Sports

ગ્રીન પાવરથી મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 14 રને હરાવ્યું

હૈદરાબાદ : આઇપીએલની 16મી સિઝનની આજે અહીં રમાયેલી 25મી મેચમાં તિલક વર્માની જોરદાર ફટાફટી પછી અંતિમ ઓવરોમાં કેમરન ગ્રીને કરેલી વિસ્ફોટક બેટીંગની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન કરીને મૂકેલા 193 રનના લક્ષ્યાંકની સામે અર્જુન તેંદુલકરની પ્રભાવક અંતિમ ઓવરને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ 178 રને ઓલઆઉટ થતાં મુંબઇ ઇન્ડિન્સે 14 રને જીત મેળવી હતી.

લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 25 રનમાં તેમણે 2 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી મયંક અગ્રવાલ અને એડન માર્કરમ વચ્ચે 46 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. માર્કરમ 17 બોલમાં 22 રન કરીને આઉટ અને અભિષેક શર્મા પણ તરત જ આઉટ થતાં સનરાઇઝર્સનો સ્કોર 4 વિકેટે 72 રન થયો હતો. મયંક અને હેનરિક ક્લાસેન વચ્ચે 55 રનની ઝડપી ભાગીદારી થઇ હતી અને ક્લાસેન 16 બોલમાં 36 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 5 વિકેટે 127 રન હતો. તે પછી વધતી જતી રનરેટના પ્રેશરને કારણે સનરાઇઝર્સે વધુ ત્રણ વિકેટ ગુમાવી હતી. અંતિમ ઓવરમાં 20 રન કરવાના આવ્યા હતા અને અર્જુન તેંદુલકરે એ ઓવરમાં તેણે એક વાઇડ સાથે માત્ર ચાર રન આપીને ભુવનેશ્વર કુમારને આઉટ કર્યો હતો.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સને રોહિત શર્મા અને ઇશાન કિશને સારી શરૂઆત અપાવી હતી. રોહિત જો કે 18 બોલમાં 28 રન કરીને અને ઇશાન 31 બોલમાં 38 રન કરીને આઉટ થયા હતા. જ્યારે સૂર્યકુમાર માત્ર 7 રન કરીને આઉટ થયો હતો. તિલકે 17 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 37 રન ઝુડવાની સાથે જ ગ્રીન સાથે 56 રનની ભાગીદારી કરી હતી. તે આઉટ થયો તે પછી ગ્રીને અંતિમ ઓવરોમાં જોરદાર ફટકાબાજી કરીને મુંબઇ ઇન્ડિયન્સને 20 ઓવરમાં 5 વિકેટે 192 રનના સ્કોર પર પહોંચાડ્યું હતું. ગ્રીન 40 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 64 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

Most Popular

To Top