Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાવાની છે. ચાહકો આતુરતાથી મેચની રાહ જોઈ રહ્યા છે કારણ કે અહીં તેઓને માહી ફરીથી મેદાન પર જોવા મળશે. ચાહકો 3 એપ્રિલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની લગભગ 3 વર્ષ પછી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમતા જોવા મળશે. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની પ્રેકિટસ અને ટીમ સાથેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં ધોની પોતાના ચાહકો માટે પોતાના હાથથી ચેપોક સ્ટેડિયમમાં ફ્લેમ ટોર્ચથી ખુરશીઓને પોલીશ કરી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે CSKની ટીમ 3 માર્ચે પ્રેક્ટિસ સેશન માટે ચેપોક પહોંચી છે. ચેન્નઈની પહેલી મેચ 31 માર્ચે ગુજરાત ટાઈટન્સ સાથે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચેપોક એટલે કે હોમ ગ્રાઉન્ડ પર ચેન્નઈની પહેલી મેચ 3 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે થશે. કોરોનાના કારણે ચેપોક સ્ટેડિયમમાં છેલ્લા ત્રણ વર્ષથી આઈપીએલની કોઈ મેચ રમાઈ નથી. હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આખી ટીમ ચેન્નાઈમાં જ તૈયારી કરી રહી છે. ધોની અહીં માત્ર મેચની તૈયારી જ નથી કરી રહ્યો પરંતુ પ્રશંસકોને આવકારવાની પણ તૈયારી કરી રહ્યો છે.

CSKએ ધોનીનો ફની વીડિયો શેર કર્યો છે
ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે ઈન્સ્ટાગ્રામ પર મહેન્દ્ર સિંહ ધોનીનો એક જોરદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધોની કિટ પહેરીને સ્ટેડિયમની સીટોને પેઇન્ટ કરતો જોવા મળ્યો હતો. તેના હાથમાં સ્પ્રે પેઇન્ટ હતો, જેનાથી તેણે પ્રથમ કેટલીક ખુરશીઓ પીળી કરી હતી. પેઇન્ટિંગ કર્યા બાદ ખુરશી પીળા કલરમાં ચમકતી જોઈને ધોની ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. તેમણે આશ્ચર્યચકિત થઈને કહ્યું, આ તો કામ કરે છે. સંપૂર્ણરીતે યલો થઈ ગયું. આ પહેલા CSKએ ધોનીના નેટ્સનો વીડિયો શેર કર્યો હતો. આ સિવાય ટીમના બસનો વીડિયો શેર કર્યો હતો, જેમાં ધોનીએ ડ્વેન બ્રાવોને સીટી વગાડતા શીખવાડી હતી. ચાહકોને ધોનીનો નવો અવતાર જોઈ ચોંકી ગયા હતા તેમજ ચાહકોએ આ વીડિયો ખૂબ જ પસંદ કર્યો હતો.

ધોનીની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે છેલ્લી સિઝન નિરાશાજનક રહી હતી. લીગ રાઉન્ડમાં ટીમ 14માંથી માત્ર ચાર મેચ જીતી શકી હતી. 8 માર્કસ સાથે તે માર્ક ટેબલમાં નવમા સ્થાને રહી હતી. ચાર વખત ચેમ્પિયન બનેલી આ ટીમ આ વખતે વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે. મહેન્દ્ર સિંહ ધોનીની આઈપીએલમાં આ છેલ્લી સિઝન હોઈ શકે છે. એવી અટકળો છે કે ધોની કદાચ છેલ્લી વખત ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર રમતા જોવા મળી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આવી નથી કે આ માહીની છેલ્લી IPL હશે. IPLની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે તેમની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2019માં વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી હતી.

To Top