે.

Most Popular

To Top