Dakshin Gujarat

સુરતના મોટા વરાછાનો યુવાન કામરેજમાં સંબંધીને મળવા માટે ગયો અને મોત મળી ગયું

કામરેજ: કામરેજ ચાર રસ્તાથી કામ તરફ જતાં રોડ (Road) પર કામરેજ ગામની હદમાં સીગ્નેટ મોલની સામે વરાછા ખાતે રહેતા યુવાનની મોટરસાઈકલ સ્લિપ ખાઈ જતાં ટૂંકી સારવાર દરમિયાન મોત (Death) નીપજ્યું હતું.

સુરતના મોટા વરાછામાં આઝાદ ફળિયામાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા રાકેશ સુમન પટેલ (ઉં.વ.42) બે દિવસ અગાઉ રાત્રિના કામરેજ ખાતે રહેતા સંબંધીને મળવા માટે મોટરસાઈકલ નં.(જીજે 05 કેસી 8666) લઈને જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે 10 કલાકે કામરેજની હદમાં કામરેજ ચાર રસ્તાથી કામરેજ જતાં રોડ પર આવેલા સીગ્નેટ મોલની સામે મોટરસાઈકલ અચાનક સ્લિપ ખાઈ જતાં મોટરસાઈકલ સવાર યુવાન રોડ પર પટકાતાં શરીરે ઈજા થતાં સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં એક દિવસની સારવાર દરમિયાન સોમવારે સવારે 8.15 કલાકે મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર હાઇવે પર કારચાલકે બાઈકસવાર સાઢુ ભાઈઓને ટક્કર મારતાં બંનેનાં મોત
અંકલેશ્વર: અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ નીચે નેશનલ હાઇવે ઉપર કારચાલકે બાઈકસવાર સાઢુ ભાઈઓને ટક્કર મારતા બંનેનાં કરુણ મોત નીપજ્યાં હતાં. નેત્રંગ તાલુકાના કેલ્વીકૂવા ગામના વડ ફળિયામાં રહેતા ઉમેશ ચીમન વસાવાના પિતા ચીમન સોમા વસાવા અને માસા મનીષ મધુસિંગ વસાવા બાઈક નં.(જી.જે.૧૬.બી.ઇ.૨૪૩૩) લઈ અંકલેશ્વર ખાતે કામ અર્થે આવ્યા હતા. જેઓ બંને સાઢુ ભાઈઓ અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ નીચે નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરથી સુરત ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા હતા.

દરમિયાન કાર નં.(ડી.એલ.૧.સી.એ.ઇ.૯૦૪૭)ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી લાવી બાઈકસવારોને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતાં ચીમન વસાવાને તાત્કાલિક અન્ય કારસવારે સારવાર અર્થે અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હાજર તબીબે તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મનીષ વસાવાને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની મદદ વડે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top