SURAT

સુરતીઓ તોબા પોકારી ગયા, ખાડામાં રસ્તા શોધવા પડે છે, રિપેરિંગ થયેલા રસ્તાઓ થોડાક જ દિવસમાં પાછા જેમના તેમ

સુરત: (Surat) સુરતમાં 2 દિવસ વરસાદે વિરામ લેતા મનપાએ તાબડતોબ રસ્તાનું રીપેરીંગ શરૂ કરી દીધું હતુ. લગભગ 12 કિ.મી રસ્તાના પેચવર્ક કરાયું પણ છે. 2 દિવસમાં રસ્તા રીપેર કરવા માટે કુલ 821 મેટ્રીક ટન ડામરનો ઉપયોગ કરાયો છે. પણ સુરતીઓને તેનાથી હજી ખાસ રાહત થઈ નથી. શહેરનાં મુખ્યમાર્ગને (Main Road) જોડતા અંદરના રસ્તાઓ પર હજી પરિસ્થિતિ સુધરી નથી. સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 35 કિ.મી રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. અહીં લોકો ખાડાઓથી પરેશાન છે. સેન્ટ્રલ ઝોન ઉપરાંત પણ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર અને બ્રિજ પર એવી હાલત છે કે લોકોને ખાડામાં રસ્તા શોધવા પડે છે. જે જગ્યાએ પેચવર્ક કરાયા કે કપચી નાંખી સમસ્યાનું કામ ચલાઉ નિરાકરણ કરવામાં આવ્યું છે ત્યાં બે જ દિવસમાં ફરી સ્થિતિ જેમની તેમ થઈ ગઈ છે.

  • 64 કરોડના ખર્ચે બનેલા અણુવ્રત દ્વારના બ્રિજ પર પાંચ જ વર્ષમાં ગાબડાં પડી ગયાં, સળીયા દેખાવા લાગ્યા
  • કપચી નાંખી રિપેર કરાયેલા રસ્તાઓ પર વાહનો સ્લીપ થતાં અકસ્માતનો ભય
ઉધના દરવાજા બ્રિજ નીચે પેચવર્કની કામગીરી

સુરત મનપાના મસમોટા ખર્ચે સાકાર થતા પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ કેટલી હદે વ્યાપ્ત છે, તેનો પુરાવો વરસાદથી તૂટી ગયેલા રસ્તા છે. શહેરમાં ધોધમાર વરસેલા વરસાદે મનપાના તંત્ર (Surat Municipal Corporation) અને ભાજપ શાસકોના વિકાસના દાવાની પોલ ખોલી નાંખી છે. ત્યારે હજુ પાંચ વર્ષ પહેલાં જ સાકાર થયેલા અણુવ્રત દ્વાર ફ્લાય ઓવરબ્રિજમાં (Flyover Bridge) મોટા મોટા ખાડા પડી જતાં આ બ્રિજના કામમાં પણ થયેલી લોલમલોલની પોલ ખૂલી ગઈ છે. ધોધમાર વરસાદના પગલે અણુવ્રત દ્વાર ફ્લાય ઓવરબ્રિજ પર મસમોટા ખાડા પડી ગયા હતા. આ ખાડા એટલા મોટા હતા કે, બ્રિજ પરના રસ્તામાં કરાતા વેરિંગ કોટના સળિયા પણ બહાર આવી ગયા હતા. જો કે, મનપાના તંત્ર દ્વારા ચામડી બચાવવા માટે રાતોરાત આ બ્રિજના ખાડાઓનું (Pits) રિપેરિંગ (Reparing) કરી દેવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ-2016માં રૂ.64.36 કરોડના ખર્ચે બનેલા આ ફ્લાય ઓવરબ્રિજના સળિયા માત્ર પાંચ વર્ષમાં દેખાવા માંડે અને મસમોટા ખાડા પડી જાય, મનપાના તંત્રવાહકોએ રાતોરાત તેના પર ઢાંકપીછોડો કરવા રિપેરિંગ કરી દેવું પડે એ વાત જ ઘણું બધુ કહી જાય છે.

અણુવ્રત દ્વાર બ્રિજ રિપેરિંગ પહેલા
અણુવ્રત દ્વાર બ્રિજ રિપેરિંગ પહેલા
અણુવ્રત દ્વાર બ્રિજ રિપેરિંગ પછી

ફક્ત કપચી નાંખી કામ ચલાવાય છે
સુરતની ભોળી જનતા દરેક પરિસ્થિતિમાં જીવવા માટે ટેવાયેલી છે. જેને કારણે રસ્તાઓના ખાડાઓ પર પણ તેઓ જાણે ચંદ્રની ધરતી પર વાહન ચલાવતા હોય તેવો ગર્વ અનુભવે છે. બીજી તરફ પાલિકા રિપેરિંગના નામે ફક્ત કપચી નાંખી પોતાની ફરજ નિભાવી લીધી હોવાનો હાશકારો અનુભવે છે. જોકે કપચીથી વાહન ચાલકોને વધુ મુશ્કેલી થઈ રહી છે. આ કપચીમાં વાહનો સ્લીપ થવાને કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. વરસાદમાં હોટમિક્સ પ્લાન્ટ ન ચાલવાને કારણે ડામરથી રોડ રસ્તાની મરામત કરી શકાતી નથી તેવી છટકબારી કાઢતી પાલિકા વરસાદ ન હોય તે દરમ્યાન પણ રોડ રિપેરિંગના નામે ફક્ત લીપાપોતી કરે છે. જેનો અંદાજો હાલ શહેરના રસ્તાઓની ઉબડખાબડ સ્થિતિ પરથી જ લગાવી શકાય છે.

ઉધના જીવનજ્યોત વિસ્તાર

ડામર હોટમિક્સ પ્લાન્ટ શરૂ થાય તો 10 દિવસમાં રસ્તા રિપેર કરી દઈશું- બી.આર.ભટ્ટ, કાર્યપાલક ઇજનેર, સુરત મનપા

સેન્ટ્રલ ઝોન અને વરાછા ઝોનમાં વધુ ખાડાઓ છે. જો હોટમિક્સ પ્લાન્ટ શરૂ થાય તો આ વિસ્તારોમાં 10 જ દિવસમાં રિપેરિંગ કામ થઈ જશે. હાલ ખાડા વાળા રસ્તાઓનું ફક્ત રિપેરિંગ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં થોડા જ દિવસ ડ્રાય સ્પેલ મળ્યો હતો ત્યારે ડામર પ્લાન્ટ શરૂ કરેલો. જોકે આ બાબતે મિટિંગ કરી સ્ટાફને સૂચના આપી દેવાઈ છે.

Most Popular

To Top