Madhya Gujarat

માતર CHC ડોક્ટરના વસો ખાતે આવેલા દવાખાનામાં મહિલાના મોતથી હોબાળો

ખેડા: માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો.રમણ ભરવાડના વસો સ્થિત ખાનગી દવાખાનામાં માતરની એક સગર્ભા મહિલા પ્રસુતી માટે આવી હતી. જ્યાં ઓપરેશન થકી બાળકીને જન્મ આપ્યાં બાદ મહિલા બેભાન થઈ ગઈ હતી. ઘણાં કલાકો સુધી બેભાન રહ્યાં બાદ મોડીરાત્રે મહિલાનું મોત નિપજ્યું હતું. દરમિયાન ડોક્ટરની બેદરકારીને કારણે જ આ મહિલાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપો સાથે પરિવારજનોએ દવાખાનામાં હોબાળો મચાવ્યો હતો. જેને લઈ મામલો ગરમાયો હતો. બીજી બાજુ આ સરકારી ડોક્ટર ગેરકાયદેસર રીતે ખાનગી દવાખાનું ચલાવતો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યાં છે. આ મામલે આરોગ્યતંત્ર દ્વારા તપાસ કરી, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ખેડાના ભાઠા વિસ્તારમાં રહેતાં 22 વર્ષીય વર્ષાબેનના લગ્ન માતરના ભાવેશભાઈ ચૌહાણ સાથે થયાં હતાં. સુખી લગ્નજીવન દરમિયાન વર્ષાબેન ગર્ભવતિ બન્યાં હતાં. રવિવારના રોજ સગર્ભા વર્ષાબેનને એકાએક ડિલેવરીને લગતો દુખાવો ઉપડતાં, પરિવારજનો તેમને લઈને માતર સીએચસી કેન્દ્ર ગયાં હતાં. જોકે, ફરજ પરના કર્મચારીએ સગર્ભા વર્ષાબેનને માતર સીએચસીના જ ડો.રમણભાઈ રઈજીભાઈ ભરવાડના વસો સ્થિત ખાનગી દવાખાને લઈ જવા જણાવ્યું હતું. જેથી પરિવારજનો સગર્ભા વર્ષાબેનને લઈને વસો ખાતે ડો.રમણ ભરવાડના દવાખાને ગયાં હતાં.

જ્યાં ડો.રમણ ભરવાડે ફાઈલ જોતાં, તારીખ વિતી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ડોક્ટરે બે-ચાર કલાક રાહ જોવા જણાવ્યું હતું અને જો નોર્મલ ડિલેવરી ના થાય તો, પછી ઓપરેશન કરીશું તેમ કહ્યું હતું. આ અંગે ડોક્ટરના જણાવ્યાં મુજબ, પરિવારજનોએ બે-ત્રણ કલાક સુધી રાહ જોઈ હતી. પરંતુ, નોર્મલ ડિલેવરી થઈ ન હતી. બીજી બાજુ સગર્ભા વર્ષાબેનને દુખાવો ખુબ જ થતો હતો. જેથી પરિવારજનોએ ઓપરેશન કરવા જણાવ્યું હતું. જે બાદ જરૂરી લેબોરેટરી ટેસ્ટ કરાવ્યાં બાદ, ડો.રમણ ભરવાડે સગર્ભા વર્ષાબેનનું ઓપરેશન કર્યું હતું.

જેમાં વર્ષાબેને બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ, ઓપરેશન બાદ વર્ષાબેન પોતે બેભાન અવસ્થામાં ધકેલાઈ ગયા હતાં. ઘણાં કલાકો બાદ પણ તેઓ ભાનમાં ન આવતાં, પરિવારજનોએ આ બાબતે ડોક્ટર સાથે વાતચીત કરી હતી. જેમાં ડોક્ટરે થોડા કલાકોમાં દર્દી ભાનમાં આવી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ, વર્ષાબેન ભાનમાં આવ્યાં જ ન હતાં અને મોડી રાત્રે તેઓને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. એકાએક વર્ષાબેનના મોતના સમાચાર સાંભળીને પરિવારજનોમાં રોષ ભડક્યો હતો. રોષે ભરાયેલાં પરિવારજનોએ ડો.રમણ ભરવાડ ઉપર ગંભીર આક્ષેપો મુક્યાં હતાં અને વર્ષાબેનનું મોત ડોક્ટરની બેદરકારીને કારણે જ થયું હોવાથી લાશ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેને પગલે દવાખાનામાં ભારે હોબાળો મચ્યો હતો. જોકે, પોલીસની ટીમે દવાખાનામાં પહોંચી મામલો થાળે પાડ્યો હતો. આ અંગે ડો.રમણ ભરવાડે જણાવ્યું હતું કે, મેં જાતે જ વર્ષાબેનનું ઓપરેશન કર્યું હતું. સફળ ઓપરેશન થકી વર્ષાબેને દિકરીને જન્મ આપ્યો હતો. પરંતુ, રાત્રીના સમયે સડન કાર્ડિયાક આવવાથી વર્ષાબેનનું હૃદય બંધ પડી ગયું અને મોત નિપજ્યું હતું. ઓપરેશનમાં કોઈ ખામી ન હતી.

ફોરેન્સિક તપાસ અને પેનલ ડોક્ટરથી પી.એમ કરવાની શરતે પરિવારજનોએ લાશ સ્વીકારી
વર્ષાબેન ચૌહાણના મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ દવાખાનાના ડો.રમણ ભરવાડ ઉપર આક્ષેપો મુકી ભારે હોબાળો મચાવ્યો હતો અને લાશ સ્વીકારવાની ના પાડી દીધી હતી. જેને પગલે મામલો ગરમાયો હતો. જોકે, સમજાવટ બાદ મૃતકના પરિવારજનોએ આ મામલે ફોરેન્સિક તપાસ તેમજ પેનલ ડોક્ટરથી પી.એમ કરવાની શરતે વર્ષાબેનની લાશ સ્વીકારી હતી. હાલ, વર્ષાબેનની લાશને પેનલ પી.એમ માટે અમદાવાદ મોકલી આપી હોવાનું જાણવા મળેલ છે.

મારી પુત્રવધુ કલાકો સુધી બેભાન રહી, પરંતુ સારવાર ન કરી
આ મામલે મૃતક વર્ષાબેનના સસરાં નટવરભાઈ શકરાભાઈ ચૌહાણ દવાખાનાના ડો.રમણ ભરવાડ ઉપર આક્ષેપ કરતાં જણાવે છે કે, મારી પુત્રવધુ વર્ષા બાળકીને જન્મ આપ્યાં બાદ બેભાન થઈ ગઈ હતી. કલાકો સુધી તે બેભાન રહી હતી. જેથી વર્ષા ક્યારે ભાનમાં આવશે તે બાબતે અમે ડો.રમણ ભરવાડને પુછ્યું પણ હતું. પરંતુ, ડો.રમણ ભરવાડે ભાનમાં આવી જશે તેમ જણાવી કોઈ સારવાર કરી ન હતી.

ડો.રમણ ભરવાડ અને માતર સી.એચ.સીના કર્મચારીઓની મીલીભગત ?
સગર્ભા વર્ષાબેનને ડિલેવરીનો દુખાવો ઉપડતાં તેમના પરિવારજનો સારવાર અર્થે માતર સી.એચ.સીમાં લઈ ગયાં હતાં. જોકે, ત્યાં ફરજ બજાવતાં કર્મચારીએ તેઓને સારવાર અર્થે વસોમાં આવેલ ડો.રમણ ભરવાડના દવાખાને મોકલ્યાં હતાં. જેને લઈ રમણ ભરવાડ અને માતર સી.એચ.સીના કર્મચારીઓ વચ્ચે મીલીભગત હોવાના આક્ષેપો ઉઠી રહ્યાં છે. આ ઉપરાંત, ડો.રમણ ભરવાડ પોતાના ખાનગી દવાખાનામાં દર્દીઓ મોકલવાના બદલામાં આ કર્મચારીઓને કમિશન આપતાં હોવાની વાતો પણ વહેતી થઈ છે.

Most Popular

To Top