Gujarat

રાસાયણિક ખેતીથી જમીન બિન ઉપજાઉ બને છે, ખેતીમાં છાણનો ઉપયોગ કરવા આચાર્ય દેવવ્રતનો અનુરોધ

ગાંધીનગર: લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કાર્યરત છે. જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, આપત્તિ સમયે બચાવ કામગીરી, લોક સ્વાસ્થ્ય જેવા માનવતાના કાર્યોમાં સ્વામિનારાયણ સંપ્રદાય પ્રથમ હરોળમાં હોય છે એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કચ્છ જિલ્લાના ભુજ બદ્રિકાશ્રમ ખાતે સ્વામિનારાયણ મંદિર આયોજિત નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગૌ-મહિમા કૃષિ સંમેલનમાં કહ્યું હતું.

૨૦૦ વર્ષ પહેલાં માનવતાની સેવા કાજે સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ગૌ-માતા સંરક્ષણ અને સંવર્ધન સાથે ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સ્વામિનારાયણ સંપ્રદાય સતત માર્ગદર્શન અને સહયોગ આપે છે. લોકોની સેવા જ ઈશ્વરની પૂજા છે, એમ જણાવીને રાજ્યપાલે સંપ્રદાયની કામગીરી બિરદાવી હતી. ગૌ – મહિમા પ્રદર્શનને અદભુત ગણાવીને તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ગાય પ્રત્યે શ્રદ્ધા પેદા કરનારું છે.

રાજ્યપાલે ધનનો ઉપયોગ પરોપકારમાં કરવો જોઈએ એવો અનુરોધ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભુજના માનવ કલ્યાણના સેવાના કાર્યોની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રેરણાથી લાખો ખેડૂતો મારફતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ગાય આધારિત ખેતી કેવી રીતે કરી શકાય તેના વિશે વિસ્તૃત રીતે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

રાસાયણિક ખેતીથી જમીન બિન ઉપજાઉ બની રહી છે આથી ગાય આધારિત ખાતર કે છાણનો ઉપયોગ કરવા માટે તેઓએ અનુરોધ કર્યો હતો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીએ તો પાક ઉત્પાદનમાં ઘટાડો આવે છે તે વાતને મિથ્યા ગણાવીને લાંબા ગાળે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે રાજ્યપાલશ્રીએ છણાવટ કરી હતી. સમગ્ર રાજ્યમાં ૧૦-૧૦ ગામના ક્લસ્ટર બનાવીને ગાય આધારિત ખેતીનો વ્યાપ વધારવા સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે, તેના વિશે તેઓએ માહિતી આપી હતી. સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા આયોજિત શ્રી નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ નિમિત્તે અભિનંદન આપતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આ સુંદર આયોજનમાં અનુશાસન અને સંતોની હાજરીથી પ્રાચીન ભારતનું સ્વરૂપ ઊભું થયું છે.

પંચગવ્ય નિર્મિત ઔષધિઓની ભેટ ખેડૂતોને આપી હતી. રાજ્યપાલએ ગૌ – મહિમા પ્રદર્શનની મુલાકાત લઈને ગાયની વિવિધ જાતો, દ્વિ-શતાબ્દી ગૌ-શાળા, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ફાર્મ, માંડવા પદ્ધતિ, બાગાયત ખેતી, ટપક પદ્ધતિ વગેરે વિભાગો વિષે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, ગૌ મહિમા દર્શન અંતગર્ત તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરીને નિહાળી હતી. પંચગવ્ય ચિકિત્સા અને ગોબરની વિવિધ બનાવટોના સ્ટોલની મુલાકાત લઈને રાજ્યપાલશ્રીએ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, મહારાજ વ્રજેન્દ્રપ્રસાદજી, મહંત ધર્મનંદનદાસજી, મહંત જાદવજી ભગતજી, ઉપ મહંત ભગવતજીવનદાસજી, સતગુરુ હરિદાસજી, સ્વામી દેવચરણદાસજી, સ્વામિનારાયણ મંદિરના સર્વે ટ્રસ્ટી મહોદય, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહભાગી થયા હતા.

Most Popular

To Top