Top News

More Posts

   The Latest

Most Popular

સુરત (Surat): શહેરના અઠવા પોલીસની હદમાં સાગર હોટેલની પાસે ચાર જણા 13 વર્ષની કિશોરીની સામે જોઈને ગંદા ઇશારા (Dirty gestures) કરતા હતા. કિશોરીની માતા તેમને બોલવા જતા તેને ગાળો આપી મકાન પર પત્થર ફેંક્યા હોવાની ફરિયાદ (Police Complaint) અઠવા પોલીસમાં નોંધાઈ છે.

  • સાગર હોટલ પાસે ઢીંગલી ફળીયામાં 80 વર્ષથી રહેતા ભાડૂઆતને મકાન ખાલી કરાવવા પરેશાન કરાતા હોવાની ફરિયાદ
  • કિશોરની છેડતી કર્યા બાદ માતા ઠપકો આપવા ગઈ ત્યારે બદમાશોએ કર્યું ગેરવર્તન
  • અમે અહીં જ બેસીશું, તારે જે થાય તે કરી લે, તું ઘર ખાલી કરીને જતી રહે એવું કહ્યું

સાગર હોટેલ પાસે રહેતી 42 વર્ષીય રાબીયાબેગમ (નામ બદલ્યું છે) એ અઠવા પોલીસ સ્ટેશનમાં ફહિમ મુસ્કાત અહેમદ કુરેશી (રહે. નુર હાઝી મંજીલ ટોપીવાલી મસ્જીદ સામે સાગર હોટેલની ગલી બડેખા ચકલા), એતૈસામ અબ્દુલ કાદર, આદિલ અબ્દુલ કાદર અને નોમાન મોહમદ ઇકબાલ શેખ (તમામ રહે. ટોપીવાલી મસ્જીદ પાસે સાગર હોટેલની ગલીમાં) ની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. રાબીયાબેગમે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઢીગલી ફળીયા ખાતે 80 વર્ષથી તેઓ ભાડુત તરીકે રહે છે. અને આ મકાન ફહિમ ખાલી કરાવવા માટે પરેશાન કરે છે.

ફહિમ તેના ધાબા પર કબુતર પાળતો હોવાથી તેના મિત્ર નોમાન, આદીલ અને એતૈસામ કાદર સાથે બેસી રહેતો હતો. રાબીયા તેની દિકરી સાથે અગાસી પર કપડા સુકવવા જતી ત્યારે ચારેય ગંદા ઇશારા કરતા હતા. કિશોરી તેની માતાનો ફોન લઇ અવારનવાર સામે બેસતા નોમાન સાથે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરતી હતી. જેથી કિશોરીને ઠપકો આપ્યો હતો. ગત 7 તારીખે સાંજે ચારેય અગાસી પર હતા. ત્યારે કિશોરીને જોઈને ગંદા ઇશારા કરતા હતા. રાબીયા ઠપકો આપવા ગઈ તો ફહિમે ‘અમે અહીં જ બેસીશું, તારે જે થાય તે કરી લે, તુ ઘર ખાલી કરીને જતી રહે’, તેમ કહીને ગાળો આપી હતી. બાદમાં ફહિમ મહોલ્લામાં બધાને નોમાન સાથે તેની દિકરીએ કરેલા મેસેજ બતાવતો હતો. અને બદનામ કરતો હતો. આ અંગે બોલવા જતા તેને ગાળો આપીને ઘર પર પત્થર ફેંક્યા હતા. પોલીસે ચારેય આરોપીઓની સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી હતી. ચારેય આરોપી વોલ પેપર લગાડવાનું કામ કરે છે.

To Top