Top News

More Posts

   The Latest

Most Popular

ભારતીય સંસ્કૃતિમાં જે ૧૬ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં લગ્નસંસ્કાર પણ અગત્યનો સંસ્કાર છે. પ્રાચીન શાસ્ત્રોમાં લગ્નની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે સ્ત્રી-પુરુષ વચ્ચે જ સંભવે છે. બે પુરુષો કે બે સ્ત્રીઓ સાથે રહેતાં હોય અને વિકૃત જાતીય સુખ માણતા હોય, તેને લગ્નનું નામ હરગિઝ આપી શકાય નહીં. લગ્ન એક પવિત્ર બંધન છે, જેને જિંદગીભર માટે નિભાવવાનું હોય છે. સજાતીય સંબંધ કોઈ પણ જાતના બંધન વગરનો તકવાદી સંબંધ છે.  તેને લગ્નનો દરજ્જો આપવો તે સદીઓ જૂની ભારતીય સંસ્કૃતિ પરનો કુઠારાઘાત છે.

ભારતીય કુટુંબવ્યવસ્થાનો પાયો પણ લગ્નસંસ્કાર છે. લગ્ન સાથે કુટુંબનો જન્મ થાય છે, જેમાં બાળકોનો તંદુરસ્ત ઉછેર થાય છે. એક પેઢીનો વારસો બીજી પેઢી સુધી પહોંચે છે. બે સ્ત્રીઓ કે બે પુરુષો ભેગા થઈને ક્યારેય બાળક પેદા કરી શકતા નથી. જો તેઓ બાળકને દત્તક લેશે તો તે બાળકની જિંદગી પણ બરબાદ થઈ જશે, કારણ કે દરેક બાળકને માતાની તથા પિતાની પણ જરૂર હોય છે. બે માતા કે બે પિતાના સાન્નિધ્યમાં બાળકનો તંદુરસ્ત ઉછેર થઈ શકે તે શક્ય જ નથી. કદાચ તે બાળક પણ સજાતીય સંબંધો ધરાવતો થશે. સજાતીય લગ્નોને કાયદેસર કરવાની માગણી બાળકને દત્તક લેવા માટે કરવામાં આવે છે.

ભારતની સુપ્રિમ કોર્ટમાં આજકાલ સજાતીય લગ્નોને કાયદેસરનો દરજ્જો આપવા બાબતની અરજીઓની સુનાવણી ચાલી રહી છે. તે માટે વડા ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેન્ચ રચવામાં આવી છે. કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તે ભારતીય સંસ્કૃતિમાં માનતી હોવાથી સજાતીય લગ્નોની તરફેણમાં નથી. કેન્દ્ર સરકારે તો આ કેસની સુનાવણી સામે જ વાંધો ઉઠાવ્યો છે. સુપ્રિમ કોર્ટ પાસે શું બીજો કોઈ કામધંધો નથી કે કેટલાંક વિકૃત મનનાં લોકોની વિકૃત માગણીને આટલું બધું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે? સજાતીય લગ્નો કોઈ મૂળભૂત અધિકાર નથી, કે જેના માટે બંધારણીય બેન્ચ બેઠી છે.

ભારતની લગ્નવ્યવસ્થા માટે જો કોઈ સમાજ અધિકારથી વાત કરી શકે તેમ હોય તો તે ભારતનો સંત સમાજ છે. ભારતનાં જે નીતિશાસ્ત્રો રચવામાં આવ્યાં તેનો અભ્યાસ સંત સમાજે કરવાનો હોય છે અને તે મુજબ લોકોને માર્ગદર્શન આપવાનું હોય છે. ભારતની પ્રજા ન્યાય, નીતિ અને સદાચારનું જીવન જીવી રહી છે તેમાં ધર્મગ્રંથોનો અને તેનો ઉપદેશ આપનારા સંતોનો બહુ મોટો ફાળો છે. સુપ્રિમ કોર્ટે સજાતીય લગ્નો બાબતની કોઈ પણ અરજીની સુનાવણી કરતાં પહેલાં ભારતના સંત સમાજનું માર્ગદર્શન લેવાની જરૂર હતી. સુપ્રિમ કોર્ટનો એજન્ડા ભારતીય સંસ્કૃતિનાં મૂળ તત્ત્વોથી વિરુદ્ધનો હોવાથી તેણે સંતોની સલાહ લેવાનું ઉચિત માન્યું નથી; પણ હવે સંતો સામે ચાલીને સુપ્રિમ કોર્ટની કગાર પર પહોંચી ગયા છે. અખિલ ભારતીય સંત સમિતિ નામની સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં સજાતીય લગ્નો બાબતના કેસમાં દરમિયાનગીરી કરવા માટેની અરજી કરી છે.

અખિલ ભારતીય સંત સમિતિનો દાવો છે કે તે ભારતના ૧૨૭ સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ કરે છે અને હિન્દુ સમાજ તેમ જ વૈદિક સંસ્કૃતિના ઉત્થાનનું  કાર્ય કરે છે. સુપ્રિમ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં સંત સમિતિએ જણાવ્યું છે કે ‘‘સજાતીય લગ્નો અકુદરતી છે અને સમાજનો વિનાશ નોતરનારા છે. મુસ્લિમ કાયદા મુજબ લગ્ન એક કોન્ટ્રેક્ટ છે, પણ હિન્દુ નીતિશાસ્ત્રો મુજબ લગ્ન પવિત્ર બંધન છે, જે એક જૈવિક સ્ત્રી અને જૈવિક પુરુષ વચ્ચે જ સંભવી શકે છે. આપણા દેશના જે કાયદાઓ બનેલા છે, તે પણ સ્ત્રી-પુરુષ વચ્ચેના લગ્નને ધ્યાનમાં રાખીને બનેલા છે. સજાતીય લગ્નોને કાયદેસરનો દરજ્જો આપવાની માગણી કરનારાઓ લગ્ન સંસ્કારની વિકૃત વ્યાખ્યા કરીને ભારતીય સમાજના પાયા સમાન કુટુંબ વ્યવસ્થાને જ પાયામાંથી ખતમ કરવા માગે છે.’’

ભારતમાં લગ્નવ્યવસ્થાને આધારે અનેક કાયદાઓ બનેલા છે. આ તમામ કાયદાઓમાં બે વિરુદ્ધ લિંગ વચ્ચેના લગ્નોની જ વાત કરવામાં આવી છે. તેમાં ક્યાંય સજાતીય લગ્નોને લગ્નનો કાનૂની દરજ્જો આપવામાં આવ્યો નથી. દાખલા તરીકે લગ્નના આધારે સંપત્તિના અને વારસાના કાયદાઓ ઘડવામાં આવ્યા છે. વિવિધ કોમોના પર્સનલ કાયદાઓ પણ વિજાતીય લગ્નોના આધારે ઘડવામાં આવ્યા છે. જો સુપ્રિમ કોર્ટ દ્વારા સજાતીય લગ્નોને કાનૂની દરજ્જો આપી દેવામાં આવશે તો આ તમામ કાયદાઓ રદ કરવા પડશે અથવા ફરીથી લખવા પડશે. કાયદાઓ રદ કરવાનો કે ફરીથી લખવાનો અધિકાર સુપ્રિમ કોર્ટને નથી પણ સંસદને છે. દેશની સંસદ પણ સંસ્કૃતિનો નાશ કરે તેવા કાયદાઓ ઘડી શકતી નથી. સુપ્રિમ કોર્ટ તેની મર્યાદાનું પણ અતિક્રમણ કરી રહી છે.

સજાતીય લગ્નોને કાનૂની માન્યતા આપવા માટેની અરજીઓનો હિન્દુ સંગઠનો ઉપરાંત મુસ્લિમ સંગઠનો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગયા મહિને જમિયત ઉલિમા-એ-હિન્દ નામની સંસ્થા દ્વારા સુપ્રિમ કોર્ટમાં ઇન્ટરવેન્શન એપ્લિકેશન કરીને સજાતીય લગ્નોને કાનૂની માન્યતા આપવાનો વિરોધ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે બે સોગંદનામા દ્વારા સજાતીય લગ્નોનો વિરોધ કર્યો છે તેમ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા પણ સજાતીય લગ્નોને કાનૂની માન્યતા આપવાનો વિરોધ કરવામાં આવ્યો છે. તેના કહેવા મુજબ જો સજાતીય યુગલોને બાળકોને દત્તક લેવાની પરવાનગી આપવામાં આવશે તો આ બાળકોના અધિકારો પણ જોખમમાં આવી જશે.

જો સજાતીય સંબંધો ધરાવતા બે પુરુષોને માદા બાળક દત્તક લેવાની છૂટ આપવામાં આવે તો તે બાળકનું જાતીય શોષણ થવાની સંભાવના પણ રહે છે. અમેરિકામાં તો આજકાલ બાળકો સાથે જાતીય સંબંધો બાંધવાના કિસ્સાઓ વધી ગયા છે, જેને પેડોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હોલિવૂડનાં ઘણાં કલાકારો અને કેટલાક રાજનેતાઓ પણ પેડોફિલ્સ હોવાના સમાચારો છે. તાજેતરમાં તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ ૧૩ વર્ષના કિશોરને જાહેરમાં લિપ ટુ લિપ કીસ કરી ત્યારે દલાઈ લામા પણ પેડોફિલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો સજાતીય લગ્નોને કાનૂની માન્યતા મળી જશે તો પેડોફિલ્સને પણ છૂટો દોર મળી જશે.

વિદેશની કેટલીક સંસ્થાઓ દ્વારા ભારતની સમાજવ્યવસ્થાને તોડવા માટે છેલ્લા ઘણા સમયથી લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વેશ્ચનેબલ (એલજીબીટીક્યુ) ને પ્રોત્સાહન આપીને તેમના તથાકથિત અધિકારો માટે લડત ચલાવવામાં આવી રહી છે. અગાઉ ભારતમાં સજાતીય સંબંધોને કાનૂની અપરાધ માનવામાં આવતો હતો. તે કાયદો બદલવામાં તેમને સફળતા મળી તે પછી હવે તેમની નજર સજાતીય લગ્નોને કાનૂની માન્યતા અપાવવા તરફ છે. તેઓ એવી દલીલ કરે છે કે દરેક વ્યક્તિને કોની સાથે સંબંધો રાખવા? તેનો મૂળભૂત અધિકાર છે.

તેમની વાત કદાચ માની લઈએ તો તે વાત પણ માનવી જોઈએ કે લગ્ન એક સંસ્થા છે. લગ્ન સંસ્થાનો નિયમ છે કે સ્ત્રી-પુરુષ વચ્ચે જ લગ્ન થઈ શકે. દરેક સંસ્થામાં પ્રવેશના નિયમો હોય છે. તમે નિયમો પાળો તો પ્રવેશ મળે, નિયમો ન પાળો તો પ્રવેશ ન મળે. દાખલા તરીકે ટ્રેનના લેડિઝ ડબ્બામાં મહિલાઓ જ પ્રવેશ કરી શકતી હોય છે. તેમાં પુરુષોને પ્રવેશ ન આપવામાં આવે તેને ભેદભાવ ન કહેવાય. જો સુપ્રિમ કોર્ટ સજાતીય લગ્નોને માન્યતા આપે તો સંત સમાજે આંદોલન કરવું જોઈએ.

To Top