Dakshin Gujarat

ભરૂચના યુવાનને અલ્જેરિયામાં મળેલા ભેજાબાજે કેનેડાના વિઝાની ઓફર આપી કર્યું આ કામ

ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રાજરત્ન બંગ્લોઝમાં રહેતા પરિવારને કેનેડા (Canada) નોકરી અને વિઝા (Visa) આપવાનું કહી ૬ ઠગ ટોળકીએ રૂ.૧૮.૬૬ લાખની છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઈ છે.

  • ભરૂચના યુવાનને અલ્જેરિયામાં મળેલા ભેજાબાજે કેનેડાના વિઝાની ઓફર આપી રૂ.૧૮.૬૬ લાખ ખંખેરી લીધા
  • વિઝા ચાર્જ, હોટલ બુકિંગ ચાર્જ, એક્સ્ટ્રા ચાર્જ, વાયા ફ્લાઇટ ચાર્જ આંગડિયા પેઢી મારફતે મંગાવી ઠગાઈ કરી
  • આણંદ સાયબર પોલીસે છેતરપિંડી કરતી ગેંગને પકડી પાડતાં પાંચ સાથે ઠગાઈ કર્યાનું બહાર આવ્યું

મૂળ પાટણના અને હાલ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા રાજરત્ન બંગ્લોઝમાં રહેતા રાકેશકુમાર જયંતીલાલ પટેલ દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરી છે. જેઓ વર્ષ-૨૦૧૫માં અલ્જેરિયા ખાતે કંપનીના કામે ગયા હતા. જેઓ ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા. એ સમયે અલ્જેરિયા એરપોર્ટ ઉપર આશિષ પટેલ નામનો વ્યક્તિ મળ્યો હતો. જેણે રાકેશ પટેલનો મોબાઇલ નંબર મેળવી પરિચય કેળવી વર્ષ-૨૦૨૦માં સવારે ગુડ મોર્નિંગ અને જય સ્વામિનારાયણનો મેસેજ કરી તેઓને કેનેડા જવું છે તેમ કહેતાં રાકેશ પટેલે વિથ ફેમીલી હા પાડી હતી.

આશિષ પટેલ નામના ઇસમે અરવિંદ નામના ઇસમનો કોન્ટેક્ટ કરવાનું કહી અલગ અલગ રીતે વિઝા ચાર્જ, હોટલ બુકિંગ ચાર્જ, એક્સ્ટ્રા ચાર્જ, વાયા ફ્લાઇટ ચાર્જ આંગડિયા પેઢી મારફતે કુલ રૂ.૧૮.૬૬ લાખની મત્તા પડાવી લીધી હતી. જે બાદ રૂપિયા પરત મેળવવા રાકેશ પટેલ શોધખોળ કરતા હતા. દરમિયાન આણંદ સાયબર પોલીસે છેતરપિંડી કરતી ગેંગને પકડી પાડી હતી. જે ગેંગે પાંચ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. છેતરપિંડી અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ભરત કિશોર પંચાલ, ચિરાગ નટવરલાલ દલવાડી, આકાશ સુનીલ મેકવાન સહિત ૬ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના જીન ફળિયામાં IPL મેચ ઉપર સટ્ટો રમતા ચાર સટોડિયા ઝડપાયા
ભરૂચ,: અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે જીન ફળિયામાંથી વોટ્સએપ એપ્લિકેશનમાં આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમતા ચાર સટોડિયાઓને ચાર ફોન સહિત કુલ રૂ.1.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જ્યારે 11ને વોન્ટેડ જાહેર કરાયા છે.

આઈપીએલ ક્રિકેટ મેચો ઉપર સટ્ટાની પ્રવૃત્તિ ડામવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, જીન ફળિયામાં ખુલ્લી જગ્યામાં સુનીલ સુરેશ વસાવા વોટ્સએપ એપ્લિકેશનમાં ટાટા આઈપીએલ 2023 નામનું ગ્રુપ બનાવી સટ્ટો રમાડે છે અને હાલ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાઈ રહેલી મેચ ઉપર સટ્ટા બેટિંગ રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને ચાર ફોન મળી કુલ રૂ.1.19 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જીન ફળિયામાં રહેતા સુનીલ સુરેશ વસાવા પાસે રહેલ મોબાઈલ ફોનમાં તપાસ કરતા તેમાંથી વોટ્સએપ એપ્લિકેશનમાં ટાટા આઈપીએલ 2023 નામનું ગ્રુપ જણાઈ આવ્યું હતું. આ ગ્રુપમાં 15 સભ્ય વચ્ચે બે ખેલાડીની જોડી બનાવેલ હોવાનું બહાર આવ્યું હતું. આ ગ્રુપમાં સભ્ય દીઠ 100 રૂપિયા જમા કરાવી જીતનારને 1300 આપી 200 સુનીલ વસાવા પોતે લઇ લેતો હતો. પોલીસે સટ્ટા બેટિંગનો જુગાર રમતા મુખ્ય સૂત્રધાર અને રોહિત સુરેશ વસાવા, રાહુલ વસાવા અને વિક્રમ વસાવાને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 11 જુગારીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top