SURAT

મનપાની સિટી બસનો વધુ એક વિવાદ: ડ્રાઇવરે સિટી બસ ડિવાઈડર પર ચડાવી દીધી

સુરત: (Surat) સુરત શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી સિટી બસ (City Bus) અને બીઆરટીએસ (BRTS) બસોની સુવિધા યેન કેન પ્રકારે વિવાદોનું કેન્દ્ર બનતી હોય છે. શહેરના રસ્તાઓ પર બેફામ દોડતી બસોને કારણે છાશવારે નોંધાતી અકસ્માતની ઘટનાઓ વચ્ચે વધુ એક વખત પાલનપુર પાટીયા ખાતે સિટી બસના અકસ્માતને પગલે હોબાળો મચી જવા પામ્યો હતો. બસ ચાલકે ડિવાઈડર સાથે બસને ધડાકાભેર અથડાવતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો. અલબત્ત, દુર્ઘટના બાદ બસ ચાલક નાસી છૂટ્યો હતો.

  • મનપાની સીટી બસનો વધુ એક વિવાદ : ડ્રાઇવરે પાલનપુર પાટીયા પાસે સીટી બસ ડિવાઈડર પર ચડાવી દીધી
  • દુર્ઘટનાને પગલે ડ્રાઈવર બસ મુકીને નાસી છુટ્યો : ત્રણથી ચાર ફુટ સુધી બસ ઘસડાતાં મુસાફરોના જીવ જોખમમાં મુકાયા

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે રાંદેરમાં પાલનપુર પાટીયા પાસે બેફામ દોડી રહેલી સિટી બસનો અકસ્માત થવા પામ્યો હતો. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં બસ ધડાકાભેર ડિવાઈડરને અથડાયાં બાદ ત્રણથી ચાર ફુટ સુધી ઘસડાઈ જતાં બસમાં સવાર મુસાફરો પણ હેબતાઈ ગયા હતા. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો વચ્ચે બસ ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટતાં લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Most Popular

To Top