Gujarat

દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે : રાજ્યપાલ

ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે કામધેનુ યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારોહમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં સ્નાતક કક્ષાના ૪૯૯ વિદ્યાર્થી, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ વિદ્યાર્થી અને પી.એચ.ડી.ના ૨૬ વિદ્યાર્થી મળી કુલ ૬૭૦ વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી હતી. તે પૈકી અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે ૩ વિદ્યાર્થિનીને કુલાધિપતિ ગોલ્ડ મેડલ, સ્નાતક કક્ષાના અભ્યાસ માટે ૯ વિદ્યાર્થીને કુલપતિ ગોલ્ડ મેડલ તેમજ ૧૪ વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. કામધેનુ વિશ્વવિદ્યાલય માં અત્યારે ૪,૫૦૭ જેટલા વિદ્યાર્થી અધ્યયન કરી રહ્યા છે

દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, દેશના પશુઓની દૂધ આપવાની ક્ષમતા સરેરાશ સાડા ત્રણ લીટર છે. આ એવરેજ સાથે પણ ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે. દૂધ ઉત્પાદનની સરેરાશ વધીને 10 લીટર થાય એ માટે પશુઓની નસલ સુધારવાની દિશામાં વિદ્યાર્થી કામ કરશે તો આપણા દેશની પ્રગતિને કોઈ નહીં આંબી શકે. ગાયોને વાછરડી જ જન્મે એ માટે સેક્સ શોર્ટેડ સિમેનના વધુ ઉત્પાદન માટે પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતમાં આ દિશામાં મહત્વની કામગીરી થઈ રહી છે.

આચાર્ય દેવવ્રતએ વધુમાં કહ્યું હતું કે, કામધેનુ-ગાય સમગ્ર વિશ્વની માતા છે. કરુણા, દયા અને ઉપકારનું પ્રતિક છે. ગાય એકમાત્ર છે જેના ગૌમૂત્ર અને ગોબર પવિત્ર તો છે જ, અત્યંત ઉપયોગી પણ છે. દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને કોઈ જ ખર્ચ વિના સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે અને દૂધ ઉત્પાદન માટે સેક્સ શોર્ટેડ સિમેન ટેકનોલોજી અત્યંત ઉપયોગી છે.

કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિકાસ મંત્રી પરસોત્તમ રૂપાલાએ દીક્ષાંત સમારોહમાં સ્નાતક અને અનુસ્નાતક થતાં વિદ્યાર્થીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, તમારે આ ક્ષેત્રને તમારા કૌશલ્ય થકી આગળ વધારવાનું છે. ભારતની ઈકોનોમીમાં પશુપાલન,મત્સ્ય અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રના યોગદાનને વધારવાનું કાર્ય કરવાનું છે. સમગ્ર દેશમાં પશુ સારવાર માટે મોબાઈલ વેટરનરી યુનિટની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોના ઘર આંગણે તેમના પશુઓને સારવાર મળી રહેશે. પ્રથમ તબક્કામાં ૪૦૦૦ મોબાઇલ વેટરનરી એમ્બ્યુલન્સની મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર દેશના પશુઓના રસીકરણ માટે રૂપિયા ૧૩ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગનું મહત્વ ખૂબ જ વધારે છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારતને સ્વાવલંબી બનાવવામાં ગુજરાતનો અગત્યનો ફાળો રહ્યો છે.

Most Popular

To Top