Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરત શહેરમાં નવજાત બાળકોને ત્યજી દેવાની ઘટનામાં ચિંતાજનક હદે વધારો થયો છે. હજુ ગયા અઠવાડિયે મગદલ્લામાં સગીર માતાએ તાજા જન્મેલા બાળકને પહેલાં માળેથી સીધું રસ્તા પર ફેંકી દીધું હતું, એ ઘટનાની શાહી હજુ ભૂંસાઈ નથી. ત્યાં આજે સવારે અડાજણના કેબલ બ્રિજ પર ત્યજી દેવાયેલું બાળક મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

  • કેબલ બ્રિજ પાસે બે મહિનાનું બાળક મળ્યું
  • રાહદારીની નજર જતા પોલીસને જાણ કરી
  • માતા-પિતા બાળકને મુકી ફરાર થયાની શંકા
  • પોલીસે CCTV ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી

સુરત (Surat) શહેરમાં અડાજણ અને પાર્લે પોઈન્ટ અઠવાલાઈન્સ વિસ્તારને જોડતા કેબલ બ્રિજ (Cable Bridge) પર આજે સવારે બે મહિનાનું બાળક (Baby) મળી આવ્યું હતું. કોઈક રાહદારીની નજર બાળક પર પડતા તેને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકનો કબ્જો લઈ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ મામલે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાળકને તરછોડીને જતા માતા-પિતા સીસીટીવી (CCTV) ફૂટેજમાં જોવા મળ્યા છે. પોલીસની શી (She) ટીમ નવજાત બાળકનું ધ્યાન રાખી રહી છે.

પોલીસની શી ટીમ બાળકને માતાની જેમ સાચવી રહી છે.

શી ટીમના સભ્ય મમતા મકવાણા બાળકનું ધ્યાન રાખી રહ્યાં છે. બાળકની તબિયત હાલ તંદુરસ્ત છે. તેને એનઆઈસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. શી ટીમના સભ્યો બાળકનું પરિવારની જેમ ધ્યાન રાખી રહી છે. આ મામલે ડીસીપી હર્ષદ મહેતાના જણાવ્યા અનુસાર કંટ્રોલ રૂમ પર કોલ આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. બાળકીની તબિયતને ધ્યાન પર લઈ મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરાયું છે. બાળકના માતા-પિતાને શોધવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરાઈ રહી છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

બાળકને ફૂટપાથ પર મુકી જતા માતા-પિતા દેખાયા
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ખૂબ જ ગરીબ દેખાતું દંપતી માથા પર બોજો લઈ જઈ રહ્યું છે. આ દંપતી રાતના અંધારામાં કેબલ બ્રિજ પરથી જતું દેખાઈ રહ્યું છે તે જોતાં આખી રાત બાળક કેબલ બ્રિજ પર પડી રહી હોવાની શક્યતા નકારી શકાતી નથી. પોલીસને આશંકા છે કે આ દંપતીએ જ બાળકને તરછોડ્યું છે. સીસીટીવી ફૂટેજમાં દંપતી ચાલતું જતું જોવા મળે છે. તેથી સુરત શહેર પોલીસે રોડ પર લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી બાળકના માતા-પિતાનું પગેરું શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

સમાજ સેવક મહેશ સવાણીએ બાળકને દત્તક લીધું
બે મહિનાની માસૂમ ફૂલ જેવી બાળકને માતા-પિતાએ તરછોડી દીધી હોવાના સમાચાર શહેરમાં ફેલાતા શહેરીજનોના મન હચમચી ઉઠ્યા હતા. રાતે ગરીબ માતા-પિતાએ રસ્તામાં છોડી દીધેલા બાળકને આજે બપોરે સમાજ સેવક અને હજારો દીકરીઓના લગ્ન કરાવવા જેવું સેવા કાર્ય કરતા મહેશ સવાણીએ આ બાળકીને દત્તક લેવાની ઈચ્છા જાહેર કરી છે.

To Top