Comments

રશિયા-યુક્રેન યુદ્ધના ૪૦૦ દિવસ – બખ્મુત મોરચે ખરાખરીની લડાઈ

રશિયા-યુક્રેન યુદ્ધને ૪૦૦થી વધુ દિવસ થઈ ગયા છે. દાયકાઓથી તટસ્થ રહ્યા પછી, ફિનલેન્ડ આખરે નાટોમાં જોડાનાર ૩૧મો દેશ બન્યો છે, જે યુક્રેન પર રશિયાના આક્રમણને આભારી છે. નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે સ્પષ્ટ કર્યું હતું કે નાટો એ પણ સુનિશ્ચિત કરશે કે સ્વીડન, જેની સદસ્યતા નાટોના સભ્યો તુર્કી અને હંગેરી દ્વારા રોકી રાખવામાં આવી છે, તે પણ તેમાં જોડાય. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાના સાથી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને કિવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી બંને નેતાઓએ વાત કરી નથી, જિનપિંગે તાજેતરમાં મોસ્કોની મુલાકાત લીધી અને યુક્રેનમાં શાંતિ માટે રોડમેપનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમેરિકન અધિકારીઓ યુક્રેન યુદ્ધમાં ચીન રશિયાને મદદ કરવા પ્રયાસ કરશે એવી જે આશંકા સેવી રહ્યા હતા તેને સાચી પાડતા યુક્રેને જાહેર કર્યું કે તેણે પૂર્વી યુક્રેનમાં સ્લોવિઆન્સ્ક નજીક ચીન દ્વારા નિર્મિત ડ્રોનને તોડી પાડ્યું છે. બીજી બાજુ ચીનને આશા છે કે રશિયા અને યુક્રેન શાંતિ મંત્રણા કરશે, ચીનના વિદેશમંત્રી કિન જેંગે તેમના યુક્રેનિયન સમકક્ષ દિમિત્રો કુલેબા સાથે ફોન પર આ અંગે વાત કરી હતી.
યુદ્ધ મોરચે યુક્રેનિયન શહેર બખ્મુત માટેની લડાઈ ચાલુ છે. યુક્રેનિયન સેના રણમેદાનમાં રશિયાના હુમલાઓનો મજબૂતાઈથી સામનો કરી રહી છે.

મીઠાના ખાણકામ માટે પ્રખ્યાત બખ્મુત શહેર જે પૂર્વી યુક્રેનનો ભાગ છે તેણે તાજેતરમાં રશિયન હુમલાઓને કારણે ભારે ખુવારી વેઠી છે. રશિયા બખ્મુતને કબજે કરવા પૂરી તાકાતથી લડી રહ્યું છે પણ યુક્રેન પીછેહઠ કરવા તૈયાર નથી. બખ્મુતનું યુદ્ધ બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપનું સૌથી લોહિયાળ પાયદળ યુદ્ધ બની ગયું છે. રશિયન દળોએ શહેરના પૂર્વીય ભાગ પર કબજો જમાવ્યો છે પરંતુ બખ્મુતને ઘેરી લેવામાં અને યુક્રેનિયન સૈનિકોની સપ્લાય લાઇન કાપી નાખવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. યુકેની મિલિટરી ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈનિકોએ રશિયન દળોને તેમના બખ્મુત તરફના મુખ્ય સપ્લાય રૂટથી સફળતાપૂર્વક પાછળ ધકેલી દીધા છે અને બખ્મુત શહેરમાં રશિયન હુમલાઓ ઓછા થઈ રહ્યા છે.

અમેરિકાએ યુક્રેન માટે લશ્કરી સહાયના ૨.૬ બિલિયન ડોલરનું પેકેજ જાહેર કર્યું છે જેમાં ત્રણ એર સર્વેલન્સ રડાર, ટેન્ક વિરોધી રોકેટ અને ઇંધણ ટ્રકનો સમાવેશ થાય છે. જર્મનીએ યુક્રેન માટે શસ્ત્રો અને સાધનો ખરીદવા માટે લગભગ ૮ બિલિયન યુરો (૮.૭ બિલિયન ડોલર)નું વચન આપ્યું છે. યુક્રેન સંઘર્ષને લઈને આગામી દાયકામાં જર્મની દ્વારા લગભગ ૧૨ બિલિયન યુરો (૧૩ બિલિયન ડોલર) આપવામાં આવશે. સ્પેનિશ સંરક્ષણ પ્રધાન માર્ગારીતા રોબલ્સે જણાવ્યું હતું કે એપ્રિલની શરૂઆતમાં સ્પેન યુક્રેનમાં છ જર્મન બનાવટની 2A4 લેપર્ડ ટેન્ક મોકલશે. પોલેન્ડે આગામી દિવસોમાં યુક્રેનને ચાર MIG-29 ફાઈટર જેટ મોકલવાનું નક્કી કર્યું છે. પોલેન્ડે શંકાસ્પદ રશિયન જાસૂસી ટોળકીમાંથી નવ લોકોની અટકાયત કરી હોવાની પણ જાહેરાત કરી હતી જેઓ યુક્રેનના શસ્ત્ર પુરવઠાને ખોરવવાની યોજના બનાવી રહ્યા હતા. પોલેન્ડના પગલે સ્લોવાકિયાના વડાપ્રધાન એડ્યુઅર્ડ હેગરે પણ તેના ૧૧ નિવૃત્ત મિગ-૨૯ ફાઇટર જેટના કાફલાને યુક્રેન મોકલવાની મંજૂરી આપી છે.

યુનાઇટેડ નેશન્સની તપાસ સંસ્થા, ‘ઇન્ડિપેન્ડન્ટ ઇન્ટરનેશનલ કમિશન ઑફ ઇન્ક્વાયરી’દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ ઘણા બધા વોર ક્રાઇમ્સ કર્યા છે. જોકે રશિયાએ આ અહેવાલને ફગાવી દીધો છે. ઉપરાંત યુનાઇટેડ નેશન્સે કહ્યું કે તે કાળા સમુદ્રના માર્ગે યુક્રેનિયન અનાજની નિકાસ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા શક્ય તે બધુ કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનિશ્ચિતતાનો સામનો કરતા દેશો માટે અપવાદરૂપે નવા લોન પ્રોગ્રામ્સને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. આ દ્વારા યુક્રેન માટે નવા લોન પ્રોગ્રામનો માર્ગ મોકળો થશે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top