Business

ચૂંટણી પંચની સ્ટેટિક ટીમની કામગીરીથી લગ્નસરાંની સિઝનમાં જ્વેલર્સનો વેપાર ઠપ થયો

સુરત: ચૂંટણી (Election) પંચની સ્ટેટિક ટીમની જડ કામગીરીને લીધે લગ્નસરાંની સિઝનમાં (Wedding season) જ્વેલર્સનો (Jewellers) વેપાર ઠપ્પ થયો છે. જ્વેલર્સ જેમને ત્યાં લગ્ન છે ત્યાં દાગીના આપવા જઈ શકતા નથી. સોની કે મેન્યુફેક્ચરર્સ જ્વેલર્સની ડિલિવરી આપી શકતા નથી. ગ્રાહક જૂનાં ઘરેણાં ઓગાળી નવી ડિઝાઇનનાં ઘરેણાં બનાવવા જતા પણ ડરી રહ્યા છે. ખોટી રીતે જ્વેલર્સ-ગ્રાહકનો માલ પકડી આઇટીને સીઝ કરવા આપવામાં આવતો હોવાથી જેમને ત્યાં લગ્ન હોય છે એમને સોનાનાં ઘરેણાં છોડાવવા દિવસો લાગી રહ્યા છે. કારણ કે, આવકવેરા વિભાગ પિતૃક, વારસાગત મળેલાં ઘરેણાંની પણ વિગત માંગી રહ્યો છે. નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નસરાંની સિઝન હોવાથી જ્વેલર્સ સંગઠનોએ આ મામલે ચૂંટણીપંચને રજૂઆત કરી છે. સુરત જ્વેલરી એસોસિએશન અને ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (ઇબજા)એ રાજ્ય અને કેન્દ્રના ચૂંટણીપંચને રજૂઆત કરી છે.

ઇબજાના ગુજરાત એકમના પ્રમુખ નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, સુરત સહિત ગુજરાતમાં સામાન્ય રીતે પરિવારો પરિવારની પરંપરા મુજબ જૂનાં ઘરેણાં ઓગાળી, થોડું નવું સોનું ઉમેરી નવી ડિઝાઇન સાથે ઘરેણાં બનાવતા હોય છે, જેમાં ગ્રાહકને મજૂરીના દરનું બિલ અને સોનાના ડિફરન્સનું બિલ આપતા હોય છે. પણ ચૂંટણી પંચની સ્ટેટિક ટીમ કુલ વજન પ્રમાણે સોનાનું કે ઘરેણાંનું બિલ માંગી આવકવેરા વિભાગ પાસે સોનું સીઝ કરાવી દે છે. આ સોનું છોડાવતા દિવસો લાગી જાય છે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી કમૂરતાં છે. જ્વેલર્સનો સિઝનનો 40 ટકા વેપાર આ સિઝનમાં થતો હોય છે. ચૂંટણી પંચ સાથે સંકળાયેલી સ્ટેટિક ટીમની જડતાને લીધે જ્વેલર્સનો વેપાર અટકી ગયો છે. હોલસેલર રિટેલર્સને માલ બતાવી શકતા નથી. કારીગર જ્વેલર્સને માલની ડિલિવરી લેવા આવવાનું કહે છે. આ બધી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરાઈ છે.

જ્વેલર્સ પાસે બિલ સોનાની ખરીદીના છે અને સ્ટેટિક ટીમ ઘરેણાંનાં બિલ માંગે છે
ઇબજાના ગુજરાત એકમના પ્રમુખ નૈનેશ પચ્ચીગર કહે છે કે, જ્વેલર્સ બિલ સાથે સોનાની ખરીદી કરે છે. અને એ સોનામાંથી ઘરેણાં ગ્રાહક માટે બનાવે છે. ઘરેણાંની ડિલિવરી આપવા જતાં જ્વેલર્સ પકડાય તો સ્ટેટિક ટીમ ઘરેણાંનું બિલ માંગે છે. એની અવેજમાં સોનાની ખરીદીનું બિલ રજૂ કરવામાં આવે તો ચલાવી લેવાતું નથી. ગ્રાહકને જ્વેલર્સ 5થી 10 સેટ બતાવવા લઈ જાય છે તેમાંથી ગ્રાહક એકાદની પસંદગી કરતો હોય છે. એ પછી જ્વેલર્સ વેચાણ બિલ બનાવી મોકલતો હોય છે. પણ ચૂંટણી પંચની ટીમ સમજવા માંગતી નથી. સીધો આવકવેરા વિભાગને મુદ્દામાલ સીઝ કરવા મોકલી આપે છે.

10 લાખથી વધુનો માલ વેચતા પહેલાં મંજૂરી કોણ આપે એની અધિકારીઓને પણ જાણ નથી
ચૂંટણી પંચના જાહેરનામા મુજબ 10 લાખથી વધુનો માલ વેચવા માટે જે-તે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી કે નિયુક્ત અધિકારીની મંજૂરી લેવાની હોય છે. સુરતના જ્વેલર્સ આવી મંજૂરી માટે ગયા તો મંજૂરી કઈ ફોર્મેટમાં કયા ફોર્મથી આપવી એની વિગત જ ન હતી. આ અધિકારીએ હેડ ઓફિસ પૂછી જાણ કરવા કહ્યું હતું.

Most Popular

To Top