Top News

More Posts

   The Latest

Most Popular

પેટલાદ: પેટલાદના કથાકાર દ્વારા હરિદ્વાર ખાતે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસ ચાલનારી આ કથા જ્ઞાન યજ્ઞનો 7મી એપ્રિલથી પ્રારંભ થયો છે. જેમાં રોજેરોજ સંગીતમય કથા સહિત જુદા જુદા ઉત્સવો ઉજવાઇ રહ્યાં છે. હરિદ્વારના ગંગા નદીના તટ ખાતે બંસી બાબા આશ્રમ આવેલો છે. જ્યાં 7મી એપ્રિલથી રોજ ભાગવત કથાનું રસપાન શાસ્ત્રી રિષભભાઈ દવે કરાવી રહ્યા છે. મા ગંગાના તટે પ્રારંભ થયેલા આ કથાના પ્રથમ દિવસે મુખ્ય યજમાન નિલાબેન સુરેશભાઈ પટેલ દ્વારા સર્વાનંદ ઘાટથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જે બંસી બાબા આશ્રમ પહોંચ્યા બાદ કથાનો પ્રારંભ થયો હતો.
અત્યાર સુધીમાં કથાકાર રિષભભાઈ દવે દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના વાગ્મય સ્વરૂપનું મહત્વ, ભગવાન વિષ્ણુના અવતારો, ભાગવતની ઉત્પત્તિ, કુન્તાજીની સ્તુતિ, દાદા ભિષ્મની સ્તુતિ, પરિક્ષિત રાજાનો જન્મ, દક્ષ પ્રજાપતિનું વૃતાંત, વૃષભદેવ મહારાજની કથા, ધૃવજીનો જન્મ, પુરંજન, આખ્યાન, સપ્તમ સ્કંધમાં પ્રહલાદની ભક્તિ, ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય, ગજેન્દ્ર મોક્ષ, વામન અવતાર, રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ વગેરેની સંગીતમય કથા સહિત ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. બાદમાં ગોવર્ધન ઉત્સવ, ભગવાનનું ગોકુળ છોડી મથુરા ગમન, કંસમામાનો વધ, ભગવાન કૃષ્ણના રૂક્ષ્મણી સાથેના ગાંધર્વ વિવાહ, સુદામા ચરિત્ર, સુખદેવ મહારાજ દ્વારા પરિક્ષિત રાજાને મોક્ષ ગમન વગેરે વિષયક કથા આગળ ચાલશે. આ કથાનું સમાપન 13મી એપ્રિલના રોજ થશે. આ સમગ્ર આયોજન મુખ્ય યજમાન નિલાબેન સુરેશભાઈ પટેલ (મૂળ ધર્મજ, હાલ લંડન), તેઓના પુત્ર, હિરેનભાઈ સુરેશભાઈ પટેલ, પુત્રવધુ મોનિકા હિરેનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. કથાની સઘળી તમામ વ્યવસ્થા કથાકાર શાસ્ત્રી રિષભભાઈ દવે, વિપ્ર વૃંદ, મિલન જોષી, વિજય જોષી, પ્રિયંક તપોધન વગેરે દ્ધારા કરવામાં આવી છે.

To Top