Editorial

મોટા એરપોર્ટો પર ભીડભાડ અને અંધાધૂંધી: એક નવી સમસ્યા

છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી એરપોર્ટ પર એક વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે. એરપોર્ટ પર પ્રવાસીઓની ભીડ ખૂબ મોટા પ્રમાણમાં ભેગી થઇ જાય છે અને બેગેજ અને સિકયુરિટી ચેકિંગ કાઉન્ટરો પર લાંબી કતારો જોવા મળે છે. કેટલાક મુસાફરો તો પોતે ફ્લાઇટ ચુકી જશે તેવો ભય પણ અનુભવે છે. દેશના નાગરિક ઉડ્ડયન ઇતિહાસમાં કદાચ આ અભૂતપૂર્વ સ્થિતિ છે. અને ફક્ત દિલ્હી એરપોર્ટ પર જ નહીં પરંતુ મુંબઇ અને બેંગલોર જેવા દેશના અન્ય કેટલાક મોટા શહેરોના એરપોર્ટો પર પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. જો કે દિલ્હી એરપોર્ટની સ્થિતિ વધુ ગંભીર જણાય છે અને સ્થિતિ ત્યાં એટલી હદે વણસી કે ખુદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરપોર્ટની મુલાકાત લઇને સ્થિતિનો કયાસ કાઢવો પડ્યો. એરપોર્ટો પર સર્જાયેલી આ ભીડભાડ અને અંધાધૂંધી માટે મુખ્યત્વે મુસાફરોના અભૂતપૂર્વ ધસારાને જવાબદાર માનવામાં આવે છે જે ધસારાને પહોંચી વળવા માટે આ એરપોર્ટોની બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ અને સિક્યુરિટી ચેકપોઇન્ટો પુરતા સજ્જ ન હતા.

એરપોર્ટો પર આ અરાજકતાની સમસ્યા ખૂબ વકરતા સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આ સ્થિતિની સમીક્ષા કરવી પડી છે અને કેટલાક પગલાઓ નક્કી કરવામાં આવ્યા છે. દિલ્હી સહિત દેશના મહાનગરોના એરપોર્ટો પર મુસાફરોની એકઠી થઇ જતી મોટી ભીડ અને અંધાધૂંધીની સ્થિતિની ગુરુવારે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતા હેઠળ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી અને આ બેઠકમાં એમ જણાવવામાં આવ્યું હતું કે જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટી ભીડભાડના દ્રશ્યો જોવા મળ્યા છે તે દિલ્હી એરપોર્ટ પર સીઆઇએસએફના વધુ ૧૪૦૦ કર્મચારીઓને વ્યવસ્થા જાળવવા ગોઠવવામાં આવશે.

દેશના મોટા એરપોર્ટો, ખાસ કરીને દિલ્હી, મુંબઇ અને બેંગલુરુના એરપોર્ટો પર તાજેતરમાં સર્જાયેલા મોટી ભીડભાડના સંજોગોને હાથ ધરવા માટેના પગલાઓની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ઉડ્ડયન અને ઇમિગ્રેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યાલયોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર ત્રણ ટર્મિનલો -૧,૨ અને ૩ના વિસ્તરણનું તથા કાર્ગો હોલ્ડ એરિયાના વિસ્તરણનું કાર્ય ચાલી રહ્યું છે અને અહીં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ(સીઆઇએસએફ)ના વધુ ૧૪૦૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના ૧૬ જેટલા મોટા એરપોર્ટો પર સુરક્ષા અને વ્યવસ્થા માટેની કામગીરી આ દળ સંભાળે છે. આ ૧૪૦૦ કર્મચારીઓ ઉમેરાવાની સાથે દિલ્હી એરપોર્ટ પર સીઆઇએસએફના પુરુષ અને મહિલા કર્મચારીઓની કુલ સંખ્યા ૬૫૦૦ જેટલી થઇ જશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર દરવાજાઓ ૧૬ પરથી વધારીને ૧૮ કરવામાં આવ્યા છે અને તે હજી વધુ વધારીને ૨૦ કરવામાં આવશે. દિલ્હી એરપોર્ટના ઓપરેટરને એવું પણ કહેવામાં આવ્યું છે કે તે આધૂનિક ૩ડી બેગેજ સ્કેનરો અને ઓટોમેટિક ટ્રે રિટ્રાઇવલ સિસ્ટમો લાવવાની શક્યતા પણ ચકાસે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇનોને જણાવ્યું છે તેઓ તેમના ચેક-ઇન અને બેગેજ ડ્રોપ કાઉન્ટરો પર વધુ કર્મચારીઓને ગોઠવે. એરપોર્ટો પર તાજેતરમાં સર્જાયેલી અરાજકતા માટે ચેક-ઇન અને બેગેજ ડ્રોપ કાઉન્ટરો પર જ મુશ્કેલીઓ વધુ સર્જાતી જણાઇ છે
અને તે સંદર્ભમાં આ સૂચના મહત્વની છે.

કોવિડ-૧૯ના વૈશ્વિક રોગચાળા દરમ્યાન વિશ્વભરમાં હવાઇ વ્યવહાર થંભી ગયો હતો તે રોગચાળો ધીમો પડ્યા બાદ ધીમે ધીમે શરૂ થવા માંડ્યો અને હવે દુનિયાભરમાં હવાઇ ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. ભારતમાં પણ કોરોના રોગચાળા પછી હવાઇ મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થયો છે પરંતુ એવું જણાય છે કે રોગચાળાના પહેલાના સમય કરતા હાલ હવાઇ પ્રવાસીઓની સંખ્યા દેશમાં વધી ગઇ છે. દેશમાં આર્થિક વિકાસ સાથે હવાઇ યાત્રા પરવડે તેવા વર્ગમાં આવતા લોકોનું પ્રમાણ વધ્યું છે અને સ્વાભાવિક રીતે જ આથી હવાઇ પ્રવાસીઓની સંખ્યા વધી છે. હજી તો આગામી સમયમાં દેશમાં હવાઇ પ્રવાસીઓની સંખ્યા ઓર વધશે તેવી પુરી શક્યતા છે તે જોતા દેશના હવાઇ મથકો અને હવાઇ સેવાઓને તેના પ્રમાણમાં સજ્જ કરવા જ પડશે નહીંતર હાલ જોવા મળી તેવી અંધાધૂંધીના દ્રશ્યો વધતા જ જશે.

Most Popular

To Top