Columns

મરાઠા નેતા શરદ પવાર કેમ ગૌતમ અદાણીની તરફેણ કરી રહ્યા છે?

ભારતીય રાજકારણના જૂના જોગી શરદ પવારે અદાણી પ્રકરણ બાબતમાં જેપીસી દ્વારા તપાસ કરવાની વિપક્ષી માગણી સાથે સંમત ન થઈને વિપક્ષી એકતામાં ભંગાણ પાડી દીધું છે. શરદ પવારની ગણતરી રહસ્યમય રાજકારણ કરનારા નેતા તરીકે થાય છે. ભારતના વેરવિખેર વિપક્ષોને જ્યારે સંગઠિત થવા માટે માંડ માંડ કોઈ નક્કર મુદ્દો મળ્યો હતો ત્યારે કદાવર નેતા ગણાતા શરદ પવારે અદાણી માટે કૂણી લાગણી પ્રદર્શિત કરીને વિપક્ષી એકતામાં પંચર પાડવા ઉપરાંત ભાજપની છાવણીમાં આનંદની લાગણી પેદા કરી છે.

શરદ પવારના ભત્રીજા અને એનસીપીના નેતા અજીત પવારે તેમના કાકાની વાતમાં ટાપસી પૂરાવતાં જાહેર કર્યું છે કે શરદ પવારનો જે અભિપ્રાય છે તે પાર્ટીનો અભિપ્રાય છે. આશ્ચર્યજનક રીતે શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ શરદ પવારની જેમ ગૌતમ અદાણીની તરફેણ કરતાં આ બાબતમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ એકલી પડી ગઈ છે. મહારાષ્ટ્રમાં તો તેને કારણે કોંગ્રેસ-એનસીપી વચ્ચેની યુતિ તૂટી પડે તેવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. વર્ષ ૨૦૨૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં શરદ પવાર પાટલી બદલીને કદાચ ભાજપ સાથે કુલડીમાં ગોળ ભાંગવાની તૈયારી કરી રહ્યા છે.

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના  વડા શરદ પવાર ગૌતમ અદાણી મુદ્દે અન્ય વિપક્ષોથી અલગ થઈ ગયા છે. તેનું એક કારણ એ પણ છે કે ગૌતમ અદાણી અને તેમની મિત્રતા લગભગ બે દાયકા જૂની છે. જ્યારે અદાણી કોલસા ક્ષેત્રમાં પા પા પગલી ભરી રહ્યા હતા ત્યારે શરદ પવારે પણ વર્ષ ૨૦૧૫માં પ્રકાશિત તેમની મરાઠી આત્મકથા ‘લોક ભુલભૂલૈયા સંગતિ’ માં અદાણીની ખૂબ પ્રશંસા કરી હતી. શરદ પવારે તેમના પુસ્તકમાં અદાણીનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે, તેઓ ભૂમિ સાથે જોડાયેલ એક મહેનતુ અને સરળ માણસ છે. મરાઠા નેતાએ એમ પણ લખ્યું હતું કે અદાણી તેમના કહેવા પર જ થર્મલ પાવર સેક્ટરમાં પ્રવેશ્યા હતા.

શરદ પવારે તેમના પુસ્તકમાં વર્ણન કર્યું છે કે કેવી રીતે અદાણીએ હીરા ઉદ્યોગમાં પોતાનું નસીબ અજમાવતાં પહેલાં નાની જગ્યાએ કામ કરીને મુંબઈના લોકોમાં સેલ્સમેન તરીકે પોતાનું કોર્પોરેટ સામ્રાજ્ય ઊભું કર્યું. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ગૌતમ અદાણી હીરા ઉદ્યોગમાં સારી કમાણી કરતા હતા, પરંતુ તેમને તેમાં રસ નહોતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પ્રવેશવાની તેમની મહત્ત્વાકાંક્ષા હતી. ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ સાથે તેમના સારા સંબંધો હતા અને તેમણે મુંદ્રા ખાતે બંદર વિકસાવવાની દરખાસ્ત કરી હતી. તેમણે યાદ કર્યું કે ચીમનભાઈ પટેલે ગૌતમ અદાણીને ચેતવણી આપી હતી કે મુંદ્રા બંદર પાકિસ્તાન સરહદની નજીક અને સૂકા પ્રદેશમાં છે.

આમ છતાં અદાણીએ પડકાર સ્વીકાર્યો હતો. શરદ પવારે લખ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રના ગોંદિયામાં એનસીપી નેતા પ્રફુલ પટેલના પિતાની પુણ્યતિથિ પર એક કાર્યક્રમ દરમિયાન ગૌતમ અદાણીને આ સૂચન કર્યું હતું, જ્યારે તેઓ તત્કાલીન કેન્દ્રીય કૃષિપ્રધાન હતા. ગૌતમ અદાણીએ તેમના એક ભાષણમાં તેમના સૂચનનો સ્વીકાર પણ કર્યો હતો. શરદ પવારે પોતાની આત્મકથામાં મહારાષ્ટ્રમાં વિકાસને આગળ ધપાવવા માટે ઘણા ઉદ્યોગપતિઓ સાથે ગાઢ સંબંધો કેવી રીતે વિકસાવ્યા તે વિશે વાતો કરી હતી.

મરાઠા નેતા શરદ પવાર ૮૨ વર્ષના થયા છે. તેઓ જડબાના કેન્સરથી પીડાઈ રહ્યા છે. શરદ પવાર શું બોલે છે? તે કેટલાક મરાઠી પત્રકારો સિવાય ભાગ્યે જ કોઈ સમજી શકે છે. તેમ છતાં ભારતના રાજકારણમાં શરદ પવારને કોઈ હળવાશથી લઈ શકે તેમ નથી. તેમણે જે કંઇ કહેવું હોય તે તેઓ સોઇ ઝાટકીને કહી શકે છે અને તેમની વાતમાં દૂરંદેશી હોય છે. જો રાજકારણીઓ અને રાજકીય નિરીક્ષકો પોતાના મર્યાદિત ચશ્માં વડે શરદ પવારને નિહાળવાની કોશિશ કરશે તો તેઓ થાપ જ ખાઈ જશે. ૨૦૧૪માં જ્યારે ભાજપ-શિવસેના વચ્ચે સરકાર સ્થાપવાની બાબતમાં મતભેદો હતા ત્યારે શરદ પવારે ભાજપને બિનશરતી ટેકો આપીને સરકાર બનાવવામાં મદદ કરી હતી.

પાછળથી શિવસેનાને પણ સરકારમાં જોડાવાની ફરજ પડી હતી. ૨૦૧૯માં ફરી મહારાષ્ટ્રમાં ત્રિશંકુ વિધાનસભા બની ત્યારે શરદ પવારના ભત્રીજા અજીત પવારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવિસ સાથે કુલડીમાં ગોળ ભાંગીને સરકાર બનાવી કાઢી હતી. આ સરકારને શરદ પવારના આશીર્વાદ નહોતા, માટે ચાર દિવસમાં તેનું પતન થયું હતું. પાછળથી શરદ પવારે કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ગઠબંધન કરીને મહાવિકાસ અઘાડીની સરકારની સ્થાપનામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. હવે મહાવિકાસ અઘાડીની સરકાર તૂટી પડી છે ત્યારે શરદ પવાર ફરી ગુંલાટ મારવાની તૈયારીમાં છે. શરદ પવાર એક સમયે કોંગ્રેસના મહારથી ગણાતા હતા.

સ્વ.રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યારે વડા પ્રધાન તરીકે જે ત્રણ નામો વિચારવામાં આવ્યાં હતાં તેમાં પી. નરસિંહરાવ, શરદ પવાર અને એન.ડી. તિવારી હતાં. તેમાંથી નરસિંહ રાવ વડા પ્રધાન બન્યા અને શરદ પવારને કેબિનેટમાં નંબર-ટુનું સ્થાન આપીને સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ઇ.સ.૧૯૯૯માં શ્રીમતી સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને નેશનલિસ્ટ કોંગ્રેસ પક્ષની રચના કરી હતી. જ્યારે તેમને લાગ્યું કે તેમનો પક્ષ ભવિષ્યમાં ક્યારેય કોંગ્રેસનો વિકલ્પ બની શકે તેમ નથી ત્યારે શ્રીમતી સોનિયા ગાંધીનું નેતૃત્વ સ્વીકારીને ઇ.સ.૨૦૦૪માં તેઓ યુપીએ સરકારમાં જોડાઇ ગયા.

ત્યારે શરદ પવારની ઇચ્છા સંરક્ષણ કે ગૃહ મંત્રાલય જેવો મહત્ત્વનો હોદ્દો શોભાવવાની હતી, પણ પોતાની મર્યાદા સ્વીકારીને તેમણે કૃષિ મંત્રાલયથી સંતોષ માનવો પડ્યો હતો. શરદ પવારની મહત્ત્વાકાંક્ષા દેશના વડા પ્રધાન બનવાની હતી, છે અને રહેશે. પરંતુ નસીબ તેમનો સાથ આપતું નથી. ઇ.સ.૧૯૯૯માં શરદ પવારે જ્યારે કોંગ્રેસ છોડીને નેશનલિસ્ટ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી ત્યારે તેમણે એવી ગણતરી રાખી હતી કે કોંગ્રેસીઓ શ્રીમતી સોનિયા ગાંધીનું નેતૃત્વ છોડીને તેમની સાથે આવી જશે અને તેમની કોંગ્રેસ અસલ કોંગ્રેસ બની જશે. આ તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. કોંગ્રેસીઓ નહેરુ-ગાંધી પરિવારની છત્રછાયામાંથી બહાર નીકળવા તૈયાર ન થયા અને શરદ પવાર તેમના પક્ષમાં એકલા પડી ગયા હતા. તેમ છતાં મહારાષ્ટ્રને શિવસેના-ભાજપના હાથમાં જતું અટકાવવા માટે કોંગ્રેસે શરદ પવારના એનસીપી સાથે યુતિ કરવી પડી હતી.

શરદ પવાર કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવતા હોય તો પણ તેમણે કાયમ માટે ઉદ્યોગપતિઓનો પક્ષ લીધો છે. મહારાષ્ટ્રમાં ટાટા, બિરલા, બજાજ, અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓને સવલતો આપીને શરદ પવારે મહારાષ્ટ્રને દેશનું પહેલા નંબરનું ઔદ્યોગિક રાજ્ય બનાવ્યું છે. શરદ પવાર વાતો કિસાનોના અને મજૂરોના કલ્યાણની કરે છે, પણ કાયમ ઉદ્યોગપતિઓની તરફેણ કરે છે. તેમના પક્ષને મળતાં કરોડો રૂપિયાના ભંડોળનો મુખ્ય સ્રોત પણ ઉદ્યોગપતિઓ જ છે. ૨૦૨૨ના જૂનમાં ગૌતમ અદાણીએ શરદ પવાર પ્રેરિત સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવા માટે બારામતીની મુલાકાત લીધી હતી. ત્યારે શરદ પવારના ભત્રીજાના પુત્ર રોહિત પવાર પોતે કાર ડ્રાઇવ કરીને ગૌતમ અદાણીને સ્થળ પર લઈ આવ્યા હતા. શરદ પવારે ઉદ્યોગપતિઓનું નમક ખાધું છે, માટે તેઓ કોઈ સંયોગોમાં નમકહરામ થશે નહીં.

Most Popular

To Top