Dakshin Gujarat

ધરમપુરના યુવાનને જાપાનની કંપનીમાં 90 લાખના પેકેજની જોબ મળી

વલસાડ : ગુગલના (Google) સીઇઓ સુંદર પીચાઇ (Sundar Pichai), દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને રોટરી ક્લબના ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ વાપીના કલ્યાણ બેનર્જી ભારતની જે ખ્યાતનામ આઇઆઇટી (IIT) ખડગપુરમાં અભ્યાસ કર્યો એ જ કોલેજમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર (Dharampur) તાલુકાના રહીશ અને વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના (Sarswati International School) એક વિદ્યાર્થીએ (Student) પ્રવેશ મેળવ્યો હતો. ધરમપુરનો યુવાન પોતાનો અભ્યાસ પૂર્ણ કરે એ પહેલાં જ તેને જાપાનની (Japan) એક કંપનીમાં રૂ. 90 લાખના વાર્ષિક પેકેજ સાથે જોબ મેળવી લઇ ધરમપુરનો ઇતિહાસ રચી કાઢ્યો છે.

  • IIT ખડગપુરમાં બીટેકમાં એડમિશન મેળવ્યું, આખરી સેમેસ્ટરમાં કોલેજમાં જાપાનની ખ્યાતનામ કંપનીએ કેમ્પસ ઈન્ટરવ્યુ કર્યું

ધરમપુરમાં રહેતા યુવાન નેવીલ મનોજ ચૌહાણે (Navil Chauhan) આઇઆઇટી ખડગપુર પુરમાં બીટેકમાં (B.tech) એડમિશન (Admission) મેળવ્યું હતુ. કોલેજમાં હાલ તે ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે અને તેનું આખરી સેમેસ્ટર બાકી છે. આ દરમિયાન તેની કોલેજમાં જાપાનની એક ખ્યાતનામ કંપનીએ કેમ્પસ ઈન્ટરવ્યુ કર્યું હતુ. જેમાં 800 થી વધુ વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું હતું. આ કંપનીમાં 6 કલાકના ઈન્ટરવ્યુ બાદ કંપનીએ તેને 90 લાખનું વાર્ષિક પેકેજ ઓફર કર્યું છે અને નેવીલે તેમની આ ઓફર સ્વીકારી લીધી છે. આ કંપનીમાં ભારતના 800 પૈકી માત્ર બે જ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું જે પૈકી ધરમપુરના નેવીલનો નંબર લાગ્યો છે. જેનાથી સંસ્કારી અને સાહિત્યની નગરી ધરમપુરમાં અભ્યાસ ક્ષેત્રે સળતાના શિખર સર કરવાનો એક નવો ઇતિહાસ તેણે રચી દીધો છે.

નેવીલ પહેલેથી જ ક્લાસમાં ટોપર રહેતો હતો : પિતા મનોજભાઇ
નેવીલના પિતા મનોજભાઇએ ‘ગુજરાતમિત્ર’ સાથે વાતચીતમાં જણાવ્યું કે, તે પહેલેથી જ ક્લાસમાં અવ્વલ રહેતો હતો. તેણે ધો.10 સુધી વલસાડની સરસ્વતી ઇન્ટરનેશન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારે તેણે ધો.10માં સ્કૂલમાં ટોપ કર્યું હતુ. ત્યારબાદ તેણે જેઇઇમાં (JEE) પ્રવેશની ટ્રેનિંગ મેળવવા ધો.11 અને 12 અમદાવાદની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બાદમાં આઈઆઇટીની સીજીપીઆઇ (CGPI) રેન્કમાં પણ નેવીલે ટોપ કર્યું હતુ.

પિતા એગ્રો બિઝનેશમાં અને માતા ગૃહિણી
ધરમપુરના નેવીલના પિતા મનોજભાઇ ચૌહાણ એગ્રો બિઝનેશ સાથે સંકળાયેલા છે. તેઓ તેમના વ્યવસાયમાં સતત કંઇક નવું કરવા પ્રેરાયેલા રહે છે. જ્યારે તેમના માતા શુભાંગીબેન ગૃહિણી છે. ગૃહિણી તરીકે તેમણે ઘર સંભાળવા સાથે પુત્રો પર સતત ધ્યાન આપ્યું અને તેના થકી નેવીલ સફળતાના નવા શિખર સર કરી શક્યો છે. નેવીલનો નાનોભાઇ પણ હાલ ગ્રેજ્યુએશન કરી રહ્યો છે અને ત્યારબાદ આઇઆઇએમમાં (IIM) પ્રવેશ માટે તૈયારી કરી રહ્યો છે.

Most Popular

To Top