Editorial

ભાજપની લોકસભાની તૈયારી શરુ થઇ ગઈ ને કૉંગ્રેસ હજી ફાફા મારે છે

તમે હવે ભાજપના સાંસદ જ નથી, પણ પાર્ટીના બ્રાન્ડ એમ્બેસેડર છો! આ તમારી પોસ્ટ અને બાયોમાં દેખાવું જોઈએ. એટલું જ નહીં, સાંસદે કરેલી પોસ્ટ પર કોઈ યૂઝર નેગેટિવ કમેન્ટ કરે તો સાંસદે તેને સમજાવવાની કોશિશ કરવી જોઈએ. તેનાંથી આગળ નેગેટિવે કમેન્ટ કરનારી વ્યક્તિનો ફોનથી સંપર્ક કરીને તેને સમજવાની કોશિશ પણ થવી જોઈએ, એવું તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડાએ કહ્યું છે. આવું નડ્ડા ભાજપની સોશિયલ મીડિયા ટીમ માટે યોજેલી કાર્યશાળામાં ભાગ લેતી વખતે બોલ્યાં હતા. હવે આગામી દિવસોમાં સોશિયલ મીડિયા પર ભાજપ અને નરેન્દ્ર મોદી છવાયેલા રહે તો નવાઈ ન પામતા. 2024 માટે સોશિયલ મીડિયા કેમ્પઇન માટેની ટીમની આ કાર્યશાળામાં કાર્યકરોને સજ્જ થવાનું કહી દેવામાં આવ્યું છે.

આ કાર્યશાળામાં એવી સૂચના આપવામાં આવી છે કે – તમારી ટીમમાં વધુને વધુ સોશિયલ મીડિયા વોરિયર્સની ભરતી કરો, ઈનફ્લુએન્સર સાથે વાતચીત કરો, પીએમ મોદીના નેતૃત્વ હેઠળના ‘ફીલ-ગુડ’ને દરેક જગ્યાએ ફેલાવો, જે રાજ્યોમાં ચૂંટણી આવી છે ત્યાં પોલિટિકલ કન્ટેન્ટ ફેલાવો, ઇન્સ્ટાગ્રામ અને યૂ ટ્યૂબ રીલ્સ દ્વારા મિલેનિયલ્સને આપણી સાથે જોડો. 2024ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો આઉટરીચ વધારવા માટે ભાજપના નેતાઓએ તેમના સાંસદો અને નેતાઓને આવી સૂચનાઓ આપી છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના ટોચના નેતૃત્વએ તેના સોશિયલ મીડિયા વડાઓ, સાંસદોના અંગત સ્ટાફ અને સ્વયંસેવકો માટે આયોજિત બે દિવસીય વર્કશોપમાં ભાગ લીધો હતો. અહીં તેમને લોકો સાથે જોડાવા અને વાતચીત કરવા માટે ટવીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્કશોપનું ઉદ્ઘાટન કરતાં ગઈકાલે નડ્ડાએ સાંસદોને જણાવ્યું હતું કે દરેક સાંસદે માત્ર રોજિંદી ગતિવિધિઓ પર જ નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો અને સરકારની લોકપ્રિય યોજનાઓને  સોશિયલ મીડિયા પર  ભાષામાં લોકો સુધી પહોંચાડવું જોઈએ. આ બધા વિષયો પર હવે સાંસદોએ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કારણ કે સાંસદો પાર્ટીના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ઉપરાંત નડ્ડાએ સાંસદોને તેમના ટવીટર હેન્ડલ પર કન્ટેન્ટની ગુણવત્તા જાણવા માટે તેમના સોશિયલ મીડિયા કર્મચારીઓ સાથે નિયમિતપણે વાતચીત કરવા માટે પણ સૂચન કર્યું હતું.

વર્કશોપમાં હાજરી આપનાર એક સોશિયલ મીડિયા હેડએ જણાવ્યું હતું કે ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ ટેકનિકલ પાસાઓ પર વાત કરી હતી. આ સાથે તેમના ભાષણમાં સૌથી વધુ વજન એ બાબતને આપવામાં આવ્યું હતું કે કેવી રીતે નેટીઝન્સ તેમની સાથે જોડાયેલા રહે અને આઉટરીચ કેવી રીતે વધારવી. તેમણે સાંસદોને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહત્તમ રાજકીય અને ગુણવત્તાયુક્ત કન્ટેન્ટનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

સાંસદોના સોશિયલ મીડિયા અધિકારીઓને એક દિવસમાં વધુમાં વધુ કન્ટેન્ટ પોસ્ટ કરવાનું કહીને માલવિયાએ ખેદ વ્યક્ત એવું કહી દીધું હતું કે – પાર્ટીના મોટાભાગના સાંસદો લોકો પર મોટો રાજકીય પ્રભાવ ઉભો કરી શકે એવું કન્ટેન્ટ પોસ્ટ કરવામાં નિષ્ફળ જાય છે.

એક  ઉદાહરણ આપતા માલવિયાએ કહ્યું કે, 2008ના જયપુર સિરિયલ બ્લાસ્ટના એક આરોપીને તાજેતરમાં રાજસ્થાનમાં છોડવામાં આવ્યો હતો, પરંતુ મોટાભાગના સાંસદો અશોક ગેહલોત સરકારને ઘેરવા માટે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ મુદ્દો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે સાંસદોને યૂ ટ્યૂબ પર ફોક્સ કરવા ખાસ કહ્યું, તેમનું કહેવું હતું કે –  આ પ્લેટફોર્મની વ્યુઅરશિપ દિવસેને દિવસે વધી રહી છે. આઈટી સેલના વડાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે પાર્ટીના ખુબ ઓછા સાંસદો પાસે પોતાની યૂ ટ્યૂબ ચેનલ છે!

વર્કશોપનું એક સત્ર ‘નમો એપ’ને સમર્પિત હતું. આ એપ યુઝર્સને મોદી સરકારની પહેલો અને સિદ્ધિઓ વિશે અપડેટ રાખે છે. વર્કશોપમાં ભાગ લેનારા સૂત્રોએ એવું પણ કહ્યું હતું કે પક્ષના નેતૃત્વએ તેમને કહ્યું છે કે લોકો એપ પર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ઘણી સરળ વ્યવસાય લક્ષી યોજનાઓ અને સુવિધાઓ વિશે જાણતા નથી. જેમ કે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર આપવાની સરળ પ્રક્રિયા વગેરે. આ વિષે આપણે જાગૃતતા લાવવી પડશે. તેમણે કહ્યું કે આવી સુવિધાઓ વિશેની માહિતી નમો એપ પર પોસ્ટ કરવી જોઈએ.

અને સાંસદોને એ સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું હતું કે લોકોના જીવનને અસર કરતી આવી અનોખી પહેલ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે. અન્ય એક સૂત્રએ કહ્યું કે સોશિયલ મીડિયાના ઇન્ચાર્જને પીએમના કાર્યને શક્ય તેટલું પ્રમોટ કરવા માટે નવા આઈડિયા લઈને આવવા માટે કહેવામાં આવ્યું હતું, ઉપરાંત સોશિયલ મીડિયા પર વિવિધ રાજ્યોમાં ભાજપ સરકારો દ્વારા કરવામાં આવેલા લોકપ્રિય વિકાસ કાર્યોને ફેલાવવા માટે ભાર દઈને સૂચન આપવામાં આવ્યું હતું.

પક્ષના નેતૃત્વએ આ કાર્યશાળામાં એવો નિર્દેશ કર્યો હતો કે – ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ – ટવીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વિવિધ ટાર્ગેટ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને થવો જોઈએ. આજની યુવાપેઢીને જોડવા માટે ઇન્સ્ટાગ્રામનો વધુમાં વધુ ઉપયોગ કરો. ઉપરાંત ગ્રાફિક્સ સાથે તથ્યોને લોકો સુધી પહોંચાડવા માટે ટવીટરનો ઉપયોગ કરો, જયારે સ્થાનિક ભાષાઓની વિશાળ શ્રેણી સુધી પહોંચવા માટે ફેસબુકને હેન્ડલ બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

Most Popular

To Top