Gujarat

લોકસભાની ચૂંટણી પહેલા હવે જાન્યુ- 2024માં ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે

ગાંધીનગર: લોકસભાની (Loksabha) ચૂંટણી (Election) પહેલા રાજકીય લાભ લેવા માટે હવે રાજય સરકાર વાઈબ્રન્ટ સમિટ યોજવા આગળ વધી રહી છે. ગુજરાત સરકારે 10મી વાયબ્રન્ટ સમિટ જાન્યુઆરી 2024માં યોજવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ યોજવા સિગ્નલ મોકલાવ્યુ છે. જેના પગલે રાજ્ય સરકારે આ સમિટના આયોજન માટે તૈયારી શરૂ કરી છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી 2003થી પ્રત્યેક બે વર્ષે વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ યોજવામાં આવી છે. અત્યાર સુધીમાં નવ વાયબ્રન્ટ સમિટ થઇ ચૂકી છે. છેલ્લી સમિટ જાન્યુઆરી 2019માં થઇ હતી અને સરકારે 2021માં સમિટ યોજવાનો વિચાર કર્યો હતો પરંતુ કોરોના સંક્રમણના કારણે આયોજનો પડતા મૂકવામાં આવ્યા હતા.

આ પ્રયાસ પછી સરકારે જાન્યુઆરી 2022માં પણ વાયબ્રન્ટ સમિટ યોજવાની તૈયારી શરૂ કરી હતી પરંતુ કોરોના સંક્રમણનો બીજો ખતરનાક દૌર આવતાં તે પડતી મૂકવામાં આવી હતી. આ સમિટની તૈયારીના ભાગરૂપે સરકારે મંત્રીઓ, અધિકારીઓ અને કોર્પોરેટ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથેની વિવિધ ટીમ બનાવી દેશ-વિદેશમાં રોડ શો પણ કર્યા હતા. છેવટે તેને રદ કરવામાં આવી હતી.

સચિવાલયમાં ઉદ્યોગ વિભાગના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે બે વખત મોકુફ રાખવામાં આવેલી વાયબ્રન્ટ સમિટ હવે 11 થી 13 જાન્યુઆરી 2024માં યોજવામાં આવશે. આ વર્ષમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. આ સંભવિત સમિટ માટે તેના પ્રમોશનની એક્ટિવિટી આગામી જૂન મહિનાથી શરૂ કરી દેવામાં આવશે. આ સમિટ માટે રાજ્ય સરકારે બે વખત ઉચ્ચકક્ષાની બેઠકો પૂર્ણ કરી છે.

Most Popular

To Top