World

સુદાનની સેના અને હરીફ દળ 24 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા

ખાર્ટુમ: સુદાનની (Sudan) સેના અને હરીફ અર્ધલશ્કરી દળ જેઓ છેલ્લા 4 દિવસથી દેશ પર નિયંત્રણ માટે લડી રહ્યા છે તેઓ મંગળવારે 24 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, એમ અરબ મીડિયાએ અહેવાલ આપ્યો હતો. તીવ્ર થઈ રહેલા યુદ્ધથી (War) સ્થિતિ વધુ ખરાબ થવાનું જોખમ હતું ત્યારે યુદ્ધમાં વિરામ આવવાની આશા ઉભી થઈ છે. આ પહેલાં બોમ્બ વિસ્ફોટ (bomb blast) અને ગોળીબાર (Firing) વચ્ચે ખાર્ટુમ અને અન્ય શહેરોમાં સુદાનના નાગરિકો ચાર દિવસથી ઘરમાં ગોંધાઈ રહ્યા હતા જ્યારે સેના અને શક્તિશાળી અર્ધલશ્કરી દળ દેશ પર નિયંત્રણ કરવા માર્ગો પર યુદ્ધ કરી રહ્યા છે. દરમિયાન સુદાનમાં અમેરિકી દૂતાવાસના એક કાફલા પર હુમલો થયો હતો, એમ અમેરિકાના ટોચના રાજદ્વારીએ મંગળવારે કહ્યું હતું જ્યારે તેમણે દેશના 2 ટોચના જનરલો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો ઝડપી બનાવ્યા હતા.

  • યુદ્ધમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 185 લોકોનાં મૃત્યુ થયા, 1800થી વધુ ઈજાગ્રસ્ત થયા
  • મંગળવારે અમેરિકી દૂતાવાસના એક કાફલા પર હુમલો થયો

અમેરીકી દૂતાવાસના કાફલા પર ખાર્ટુમમાં હુમલો, સાથે જ યુરોપિયન યુનિયનના રાજદૂતના નિવાસ સ્થાને હુમલો અને નોર્વે રાજદૂતના ઘરે બોમ્બમારો થયો હતો. અમેરિકી દૂતાવાસના કાફલા પર અર્ધલશ્કરી દળ, રેપિડ સપોર્ટ ફોર્સના જવાનોએ હુમલો કર્યો હતો, જો કે કાફલામાં કોઈને ઈજા થઈ નથી. બંને દળો વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ઓછામાં ઓછા 185 લોકોનાં મૃત્યુ થયા છે અને 1800થી વધુ ઈજાગ્રસ્ત થયા છે, એમ સંયુક્ત રાષ્ટ્રોના રાજદૂત વોલ્કર પેરથેસે પત્રકારોને કહ્યું હતું.

બંને દળો ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ટેન્ક, આર્ટીલરી અને અન્ય ભારે શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા હતા. આકાશમાં લડાકુ જહાજ ઉડી રહ્યા છે જ્યારે વિમાન પર હુમલો કરતા રોકેટો છોડવામાં આવી રહ્યા હતા. સેનાના વરિષ્ઠ અધિકારી લે. જનરલ શમ્સ અલ દીન કબ્બાશીએ કહ્યું હતું તેઓ યુદ્ધવિરામનું પાલન કરશે. સેના સામે લડી રહેલા રેપિડ સપોર્ટ ફોર્સે પણ કહ્યું હતું તેઓ 24 કલાકના યુદ્ધવિરામ ભંગનું પાલન કરશે. જો કે બપોરે સેનાના મુખ્યાલય અને પાડોશી એરપોર્ટની આસપાસ અથડામણોના અહેવાલ આવ્યા હતા, આ બંને મુખ્ય યુદ્ધ ક્ષેત્ર છે.

Most Popular

To Top