SURAT

શિક્ષણ બોર્ડની ધો. 10ની પરીક્ષાનું કંગાળ પરિણામ લાવનારી 19 શાળાના આચાર્યને ડીઇઓનું તેડું

સુરત : શિક્ષણ બોર્ડની માર્ચ-2022ની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષામાં (Exam) કંગાળ દેખાવ કરનારી 19 શાળાના આચાર્યને (Principal) જિલ્લા શિક્ષણાધિકારીનું તેડું આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીએ અગામી 18 નવેમ્બરના શુક્રવારના રોજ પૂણાની એલ.પી.ડી. શાળામાં (School) આચાર્યોને છેલ્લા ત્રણ વર્ષના ધોરણ-10 અને 12ના પરિણામ તથા વિદ્યાર્થીઓ (Student) અને સ્ટાફની (Staff) આંકડાકીય માહિતી સાથે હાજર રહેવા માટેનો આદેશ કર્યો છે.

  • માર્ચ -2022ની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષામાં સુરતની 19 શાળાના પરિણામ ૩૦ ટકા કરતા ઓછાં આવ્યા
  • ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાતી મુખ્ય જાહેર પરીક્ષામાં જે પણ શાળાનું પરિણામ ૩૦ ટકા કરતા ઓછું આવતું હોય છે, તેવી શાળા પર શિક્ષણ બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી ખાસ ધ્યાન આપે છે


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાતી મુખ્ય જાહેર પરીક્ષામાં જે પણ શાળાનું પરિણામ ૩૦ ટકા કરતા ઓછું આવતું હોય છે, તેવી શાળા પર શિક્ષણ બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી ખાસ ધ્યાન આપે છે. બન્ને મળીને શાળાનું પરિણામ સુધરવા માટેના પ્રયાસો કરવા નવી નવી યોજના અપનાવે છે. દા.ત. સારૂ પરિણામ ધરાવતી શાળા, ઓછું પરિણામ ધરાવતી શાળાને દત્તક લઈ પરિણામ સુધારવા માટે પ્રયાસ કરાય છે, વારંવાર પરિણામ નહીં સુધરતું હોય તો તેવી શાળાઓ સામે શિક્ષણ બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી લાલ આંખ કરીને કડક પગલા ભરતા આચાર્યનો ઈજાફો અટકાવે છે.

દરમિયાન આ વખતે એટલે કે માર્ચ -2022ની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષામાં સુરતની 19 શાળાના પરિણામ ૩૦ ટકા કરતા ઓછાં આવ્યા છે. જેથી તે શાળાઓના પરિણામ સુધારવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ આગામી 18 નવેમ્બર, 2022ના શુક્રવારના દિવસે પૂણાની શ્રીમતી એલ.પી.ડી. હાઇસ્કૂલમાં ખાસ બેઠક યોજી છે. જેમાં 19 શાળાના આચાર્યોને છેલ્લા ત્રણ વર્ષનું ધોરણ-10 તથા 12-સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ બોર્ડનું ગ્રેડ અને વિષય મુજબનું પરિણામ તથા ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફની માહિતી સાથે જ વર્ષ-2022-23માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની માહિતીની એક આખી ફાઇલ બનાવી હાજર રહેવા આદેશ કર્યો છે.

Most Popular

To Top