Top News

More Posts

   The Latest

Most Popular

સતત આપણી સાથે જ રહેતી હોય એવી આપણી કોઈ પ્રિય ચીજ કે વસ્તુ આપણી નજરથી થોડી વાર માટે પણ ઓઝલ થાય તો આપણે કેવા વિચલિત થઈ જઈએ છીએ.. એક જમાનામાં આપણી પ્રિય વસ્તુમાં શાહીવાળી ફાઉન્ટન પેનનો સમાવેશ થતો હતો. આજે એની જગ્યા મોબાઈલ ફોને લીધી છે, જે જરીક પણ આખોપાછો થાય તો એના વગર આપણે કેવા હવાતિયા મારીએ છીએ…!આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે હવે ધારી લો કે તમારી ગમતી -પ્રિય વસ્તુ પેન કે મોબાઈલ નથી, પણ તમારું સંતાન છે અને એ અચાનક તમારાથી વિખૂટું પડી જાય તો તમે કેવા વિહવળ થઈ ઊઠો..?! આવું થાય તો કોઈ પણ મા-બાપ આકુળ-વ્યાકુળ થઈ જાય.

ચીનના શાહનડોંગ પ્રાંતના ગામમાં રહેતા ગુઓ ગાંગટંગ નામના એક શિક્ષકના ૨ વર્ષના  પુત્રનું એક સવારે કોઈ અપહરણ કરી ગયું. મહિનાઓ સુધી એની શોધખોળ ચાલી. પોલીસ વગેરેએ ગૂમ થયેલા પુત્રને શોધવા ખૂબ પ્રયાસ કર્યા, પણ બે-ત્રણ વર્ષ સુધી સફળતા ન મળી. હારી- કંટાળીને પોલીસે તપાસ પડતી મૂકી, પણ પિતા ગુઓને આશા હતી કે પુત્ર પાછો મળશે. બધા જ કામકાજ છોડીને ગુઓ નીકળી પડ્યા એની મોટરસાઈકલ પર… પુત્ર ગુમ થયો હતો ૧૯૯૭માં..

એક પછી એક પ્રાંતના એક એક શહેર-ગામડાં એ ફરી વળ્યા. પુત્રની શોધમાં દિવસો મહિનામાં અને મહિના વર્ષમાં પલટાતાં ગયા. લાપતા પુત્રનાં કોઈ પગેરું મળતા ન હતા. પુત્રની શોધમાં પિતા ચીનના લગભગ બધા જ પ્રાન્તો ફરી વળ્યા. ૧૦ થી વધુ મોટરસાઈક્લ બદલી-વાપરીને આશરે પાંચ લાખ કિલીમીટર એ ખૂદીં વળ્યા. હતી એટલી બચત વાપરી નાખી. પોતાની જમીન -જગ્યા વેંચી નાખી. સંબંધીઓ-મિત્રો પાસેથી ઉછીના લઈને ય પુત્રની ભાળ માટે એ ભટકતા રહ્યા….

આ  દરમિયાન સરકાર તરફ્થી પણ ખોવાયેલાં કે જેમનાં અપહરણ થયાં હોય અને જેમની લાંબા સમયથી ભાળ ન મળી હોય એવાં બાળકોની જૂની ફાઈલો ફરી ફરીને ઉથલાવી એનાં પગેરું શોધવાની કામગીરી ચાલી રહી હતી. એ વિગતો પર પણ અવારનવાર પેલા પિતા ગુઓ ગાંગટંગ નજર ફેરવી જતા. એમાં અનાથ આશ્રમમાં ઉછરેલા એક યુવાનની વિગતો જાણવા મળી. ન જાણે કેમ એ જ વખતે પિતા ગુઓને થયું એનો લાપતા પુત્ર આ જ છે… એ યુવાનનો DNA ટેસ્ટ થયો ને ત્રણ મહિના પહેલાં જ – આ જુલાઈ મહિનામાં ખરેખર પેલો યુવાન એનો ગુમ થયેલો પુત્ર જ પુરવાર થયો!

બે  વર્ષની ઉમરે એનું અપહરણ થયેલું પછી કોઈ એને અનાથાશ્રમમાં મૂકી ગયેલું, જ્યાં એનો ઉછેર-ભણતર થયું. ભણવાનું પુરુ કરી એ યુવાન ઝિન્હેન પણ શિક્ષક તરીકે જોબ કરતો હતો. આમ  પુત્રની શોધમાં નીકળેલા શિક્ષક પિતાને ૨૪ વર્ષ બાદ એના લાપતા પુત્ર સાથે મેળાપ થયો એ પણ એક શિક્ષકરુપે..! પુત્ર તો હમણા મળ્યો, પણ એ પહેલાં ગુમાવેલા પુત્રની શોધ માટે એક પિતા ગુઓ ગાંગટંગનો તલસાટ અને એની આટલાં બધાં વર્ષોની અવિરત રઝળપાટની કથા પરથી હોલિવુડમાં ‘ લોસ્ટ એન્ડ લવ ’ નામની એક ફિલ્મ પણ બની છે, જે બૉક્સ ઑફિસ પર હીટ પુરવાર થઈ હતી..

 લક્ષ્મી નબળી પડે ત્યારે.

આરાધ્ય દેવ અને દેવસ્થાન પર આપણને અસીમ આસ્થા હોય એ સહજ છે. દેવસ્થાન જેવી જ શ્રધ્ધા હોય છે આપણી બૅન્ક પર, જેના દ્વારા નાણાંકીય વ્યવ્હાર કરીએ અને આપણી બચત પણ સાચવી રાખીએ. અનેકોએ તો પોતાની જીવનભરની બચત નિશ્ચંત મને ત્યાં રાખી હોય છે કે ખરે ટાકણે એ કામ લાગશે-ખાસ તો સંતાનોના શુભ અવસરે કે પછી માંદગી જેવી કટોકટી વખતે… આવું સ્થાન કોઈ પણ કારણસર અચાનક નબળું પડે ત્યારે અનેકના જીવનમાં ભૂકંપ સર્જાતો હોય છે. બૅન્ક કાચી પડે તો અગાઉ આપણી બચત કે મરણ મૂડી સાવ ડૂબી જતી, પણ હવેના નવા સરકારી નિયમોનુસાર ગ્રાહક – ધારકને રુપિયા પાંચ લાખની  રકમ મળે.

છેલ્લા ઘણા સમયથી દેશ છોડીને પલાયન થઈ ગયેલા નીરવ મોદી- મેહુલ ચોકસી- વિજય માલ્યાના પ્રતાપે અને પાપે કેટલીય બૅન્કો કાચી પડી. એમાં કેટલાંય નિર્દોષ લોકોની લાઈફમાં અણધાર્યો યુ-ટર્ન આવી ગયો. તમને થશે : ‘ઈશિતા’એ વળી આ બૅન્ક-પુરાણ ક્યાંથી કાઢ્યું?  વાત એ છે કે બૅન્ક માત્ર આપણે ત્યાં જ ફડચામાં જાય કે નબળી પડે એવું નથી. વિદેશોમાંય આવું થતું રહે છે. તાજો જ દાખલો છે ઈટાલીની એક બૅન્કનો.

ઈટાલીના સિએના સિટીમાં આવેલી આ બૅન્કનું નામ ભલભલાની જીભના ભુક્કા બોલવી દે તેવું છે. સાંભળો : ‘બન્ક મોન્ટે દેઈ પાસચી ડિ સિએના’  આ બૅન્કનું નામ લાંબું-પહોળું છે એ એની એ ખુબી  નથી.આ બૅન્કની વિશેષતા એ છે કે આ બૅન્ક માત્ર ઈટાલીની જ નહીં-વિશ્વ આખાની સૌથી જૂની બૅન્ક છે ! બૅન્કિંગ ઉદ્યોગના પિતામહ ગણાતી આ બૅન્કની સ્થાપના ૧૪૭૨માં થઈ હતી એટલે કે એ ૫૫૦ વર્ષ જૂની છે. પાંચથી વધુ શતક જૂની આ બૅન્કની પ્રતિષ્ઠા આજે પણ સો ટચના સોના જેવી છે, પણ આટલાં દસકાઓ દરમિયાન એણે ઘણી લીલી-સૂકી જોઈ છે. આ વર્ષોમાં પલટાતી આર્થિક-સામાજિક પરિસ્થિતિનો એણે સામનો-અનુભવ પણ એણે કર્યો છે. ઈટાલીના અમીર પરિવારોથી લઈને ગરીબમાં ગરીબ માણસ સુધ્ધાં આ બૅન્કમાં પોતાનું ખાતુ રાખવામાં ગૌરવ સમજે છે. ઈટાલીની પ્રજાના સામાજિક-સાંસ્કૃતિક જીવન સાથે એ એવી ગાઢ રીતે  સંકળાઈ ગઈ છે કે ત્યાંની પ્રજા એને પોતાના પરિવાર-પોતાના અસ્તિત્વનો એક અંશ સમજે છે. મંદી ઉપરાંત છેતરપિંડીના અનેક કિસ્સામાં આ બૅન્ક જાણતા-અજાણતા સંડોવાઈ ગઈ એમાં પારવાર નુક્સાન પણ ભોગવ્યું છે.

આજે પણ અનેક પ્રકારની આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલી આ બૅન્કને ઈટાલીની સરકાર નુક્સાની કરીને પણ ચલાવી રહી છે. જો કે, આ નુકસાની સરકાર પણ લાંબો સમય નહીં ભોગવી શકે. એ સંજોગોમાં અત્યારે આકરી કટૉક્ટીમાંથી પસાર થઈ રહેલી દુનિયાની આ સૌથી જૂની ‘મોન્ટે દેઈ બૅન્ક’ ને ઈટાલીની એક ત્રીજી સૌથી મોટી બૅન્કે ખરીદી લેવાની તૈયારી બતાવી છે. અને હા, આવી પ્રતિષ્ઠત બૅન્કને  ખરીદી લીધા પછી એનું મૂળ નામ પણ બદલવામાં નહીં આવે એવી ખાતરી પણ આપી છે.!

To Top