Columns

જાણો આ વખતે ગુજરાતની ચૂંટણીમાં કયું ફેક્ટર નિર્ણાયક બનશે?

આ વખતની ગુજરાતની ચૂંટણીમાં એક-બે નહીં એક ડઝનથી પણ વધુ મુદ્દા મોઢું ફાડીને બેઠા છે. આ વખતે ફરી એન્ટિ ઈન્કમ્બન્સી ફેક્ટરને લઈને સત્તાપક્ષમાં ચિંતાનો માહોલ છે. સૌથી મોટી ચિંતા કોરોનાની બીજી લહેર વખતે થયેલું ભયાનક મિસ મેનેજમેન્ટ છે. ઉપરાંત પેપર લીક કૌભાંડ, સરકારી ભરતીઓમાં વિલંબ, આ મુદ્દે થયેલાં આંદોલન, ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સુવિધાઓનો અભાવ, શિક્ષણનું ખાનગીકરણ અને સતત મોંઘું બનતું એજ્યુકેશન, ખેડૂતોના પ્રશ્નો, વીજળી-પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસમાં તોતિંગ ભાવવધારા, જમીન અધિગ્રહણ અને છેલ્લે મોરબી પુલ દુર્ઘટનાએ સત્તાપક્ષને ભીંસમાં મૂકી દીધો છે.

રાજ્યની 182 સીટમાં બહુમતી માટે 92 સીટ જરૂરી હોય છે ત્યારે 2017માં પરિણામો વખતે રસાકસી સર્જાઈ હતી. BJP માત્ર 99 સીટ પર સમેટાઈ ગયો હતો! 2012ની 115 સીટની સામે 2017માં 16 સીટના નુકસાનનું જંગી ગાબડું પડ્યું હતું. 2012 અને એ પછી 2017ની ચૂંટણી વખતે ‘AAP’નું ફેક્ટર પણ નહોતું. આ વખતે BJP અને કોંગ્રેસ બંને માટે ‘AAP’ સૌથી મોટો પડકાર બનીને ઊભી છે. BJP વિરુદ્ધ એન્ટિ ઈન્કમ્બન્સી, ત્રીજો વિકલ્પ છે તો ફેવરમાં જ્ઞાતિ સમીકરણ છે. ગુજરાતની ચૂંટણીમાં છેવટે કયું ફેક્ટર નિર્ણાયક બનશે?

છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં BJP સત્તા પર છે. દર વખતે ચૂંટણીમાં ‘એન્ટિ ઈન્કમ્બન્સી ફેક્ટર’ની વાત આવે એટલે કે, સત્તા સામે અણગમો. જો કે, પરિણામ આવે ત્યારે મોટું દેખાતું આ ફેક્ટર નરેન્દ્ર મોદીના ચહેરા સામે વામણું બની જાય છે પણ 2017ની એટલે કે ગત વિધાનસભા ચૂંટણીમાં આ ફેક્ટરે સત્તાપક્ષને પરસેવો વાળી દીધો હતો. રાજ્યની 182 સીટમાં બહુમતી માટે 92 સીટ જરૂરી હોય છે ત્યારે 2017માં પરિણામો વખતે રસાકસી સર્જાઈ હતી. BJP માત્ર 99 સીટ પર સમેટાઈ ગયો હતો! 2012ની 115 સીટની સામે 2017માં 16 સીટના નુકસાનનું જંગી ગાબડું પડ્યું હતું. વોટિંગ ચાલુ હતું ત્યારે એક સમયે તો એવી ભીતિ ઊભી થઈ હતી કે BJP 92 સીટોના મેજિક ફિગર સુધી પહોંચી શકશે કે કેમ? જો કે, છેલ્લે BJPએ 99 સીટ સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તા જાળવી રાખી હતી.

2012થી એવો સિક્કો લાગી ગયો છે કે, ગમે તેવાં આંદોલનો, હોનારતો, અસંતોષ પ્રવર્તે ગુજરાતમાં તો નરેન્દ્ર મોદીનો ચહેરો જ ચાલે છે. જો કે મોદી કેન્દ્રમાં ગયા પછી જેમ જેમ ગુજરાતમાં મોદી વિના ચૂંટણીઓ આવી રહી છે તેમ તેમ આ જાદુ ઓસરતો દેખાઈ રહ્યો છે. દર વખતે મોદીએ જ મેદાનમાં ઊતરવું પડે છે! ભલે શાસન BJPનું જ રહ્યું છે પણ સરકારો વારંવાર હલબલી છે. મુખ્ય મંત્રીઓ વારંવાર બદલવા પડ્યા છે. છેલ્લે તો આખેઆખી સરકાર જ બદલવી પડી હતી! મોદીના કેન્દ્રમાં ગયા પછી ગુજરાતમાં BJPની પકડ ઢીલી પડી રહી હોય એવી એક ઇમેજ ઊભી થઈ રહી છે. આ ઇમેજને ભૂંસવા માટે જ આ વખતે પાર્ટીએ, મતલબ કે, મોદીએ અનેક જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે.

27 વર્ષથી સત્તામાં રહેલી BJP ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દરેક ચૂંટણીમાં ચોક્કસ પ્રકારની નવી વ્યૂહરચના અપનાવીને વિરોધીઓને ચિત્ત કરતો આવ્યો છે. સાથે સાથે ગમે તેવી એન્ટિ-ઇન્કમ્બન્સી (સત્તા વિરોધી) જેવા પરિબળો સામે જીતતો આવ્યો છે. છેલ્લી 2 ચૂંટણીથી પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે, આરંભે શૂરા BJP નો-રિપીટ થિયરી અપનાવશે એવો હાઉ ઊભો થાય છે અને છેલ્લે ખબર પડે છે કે, સીટની ગણતરીઓ કરતાં જૂના જોગીઓને ન છૂટકે ટિકિટ AAPવી પડી હતી. જો કે, આ વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘ઇલેક્શન એન્જિનિયરિંગ’નું કામ પોતાના હાથમાં લઈ લીધું હતું અને પહેલેથી જ તેવા સંકેત આપી દીધા હતા કે 25% વર્તમાન ધારાસભ્યોને બદલી નાખવામાં આવશે.

2012 અને એ પછી 2017ની ચૂંટણી વખતે ‘AAP’નું ફેક્ટર પણ નહોતું. આ વખતે BJP અને કોંગ્રેસ બંને માટે ‘AAP’ સૌથી મોટો પડકાર છે. ‘AAP’ પોતાનું દિલ્હીનું વિકાસ મોડલ આગળ ધરી રહી છે. વીજળી-એજ્યુકેશન ફ્રીમાં આપવાની લોભામણી જાહેરાતો પણ કરી રહી છે!  BJP પાસે વિકાસની વાતો સિવાય કોઈ મુદ્દો દેખાતો નથી. BJP નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ ધરીને બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, ડબલ એન્જિન સરકાર, ભરોસાની સરકાર, સરકારી યોજનાઓ, પર્યટન સ્થળો-યાત્રાધામોનો વિકાસ જેવા મુદ્દા આગળ ધરી રહી છે.

BJPના ઉમેદવારોની પ્રથમ યાદીએ જ પાર્ટીનો મૂડ અને રણનીતિ સ્પષ્ટ કરી દીધી હતી. આમ પણ આજકાલ છટણીની મોસમ ચાલે છે. BJPએ પણ ટિકિટ વહેંચણીમાં મોટી છટણી કરી છે! મોદીનો BJP કોર્પોરેટ સ્ટાઈલથી કામ કરે છે. આ વખતે કોર્પોરેટ BJPનું સીધું ગણિત છે – રીઢા, ઝઘડાળુ, બિનકાર્યક્ષમ, ભ્રષ્ટાચારી, ચીપકેલાને ઘરભેગા કરો! BJPએ પહેલી યાદીમાં જ 2017માં જેમને ટિકિટ આપવામાં આવી હતી, તેવા 85ની ટિકિટ કાપી નાખી હતી! એવું નથી કે BJPએ જૂના મંત્રીઓને કાપી નાંખ્યા છે, પાર્ટીએ ભૂપેન્દ્ર પટેલની વર્તમાન સરકારના 5 મંત્રીઓની ટિકિટ પણ કાપી નાખી છે. BJPએ ટિકિટ વહેંચણીમાં તમામ સમીકરણો પાર પાડવાનો પ્રયાસ કર્યો છે. ખાસ વાત એ છે કે જ્યાં ઝગડાનું ઘર હતું ત્યાં નવા ચહેરાઓ મેદાનમાં ઉતારી દીધા છે! આ યાદીમાં પૂર્વ CM વિજય રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલની સીટ પરથી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી રહેલી ‘AAP’ BJPને અનેક મુદ્દે ઘેરી રહી છે. ‘AAP’ BJPને પ્રતિક્રિયા આપવા મજબૂર બનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. પ્રજાલક્ષી મુદ્દા હોય કે ચૂંટણીલક્ષી, બંનેમાં BJPની નેતાગીરીએ ‘AAP’ના પ્રચારનો જવાબ આપવો પડી રહ્યો છે. ખુદ વડા પ્રધાન મોદી ઘણી વખત ‘AAP’ના કેટલાક મુદ્દાઓનો ગુજરાતમાં ચૂંટણી સભાઓમાં જવાબ આપી ચૂક્યા છે. એવું લાગી રહ્યું છે જાણે ‘AAP’ BJPને તેની જ વ્યૂહરચનામાં ફસાવવા માટેની યોજના બનાવી રહી છે! આ સિવાય પ્રચારમાં પણ ‘AAP’ અને BJP વચ્ચે ટક્કર બરાબરની જામી છે. BJP ભલે ગુજરાતમાં 27 વર્ષ જૂની હોય પણ સામે આમ ‘AAP’ પણ ખૂબ જ કાર્યક્ષમપણે પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરી રહી છે.

જેવી રીતે જીવનમાં સંજોગો ઘણી વખત યુ ટર્ન લેતા હોય છે, તેમ રાજકીય મોરચે ગુજરાતમાં આવું જ જોવા મળી રહ્યું છે. આગળ કહ્યું તેમ ‘AAP’ BJPને તેની જ વ્યૂહરચનામાં પછડાટ આપવાની કોશિશ કરી રહી છે. અગાઉ ગુજરાતના મોડલને આગળ કરીને નરેન્દ્ર મોદી છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા, તેમ હવે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મોડલની વાત કરીને ગુજરાતમાં પ્રવેશવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છે! તમને યાદ હશે 2014ની લોકસભા ચૂંટણી પૂર્વેનો એ માહોલ, જેમાં ગુજરાત મોડલને આગળ ધરીને BJP અને નરેન્દ્ર મોદીએ દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી. છેલ્લા 6 મહિનાથી ગુજરાતમાં ‘AAP’ના કાર્યકરો ગુજરાત મોડલ કરતાં દિલ્હીનું વિકાસ મોડલ સફળ હોવાનો પ્રચાર કરી રહ્યા છે. દિલ્હીનું સફળ મોડલ એટલે ત્યાંની શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, ફ્રી વીજળી વગેરેને રજૂ કરીને BJPના પરંપરાગત મતો તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે. સામે કેજરીવાલની ‘મફત સેવાની ગૅરંટીઓ’ને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મફતની રેવડી ગણાવી કટાક્ષ કરી ચૂક્યા છે.

એન્ટિ ઈન્કમ્બન્સી અને ‘AAP’ તરીકે ત્રીજો વિકલ્પ પરપોટા જેવું છે પણ જો ગુજરાતમાં ચૂંટણીઓમાં અસર કરતું મોટું ફેક્ટર હોય તો એ જાતિવાદ છે. એક સમયે સૌથી વધુ બેઠકો મેળવવાનો રેકોર્ડ જેના નામે છે એ પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકી જાતિવાદના ફેક્ટરથી જ આ રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યા હતા. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌથી સમર્થ મુખ્ય મંત્રી તરીકે રહેલા માધવસિંહ સોલંકી ‘ગુજરાતના રાજકારણના નાથ’ કહેવાય છે. સોલંકીએ 149 બેઠકોનો વિક્રમ કર્યો તેની પાછળ માધવસિંહ સોલંકીએ અમલમાં મૂકેલી ખામ થિયરી હતી. ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ એમ 4 વર્ગોને એક કરીને ગુજરાતની 70% વસતિને સાથે લઈને તેમણે ગુજરાતમાં જંગી બહુમતી મેળવી હતી. તેમણે જ OBC માટે 27% અનામતની જાહેરાત કરીને ગુજરાતમાં કુલ અનામતને 49.5% સુધી પહોંચાડી હતી.

આમ તો એવું કહેવાય છે કે ખામ થિયરી હકીકતમાં ગુજરાત કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ઝીણાભાઈ દરજી અને સનત મહેતાએ ઘડી કાઢી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ઘેલા-સોમનાથ ખાતે પક્ષની બેઠક મળી હતી તેમાં આ થિયરી ઘડવામાં આવી હતી. ખામ માટે સોલંકીનું નામ લેવામાં આવે છે પણ સાચી વાત એ છે કે તેમણે આ થિયરીને અમલમાં મૂકવાનું કામ કર્યું હતું. જ્ઞાતિ સમીકરણોના હિસાબે 2017ની ચૂંટણીના આંકડા જોઈએ તો, દલિત સમાજે BJP કરતાં કોંગ્રેસ પર વધુ વિશ્વાસ દાખવ્યો હતો. 53% દલિતોએ કોંગ્રેસને અને 39% દલિતોએ BJPને વોટ આપ્યા હતા. મુસ્લિમ સમુદાય પહેલેથી જ કોંગ્રેસની ‘વોટબેંક’ ગણાય છે. એ વાત ગઈ વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળી હતી. 64% મુસ્લિમોએ કોંગ્રેસને મત આપ્યા હતા, જ્યારે BJPને મત આપનારા મુસ્લિમોનું પ્રમાણ માત્ર 27% જ હતું. મતલબ કે આ બે સમાજ જ્યાં સુધી BJPને સાથ ના આપે દર વખતે કરાતો 150 સીટનો દાવો ત્યાં સુધી ક્યારેય શક્ય બની શકે નહીં.

ગુજરાતના શહેરી અને ઉચ્ચવર્ગના મતદારો BJPની મુખ્ય વોટબેંક કહેવાય છે. ગત ચૂંટણીમાં એનો પડઘો પણ પડ્યો હતો. ઉચ્ચ વર્ગના 55% મતદારોએ BJP પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો, જ્યારે તેમાંથી 36% મતદારોને કોંગ્રેસમાં પોતાનું સુરક્ષિત ભવિષ્ય દેખાયું હતું. જો કે ગત ચૂંટણીમાં BJP અને કોંગ્રેસ વચ્ચે OBC ક્ષત્રિયના વોટ 45-45%થી વહેંચાઈ ગયા હતા, જ્યારે કોળી અને અન્ય OBC જ્ઞાતિઓએ સ્પષ્ટપણે BJPને સમર્થન આપ્યું હતું. એમાંથી BJPને ફાળે 52% અને કોંગ્રેસને ફાળે 38% મતો ગયા હતા.

અન્ય ધર્મ-કોમના મતદારોમાં પણ લગભગ સમાન ભાગે ફાંટા પડી ગયા હતા. એમાંથી BJPને 50% અને કોંગ્રેસને 45% મત મળ્યા હતા. આ વખતે BJP માટે ચઢાણ આકરું બની શકે પણ વિપક્ષો ‘સત્તા’ માટે લડે તો! છેલ્લા 2 દાયકાથી એવું કહેવાય છે કે, કોંગ્રેસ ગુજરાતમાં સત્તા માટે નહીં પણ વિપક્ષમાં બેસવા લડે છે! ગુજરાતમાં જાતિ સમીકરણો સિવાય BJP પાસે કોઈ ફોર્મ્યુલા નથી. પાટીદાર CMને બેસાડ્યા પછી પણ પાટીદારોને સાથે લઈને ચાલવું એટલું આસાન નથી. વિકાસનો પરપોટો ફૂટી ગયો છે. સત્તાવિરોધી લહેર છેક છાપરે ચઢી છે, આમ છતાં મોદી તેની સ્ટાઈલમાં આખી ગેમ ગજવે કરી જશે અને બધા જોતા રહેશે એ નક્કી છે.

Most Popular

To Top