Columns

શુભ યોગ-સંયોગ વચ્ચે દેશભરમાં ઉજવાશે

સનાતન ધર્મ વ્રત – તહેવારો અને ઉત્સવોની બાબતે ખૂબ સમૃદ્ધ છે. સરેરાશ જોઈએ તો પ્રત્યેક દિવસોનો એક તહેવાર છે. ઉત્સવપ્રિય લોકો વ્રત-તહેવારો અને જન્મદિવસ હોય કે પૂણ્યતિથિ…, સમ્માનપૂર્વક અને રંગેચંગે ઉજવણી કરતા હોય છે. આવતા ગુરુવારે તા.30મી એ ભગવાન શ્રી વિષ્ણુના સાતમા અવતાર રઘુવંશી શ્રી રામનો જન્મદિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવાશે આપણે ત્યાં તો સાવ નાનકડા ગામમાં પણ રામજી મંદિર અવશ્ય હોય છે એટલે કસ્બા, ગામ કે શહેરના તમામ રામમંદિરો રામનવમીની ઉજવણી માટે મંદિરોને તોરણ, ધજા-પતાકા અને લાઈટીંગથી સુશોભિત કરવામાં લાગી ગયા છે.

શ્રી રામ જન્મની ઉજવણી સાથે કેટલાક સ્થળે પૂજન-અર્ચન, હવન, ભજન- કિર્તન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના અવસરે બપોરે બરાબર 12 વાગ્યે જન્મોત્સવના અવસરને માણવા, ભગવાન શ્રી રામના દર્શન કરવા મંદિરોમાં માનવ મહેરામણ ઉમટી પડશે. તીર્થધામોમાં પણ ઉજવાતા રામજન્મની ઉજવણીમાં ભાગ લેવા દર્શનાર્થીઓ અને યાત્રાળુઓએ અગાઉથી જ ટ્રેનમાં રિઝર્વેશન અને રહેવા-જમવાની સગવડો કરી લીધી હોય છે.

અયોધ્યા રામજન્મની ઉજવણી માટે છેલ્લા એક મહિનાથી કાર્યરત છે. ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાનગરી નવી-નવેલી દુલ્હનની જેમ શણગાર સજી રહી છે. મંદિરો, રહેણાંકો, હોટલો, ધર્મશાળાઓ સરકારી ઇમારતો રંગાઈ રહી છે. રસ્તાઓ અને યાત્રાળુઓ માટેના પાર્કિંગની વ્યવસ્થા સાથે તોરણો અને રંગબેરંગી લાઇટોથી અયોધ્યાનગરી સુશોભિત થઈ રહી છે। રામલલ્લાના અસ્થાયી મંદિર પણ દર્શાનાર્થીઓના થનારી ભીડને ધ્યાનમાં લઈ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. રામજન્મભૂમિ પર નવનિર્મિત રામમંદિર 2024ના જાન્યુઆરીમાં તૈયાર થઈને ખુલ્લુ મૂકાશે તેથી અંતિમ તબક્કાઓની કામગીરીમાં વિઘ્ન ના આવે તેવા સુરક્ષાના કારણોસર નૂતન મંદિર પરિસર સુધી ખૂબ જ મર્યાદિત લોકોને જ પ્રવેશ અપાશે. અયોધ્યામાં રામનવમીના ઉપલક્ષ્યમાં કાર્યક્રમો તો ચૈત્ર સુદ એકમથી પ્રારંભ થઇ ચુકયા છે.

ખાસ કરીને કાર્યક્રમના ભાગરૂપે રમત ગમતની સ્પર્ધાઓને પ્રાધાન્ય અપાયુ છે. એ પણ ખો-ખો, કુસ્તી, મલખમ્મ, વોલીબોલ, નૌકા સ્પર્ધા, સાયકલ રેલી અને મેરાથોન દોડ જેવી ભારતીય રમત-ગમતો પર વધારે ધ્યાન અપાયુ છે. જેમાં 500થી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે.  અયોધ્યાના વિશેષ બજેટ ફાળવણી સિવાય પણ યુ.પી. સરકારે ત્યાના દરેક જિલ્લાને રામનવમીના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી માટે એક-એક લાખ રૂપિયા ફાળવ્યા છે. અયોધ્યામાં પણ પ્રતિ વર્ષની જેમ પધારાનારા 10 લાખથી વધુ યાત્રાળુઓ માટે પ્રસાશને સુરક્ષાલક્ષી પોલીસ, અર્ધલશ્કરી દળો ઉપરાંત હંગામી હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થાઓ ગોઠવી છે.

દેશભરમાં ઉજવાતા રામનવમીના આ પર્વ પર અયોધ્યા ઉપરાંત બિહારમાં સીતામઢી કે જે સીતાજીની જન્મભૂમિ છે ત્યાં, આંધ્રપ્રદેશના ભદ્રાચલમના ખૂબ જ વિખ્યાત સીતા રામચંદ્રસ્વામી મંદિર તથા તામિલનાડુના રામેશ્વરમ્ ખાતે પણ રામનવમીની ઉજવણી જબરદસ્ત રીતે ઉજવાય છે.  ભદ્રાચલમનુ સીતા રામચંદ્ર સ્વામીનું મંદિર છે ત્યાં રોજ 5 હજારથી વધુ દર્શનાર્થીઓ આવે છે તે આંકડો રામનવમી પર લાખો પર થઇ જાય છે. એવું જ રામેશ્વરમનું  છે. ભગવાન શ્રી રામે જયોતિર્લિંગ રામેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. ભગવાન શ્રી રામની કથા સાથે જોડાયેલ આ શહેરના મંદિરોમાં બહુ જ ભવ્ય રીતે રામનવમીનો તહેવાર ઉજવાય છે.

આ વર્ષ આવનારુ રામનવમીનું પર્વ અનેક શુભ સંયોગ લઇને આવે છે. પંચાંગ અનુસાર રામનવમી તિથિ 29મી માર્ચે રાત્રે 9.07 કલાકે પ્રારંભ થાય છે જે 30મી માર્ચે રાત્રે 11-30 સુધીની રહેશે. શુભસંયોગની વાત કરી એ તો તા.30મી ને ગુરુવારે સવારે 6-25 કલાકથી સર્વાર્થ સિધ્ધિ યોગ પ્રારંભ થાય છે. જે રાત્રે 10-59 સુધીનો રહેશે. તા. 30મીએ જ અમૃતસિદ્ધિ યોગ પણ સવારે 6-25 થી ચાલુ થશે જે છેક 31મી ને શુક્રવારે સવારે 6-24 કલાક સુધી હશે. ગુરુપુષ્ય યોગ પણ ગુરુવારે 30મીના રોજ સવારે 10-59 કલાકે પ્રારંભ થશે. જે આગલા દિવસે 31મીએ સવારે 6-13 મિનિટ સુધી રહેશે. રવિયોગ રામનવમીને દિવસે આખો દિવસ રહેશે. રામનવમી અને ગુરુવારનો સંયોગ પણ એટલે વિશેષ ગણાય છે કે વિષ્ણુપૂજા માટે ગુરુવારનો દિવસ ઉત્તમ મનાય છે અને ભગવાન રામ એ વિષ્ણુનો અવતાર છે એટલે પાંચ યોગના સંયોગે આવતા આ રામનવમી પર્વનું મહત્વ આ વખતે અધિકાધિક ગણાયછે. જયોતિષશાસ્ત્ર મુજબ રામનવમીના પર્વ પર બુધ, સૂર્ય અને ગુરુ ગ્રહ મીન રાશિમાં હશે. એટલે બુધાદિત્ય નામનો શુભયોગ પણ બને છે. આ યોગને રાજયોગ પણ કહે છે અને રાજયોગ દરમ્યાન ભગવાન શ્રી રામના પૂજા-અર્ચન કરવાને વિશેષ લાભદાયી મનાયુ છે.

રામનવમીના પર્વ પર શનિ સ્વરાશિ કુંભમાં રહેશે અને આ સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે. ગુરુગ્રહનું સ્વરાશિ મીનમાં હોવું એ સંયોગ લાંબા સમય પછી બને છે અને ગુરુ, બુધ અને સૂર્ય એ ત્રણેયનો આપસમાં મિત્રભાવ છે અને તનું સાથે હોવું એ ત્રિગ્રહી યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પર્વ પર ભગવાનશ્રી રામની કૃપા મેળવવા જરૂર પૂજા-અર્ચન, સ્તુતિ પઠન અને યજ્ઞાદિ જે પણ શકય હોય તેવા શુભકાર્યો કરવા જે અત્યંત ફળદાયી ગણાયા છે.

જયોતિષીઓ, પંડિતો અને વિદ્વાનો રામનવમીના પર્વ પર આવતા આ 5 યોગ-સંયોગના અવસરે સૂચવે છે કે અહીં દર્શાવેલ આ 5 વસ્તુઓમાંથી કોઇ પણ એકની જરૂર ખરીદી કરવી જે પારિવારિક, આર્થિક સામાજિક અને વ્યવહારિક સ્થિતિ માટે ખૂબ શુભ અન આશિર્વાદ સમાન રહેશે. (1) પૂજાનો સામાન, કોઈ માંગલિક વસ્તુ, પીળી વસ્તુ કે શકય હોય સોનાની વસ્તુ (2) ચાંદીના હાથી (પ્રતિકાત્મક નાના) ખરીદો (3) હનુમાનજી કે રામ-સીતાજીની મૂર્તિ પણ ખરીદ કરી શકો છો. (4) ઘર માટે સજાવટ કે સુશોભનનો સામાન-સામગ્રી ખરીદો (5) આ શુભ સંયોગો દરમ્યાન વાહન, જમીન, મકાન, દુકાન કે ફેકટરી જેવી ખરીદી કરવાનું વિચારતા હોય આ દિવસે કરો. તમારી શક્તિ મુજબ નાની-મોટી કોઇપણ ખરીદી માટે આ દિવસ ખૂબ શુભ છે.

Most Popular

To Top