Dakshin Gujarat

ડાંગ જિલ્લાના સાપુતારાની તળેટીમાં ધબકતું આ ગામ, સૌંદર્ય એવું કે અહીં જ વસી જવાનું મન થાય

ભાજપાના ડબલ એન્જિનવાળી સરકારના (Government) પગલે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અને સાપુતારાના તળેટીય વિસ્તારમાં આવેલું ગુંદિયા ગામ ધીમે ધીમે વિકાસનાં ડગલાં ભરી આગળ વધી રહ્યું છે. ડાંગ જિલ્લાના (Dang District) આહવા તાલુકામાં સમાવિષ્ટ ગુંદિયા ગામની વાત કરીએ તો આ ગામ સાપુતારાના તળેટીય વિસ્તારમાં ચોતરફ ડુંગરોની ખીણમાં સમથળ ભૂમિ પર આવેલું છે. ગુંદિયા ગામની ચારે બાજુ જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. ગુંદિયા ગામથી બે કિલોમીટરના અંતરે મહારાષ્ટ્રની સરહદ લાગુ પડે છે. આ ગામની ચોતરફ ડુંગરો અને જંગલો હોય, જેથી ચોમાસાની ઋતુમાં કુદરતી સંપદા જાજરમાન બની દીપી ઊઠે છે.

જ્યારે પાનખર ઋતુમાં જંગલોનાં ઝાડ પરથી પાંદડા ખરી પડતાં સમથળ ભૂમિ પર કાચાં-પાકાં મકાનોની જ પ્રતિકૃતિ નિહાળવા મળવાની સાથે ગામડાંની ઝલક જોવા મળી રહે છે. ગુંદિયા ગામ જંગલો અને ડુંગરોની ખીણમાં સમથળ ભૂમિ પર આવેલી હોવાના પગલે આ ગામના નામની બે લોકવાયકા પણ વડીલો પાસે સાંભળવા મળે છે. એક લોકવાયકા મુજબ જંગલ અને ડુંગરોની ખીણમાં સમથળ ભૂમિ પર આવેલા ‘ગુંદુન પાણીના ઝરા’ પાસે કુનબી લોકોએ વસવાટ શરૂ કર્યો હોવાના કારણે ગુંદિયા ગામનું નામ પડ્યું હોવાનું જણાઈ આવે છે. જ્યારે બીજી નામકરણની લોકવાયકા વાસુર્ણાના રાજવી રજવાડા સાથે ચર્ચાઈ રહી છે. ગુંદિયા ગામનું નામકરણ જંગલો અને ડુંગરોની ખીણમાં સમથળ ભૂમિ પર આવેલ ગુંદુન પાણીના ઝરા પાસેના વસવાટ પરથી ગુંદિયા ગામનું નામકરણ થયાનું વડીલોના લોકમુખે સાંભળવા મળે છે.

જ્યારે બીજી લોકવાયકામાં ગુંદિયા ગામ વર્ષો અગાઉ વાસુર્ણા સ્ટેટના રાજવીના તાબામાં હતું. જે-તે સમયે વાસુર્ણા સ્ટેટના રાજવીએ ગુંદિયા ગામના વિસ્તારની સાચવણી માટે બાપુ નાયક નામના જાહગીરદારની નિમણૂક કરી હતી. આ બાપુ નાયક નામનો જાહગીરદાર ગુંદિયા ગામના ગુંદુન પાણીના ઝરા પાસે સૌપ્રથમ કુનબી સમાજના લોકોને વસવાટ કરવા માટે લઈ આવ્યો હતો. અહીં બાપુ નાયક ગુંદિયા ગામ વિસ્તારમાં કુનબી લોકોને વસવાટ માટે લઈ આવ્યો હોવાની જાણ અંગ્રેજ સૈનિકોને થતાં તેઓ બાપુ નાયકને પકડી લઈ ઘોડા સાથે દોરડા વડે બાંધી ઢસડતા ઢસડતા લઈ ગયા હતા. અંગ્રેજો બાપુ નાયકને ગુંદિયા ગામેથી ક્યાં લઈ ગયા અને તેની સાથે શું કર્યુ એ અંગે લોકો પાસે પણ કોઈ માહિતી મળતી નથી. અને બાપુ નાયક બાદમાં દેખાયા પણ નહીં. જાહગીરદાર બાપુ નાયકના બલિદાન બાદ ગુંદિયા ગામે કુનબી સમાજના લોકોએ ગુંદુન પાણીના ઝરા પાસે વસવાટ શરૂ કર્યો અને ત્યારથી ગુંદિયા ગામનું નામકરણ થયું હોવાનું સાંભળવા મળે છે.

ગુંદિયા ગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી આશરે 618થી વધુ છે, જેમાં પુરુષોની સંખ્યા 323 છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા 295થી વધુ છે. આ ગામમાં 125થી વધુ કાચાં અને પાકાં ઘરો આવેલાં છે. સાથે 150થી વધુ નાનાં-મોટાં કુટુંબ આવેલાં છે. ગામમાં ફળિયાંની કુલ સંખ્યા 3 છે. ગુંદિયા ગામમાં પટેલ ફળિયું, નીચલું ફળિયું, ભોયે ફળિયું મળી કુલ ત્રણ ફળિયાં આવેલાં છે, જેમાં 125થી વધુ નાનાં-મોટાં કાચાં અને પાકાં મકાનો આવેલાં છે. ગુંદિયા ગામમાં વર્ષોથી માત્ર ભીલ, કુનબી, કોંકણી જાતિના આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામમાં બંગાળ, ભોયે, દળવી, ગાંગુર્ડા, ગાયકવાડ, ધૂમ, બાગુલ, શેવરે, બરડે, ધૂળે, રાઠોડ, પવાર અને મોરે અટકના લોકોનો સમાવેશ થયો છે. સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલા ગુંદિયા ગામમાં સંપ સારો હોવાથી ગ્રામજનો નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જમાષ્ટમી, હોળી, ડુંગરદેવ, તેરા, નાગપંચમી, રક્ષાબંધન, મકરસંક્રાતિ, દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં સાથે મળી શ્રદ્ધા તથા ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.

80 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે
આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે. જેઓ માત્ર ભીલ, કુનબી અને કોંકણી જ્ઞાતિના છે. આ ગામના 80 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે જૂજ લોકો ક્રિષ્ચયન ધર્મ સાથે જોડાયેલા છે. આ ગામમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. સાથે આ ગામમાં ક્રિશ્ચયન સમુદાયનું ચર્ચ પણ છે. આ ગામમાં માળકરી, શેષરાવ મહારાજ, મોક્ષમાર્ગી સંપ્રદાય તથા શ્રી સંપ્રદાયના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુંદિયા ગામમાં ભક્તો દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજીના મંદિરે શનિવારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. અને શ્રી સંપ્રદાય તથા શેષરાવ મહારાજ સહિત મોક્ષમાર્ગી સંપ્રદાયના ભક્તો પણ પૂજા-અર્ચના કરી પોતાના સનાતન હિન્દુ ધર્મનું પાલન કરે છે.

100 ટકા લોકો કરે છે ખેતીનો વ્યવસાય
આ ગામના 100 ટકા લોકો ખેતીનો વ્યવસાય કરે છે. સાથે નજીકનાં સ્થળોમાં સાપુતારા ખાતે ધંધા-રોજગાર અર્થે જાય છે. અમુક લોકો મહારાષ્ટ્રના સુરગાણા અને કલવણ, વણી વિસ્તારમાં દ્રાક્ષ તથા શાકભાજીની વાડીઓમાં મજૂરીકામ અર્થે જાય છે. અહીં મોટા ભાગના પરિવાર ચોમાસાની અને શિયાળુ ખેતી ઉપર નિર્ભર હોવાના પગલે ખેતી પર આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી તેમનો જીવનનિર્વાહ સારી રીતે કરી રહ્યા છે. ડાંગ જિલ્લાનું ગુંદિયા ગામ સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલું ગામ હોય. જેથી મોટા ભાગના લોકો ધંધા-રોજગારના અર્થે સાપુતારામાં જાય છે. અને સાપુતારા ખાતે રોજગારીની સાથે આવકનું ઉપાર્જન મેળવે છે.

બસસ્ટેન્ડની સુવિધાનો અભાવ
આહવા તાલુકાના ગુંદિયા ગામનો માર્ગ સોનુનિયા થઈ મહારાષ્ટ્રને જોડે છે. તેમ છતાંય આ ગામમાં બસસ્ટેન્ડની સુવિધા નથી. આહવા તાલુકાના ગુંદિયા ગામ જવું હોય તો શામગહાનથી જોગબારી તેમજ ગોટિયામાળ થઈ ગુંદિયા ગામ જવાય છે. જ્યારે બીજો ટૂંકો ને ટચ આંતરિક માર્ગ એવો બારીપાડા, ભાપખલ, રાનપાડા ગામ થઈ ડુંગરને પાર કરી ગુંદિયા ગામે પણ જઈ શકાય છે. પરંતુ આ ગામની ફાટક પાસે વર્ષોથી પિકઅપ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી નથી. ગુંદિયા ગામની ફાટક પાસે પિકઅપ સ્ટેન્ડનું નામોનિશાન જોવા ન મળતાં ગુંદિયા અને ગોટિયામાળ ગામની સરહદનો ખ્યાલ આવતો નથી. અહીં પિકઅપ સ્ટેન્ડ ન હોવાથી ચોમાસાની ઋતુમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ઊભા રહેવાની સાથે ભારે હાલાકી વેઠવાની નોબત ઊભી થાય છે. ગામના માર્ગો પર ગામનું નામ લખેલું યોગ્ય સૂચક બોર્ડ ન હોવાથી બહારથી આવનાર લોકો દ્વીધામાં મુકાઈ જાય છે. જેથી તંત્ર કોઈ પણ ફંડમાંથી ગુંદિયા ગામમાં પિકઅપ સ્ટેન્ડ બનાવી આપે તેવી માંગ ઊઠી છે.

પાણી સંગ્રહ માટે નાના-મોટા ત્રણ ચેકડેમ અને તળાવનું નિર્માણ
સિંચાઈની દૃષ્ટિએ ગામને અડીને નાના-મોટા ત્રણ ચેકડેમ અને સંગ્રહ તળાવ પણ બનાવવામાં આવ્યા છે. આ ચેકડેમોમાં ઉનાળાના આખરના મહિનામાં પાણીનાં સ્તર નીચા જાય છે. આ ગામના લોકો સહિત પશુપાલનને એક મહિના માટે પાણીની થોડી ઘણી તકલીફો વેઠવાની નોબત ઊભી થાય છે. આ ગામમાં ચોમાસાની અને શિયાળાની ઋતુ દરમિયાન ખેડૂતો દ્વારા ડાંગર, નાગલી, મગફળી, ઘઉં, શાકભાજી, કઠોળ વગેરે પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે અમુક ખેડૂતોએ પાણીની સુવિધાઓ માટે સ્વ-ખર્ચે ખેતરોમાં બોર અને કૂવા દ્વારા પાણીની સુવિધાઓને ઉપલબ્ધ કરી છે. ખેડૂતો પ્રવાસન સ્થળ સાપુતારાને ધ્યાનમાં રાખી મકાઈની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. પશુપાલનની દૃષ્ટિએ ગામના નાના-મોટા ખેડૂતો પોતાની પાસે ગાય, ભેંસ, બકરાં, ખેતી માટે બળદ અને પાડા જેવા પાળતુ પ્રાણીઓનો ઉછેર કરી જેમાંથી સાઈટ આવક મેળવી પરિવારના ભરણપોષણમાં ભાગીદાર બને છે. ગુંદિયા ગામમાં 12 જેટલાં મરઘાં ફાર્મ પણ જોવા મળે છે. ગુંદિયા ગામે ખેડૂતો પાસે ગાયો પણ છે. ગામના પશુપાલકો રોજેરોજ ડેરીમાં દૂધ ભરે છે અને આવકનું ઉપાર્જન મેળવી રહ્યા છે. આ ગામમાં દક્ષિણ ગુજરાત વિ.પ્રા.લિ દ્વારા 24 કલાક વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

ગુંદિયા ગામના સમાજસેવકો અને અગ્રણીઓ
ગુંદિયા ગામના વિકાસમાં રાજુભાઈ ભીલ્યાભાઈ ભોયે, રમેશભાઈ ભીલ્યાભાઈ ભોયે ભોયે, કાલિદાસભાઈ કિશનભાઈ બંગાળ, નારાયણભાઈ ઝામરૂભાઈ બંગાળ, લક્ષ્મણ દેવરામભાઈ બંગાળ, વિઠ્ઠલ ખંડુભાઈ બંગાળ, કાશીનાથભાઈ ચીમના બાગુલ, જીવાભાઈ ઝામરૂ બંગાળ, ભાસ્કરભાઈ ભાવડુભાઈ દળવી, વિઠ્ઠલભાઈ સીતારામભાઈ ગાંગુડા, શાંતિલાલ ભાવડુભાઈ બંગાળનાનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

ભોયે દંપતીએ આપી ગામને વિકાસની દિશા
અગાઉ ગોટિયામાળ અને હાલમાં વિભાજનમાં સોનુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગુંદિયા, સોનુનિયા અને હુંબાપાડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લી બે ટર્મથી ગ્રુપ ગ્રામ પંચાયત ગોટિયામાળ અને હાલની સોનુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભાજપાની બોડીનો દબદબો જોવા મળે છે. ગ્રુપ ગ્રામ પંચાયત સોનુનિયામાં ગુંદિયા ગામનું ભોયે દંપતી છેલ્લાં 10 વર્ષથી ભાજપાનો ભગવો લહેરાવી શાસન કરી રહ્યા છે. સોનુનિયા ગ્રુપ ગ્રામ પચાયતના ગુંદિયા ગામની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી બહુમતીથી ભાજપાની બોડી ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દબદબાભેર ચુંટાઈ આવે છે. અહીં એક વખત સરપંચ તરીકે ભાજપા પેનલના રાજુભાઇ ભોયે અને બીજી વખત તેમનાં પત્ની ભાગીબેન ચુંટાઈ આવ્યાં હતાં. હાલમાં ગુંદિયા સહિત બે ગામમાં વહીવટદાર, તલાટી કમ મંત્રી તથા માજી સરપંચ ભોયે દંપતી માર્ગદર્શન મુજબ વિકાસકીય કામો કરી રહ્યાં છે. ગુંદિયા ગામના યુવાન અને જાગૃત આગેવાન રાજુભાઈ ભીલ્યાભાઈ ભોયે તથા તેમનાં પત્ની ભાગીબેને છેલ્લાં 20 વર્ષથી અહીં આગેવાન તરીકેની કમાન સંભાળી આદિવાસી લોકોની સમસ્યા નિવારવા માટે સફળતા હાંસલ કરી છે. હાલમાં આ દંપતી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોનાં વિકાસકીય કામોને વેગ આપવા માટે ઝઝૂમી રહ્યું છે. ગુંદિયા ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો તરીકે આનંદભાઈ ગોવિંદભાઈ દળવી તથા શાહીલાલ ચંદરભાઈ ધૂળે ભાજપાની પેનલમાંથી દબદબાભેર ચુંટાઈ આવ્યા હતા. આ ગામના વહીવટદાર તરીકે હિનેશભાઈ નાઈ તથા તલાટીકમ મંત્રી તરીકે માધુરીબેન ઠાકરે કામગીરી કરે છે. તેમના ચાર્જમાં ગ્રુપ ગ્રામ પંચાયતનાં અન્ય ગામડાં પણ આવે છે. હાલમાં વિભાજન પામેલી નવી ગ્રુપ ગ્રામ પંચાયત સોનુનિયાની નિયમિત કામગીરી કરી રહ્યા છે. ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન થયાને થોડોક સમય થયો હોય, જેથી તેઓ કામગીરી ગોટિયામાળ ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરી ખાતે કરી રહ્યા છે. ગોટિયામાળ ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરી ગુંદિયા ગામના લોકોને નજીક પડતી હોવાથી લોકોને દાખલા સહિત અન્ય કામગીરી માટે સરળતા પડે છે અને અન્ય જગ્યાએ જવું પડતું નથી.

શિક્ષણની સુવિધા
ગામમાં મહિલાઓ દ્વારા સખીમંડળો પણ કાર્યરત કરાયાં છે. આ સખીમંડળો પૈસાની બચત કરી સુખ-દુઃખના સમયે જરૂરિયાતમંદ લોકોને વ્યાજ ઉપર નાણાં આપી મદદ કરે છે. ગુંદિયા ગામ નાનકડું હોવાથી અહીં એક આંગણવાડી પણ કાર્યરત છે. આંગણવાડી માર્ગની સાઈડમાં અને ગામની મધ્યમાં આવેલું હોવાથી બાળકોને આવવા-જવા માટે પણ અનુકૂળ જોવા મળે છે. આ ગામમાં આંગણવાડી વર્કર તરીકે અનસુયાબેન શાંતિલાલભાઈ બંગાળ તથા હેલ્પર તરીકે હીરાબેન ગોંવિદભાઈ બંગાળ ફરજ બજાવે છે, જેમાં 67 જેટલાં ભૂલકાંને પાયાના શિક્ષણ થકી સિંચિત કરવામાં આવે છે. જ્યારે ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 1 પ્રાથમિક શાળા, જે 1થી 8 ધોરણની આવેલી છે, જેમાં 170 બાળકો મફત શિક્ષણનો સરકારની યોજનાનો લાભ લઈ અભ્યાસ કરી રહ્યા છે.

શાળામાં ધોરણ-1થી 8માં 86 કુમાર અને 84 કન્યા અભ્યાસ કરે છે. હાલ રોજેરોજ 6 જેટલા શિક્ષકો શાળામાં આવી બાળકોને સુલભ શિક્ષણ કાર્ય કરાવી રહ્યાં છે. શાળાના આચાર્ય તરીકે રમણભાઈ બી.ગાર્ડર તથા શિક્ષકોમાં વિનુબેન જી.થોરાટ, પ્રવીણભાઈ બી.પટેલ, જીતેશભાઈ કે.પટેલ, હંસાબેન આર.પટેલ, અશોકભાઈ સી.રોહિત ફરજ બજાવે છે. શાળામાં બાળકોને પીવાના પાણી માટે આર.ઓ. પ્લાનની સુવિધા નથી. આ શાળાના શિક્ષકો નિયમિત રીતે શાળામાં આવી આદિવાસી ભૂલકાંને શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. આ શાળાના આચાર્ય રમણભાઈ બી.ગાર્ડર ઉત્સાહી શિક્ષક હોવાથી શાળા રાબેતા મુજબ ચાલી રહી છે.

આ શાળાના 6 શિક્ષક નિયમિત શિક્ષણ કાર્ય કરાવતા હોવાથી ગ્રામજનો ગર્વ અનુભવી રહ્યા છે. શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક અશોકભાઈ સી.રોહિતે ટી.આર. ધ ડાંગ નામની યૂટ્યૂબ ચેનલની લિંક ચાલુ કરી છે. આ યુટ્યુબ ચેનલમાં શાળાને લગતા પ્રોગ્રામ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગણિત-વિજ્ઞાનના પ્રયોગોને વિદ્યાર્થીઓને બતાવી નવતર પ્રયોગ હાથ ધરી સિદ્ધિ હાંસલ કરી છે. શાળામાં બાળકોને શિક્ષકો દ્વારા સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. સાથે શાળામાં મેનુ મુજબ બપોરનું ભોજન પણ સુવ્યવસ્થિત રીતે બાળકોને પીરસવામાં આવી રહ્યું છે. ગુંદિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-6થી 8માં સોનુનિયા ગામનાં 50 જેટલાં બાળકો રોજેરોજ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ હેઠળ અપ-ડાઉન કરે છે. છેવાડેનાં બાળકોને ડાંગ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેના માર્ગદર્શન હેઠળ નિયમિતપણે મફત ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ મળી રહેતાં બાળકો, વાલીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ નીવડી છે.

પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું
ગુંદિયા ગામના લોકોનાં શિક્ષણ ક્ષેત્ર વિશેની વાત કરીએ તો આ ગામમાં મોટા ભાગના પુરુષો સાક્ષર જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓ ઓછી સાક્ષર જાણવા મળે છે. અહીં પુરુષોનો સાક્ષરતા દર 75.18 ટકા છે. જ્યારે સ્ત્રીઓનો 45.54 ટકા જેટલો સાક્ષરતા દર છે.

10 કિ.મી.ના આંતરિક માર્ગમાં અમુક જગ્યાએ ડામરનું નામોનિશાન ભુંસાઈ ગયું, 10થી વધુ ગામના વાહનચાલકોને હાલાકી
ગુંદિયા ગામની પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો આ ગામ શામગહાનથી સોનુનિયાને જોડતા આંતરિક માર્ગમાં 10 કિલોમીટરનાં અંતરે અંતરિયાળ વિસ્તારમાં આવેલું હોવા છતાં અહીંના ગ્રામજનોને મુખ્યમથક કે દવાખાને જવા માટે ઉનાળા અને શિયાળા કે ચોમાસાની ઋતુમાં સરળતાવાળી સગવડ જોવા મળી રહે છે. આ માર્ગમાં આહવા-સોનુનિયા એસટી બસ રોજેરોજ નિયત સમય મુજબ આવનજાવન કરે છે.

આ ગામના આંતરિક માર્ગો જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગની ગ્રાંટમાંથી ઘણાં વર્ષો પૂર્વે નવીનીકરણ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં આ માર્ગો બનાવવા માટે ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગ દ્વારા ઘોર દુર્લક્ષતા સેવાતાં જર્જરિત બની ગયા છે. સાથે જ હાલમાં શામગહાનથી ગુંદિયાને જોડતા 10 કિલોમીટરના આંતરિક માર્ગમાં પણ અમુક જગ્યાએ ડામરનું નામોનિશાન ભુંસાઈ જતાં 10થી વધુ ગામના વાહનચાલકોને હાલાકી વેઠવાની નોબત ઊભી થઈ છે. ગુંદિયા ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા દરેક ફળિયામાં પેવર બ્લોક અને સીસીના માર્ગો બનાવવામાં આવ્યા છે. જે પેવર બ્લોક અને સીસી માર્ગોની હાલત એકંદરે ખૂબ જ સારી છે. જ્યારે અમુક જગ્યાએ હજુ પણ પેવર બ્લોક માર્ગોની જરૂરિયાત લાગી રહી છે. સાથે ગુંદિયા ગામે ફળિયાંમાં સરપંચ દ્વારા ગટરલાઈનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સરકારની ગ્રાન્ટ થકી ગામનો વિકાસ
ગુંદિયા ગામનાં શિક્ષિત એવાં મહિલા અગ્રણી અને માજી સરપંચ એવાં ભાગીબેન રાજુભાઈ ભોયે એસ.વાય.બી.એ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયાં છે. આ શિક્ષિત મહિલા ગ્રુપ ગ્રામ પંચાયત ગોટિયામાળમાં ભાજપા પેનલમાંથી એક વખત દબદબાભેર ચુંટાઈ આવી હતી. હાલ સરપંચ તરીકેની તેઓની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. સાથે ગોટિયામાળ ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં હાલમાં તેઓ ગુંદિયા, સોનુનિયા અને હુંબાપાડા ગામોના લોકોના વિકાસ માટે દોડી રહ્યાં છે. ભાગીબેન ભોયેએ જણાવ્યું હતું કે, શિક્ષણ મેળવ્યા બાદ મારાં લગ્ન ગુંદિયા ગામે થતાં ગૃહિણીની સાથે સાથે ગામના અગ્રણી તરીકે સેવા આપી રહી છું. અને હાલમાં ગામમાં જ રહું છું.

જેથી ગામના તમામ લોકો સાથે સંપર્કમાં રહું છું. અમારા નાનકડા ગામમાં શાંતિનો માહોલ જોવા મળે છે. ગુંદિયા ગામમાં યુવા મહિલા નેતા તરીકે ઊભરી આવ્યા બાદ સરકારની ગ્રાન્ટ થકી ગામનો વિકાસ સારી રીતે થાય એ માટે વારંવાર આહવા તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયત અને તંત્રમાં રજૂઆત કરતી આવી છું. વધુમાં અમારું ગુંદિયા ગામ સરહદીય વિસ્તારમાં આવેલું હોય, પરંતુ ભાજપાના ડબલ એન્જિનવાળી સરકારના સાથ અને સહકારના પગલે આ ગામનો વિકાસ ડગલે ને પગલે આગળ વધી રહ્યો છે.

ગુંદિયા ગામના યુવાન આગેવાન એવમ માજી સરપંચ રાજુભાઈ ભોયેએ એમ.એ.બી.પી.એડ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. રાજુભાઈ ભોયે છેલ્લાં 15 વર્ષથી અગ્રણી અને લોકસેવક તરીકે પાંચ ગામોમાં સેવા આપી રહ્યા છે. ગુંદિયા ગામમાં કોઈ પણ મુશ્કેલી તથા કોઈ પણ તકરાર હોય તો તેઓ બંને પક્ષને ગામના પંચમાં ભેગા કરી મધ્યસ્થી બની સુખદ સમાધાન પણ કરાવી આપે છે. કોર્ટ કેસ કચેરીઓમાં ન જવા માંગતા લોકોનું ગામ રાહે જ સમાધાન કરાવી આપે છે. તથા ગામના શિક્ષિત યુવાનો અને યુવતીઓને પણ યોગ્ય માર્ગદર્શન આપી મદદ કરી રહ્યા છે. માજી સરપંચ રાજુભાઈ ભોયે અગાઉ ગોટિયામાળ ગ્રુપ ગ્રામ પંચાયતમાં કોંગ્રેસના ગઢને ભેદીને 1 ટર્મ માટે ભાજપા બોડીમાંથી દબદબાભેર સરપંચ પદે ચુંટાઈ આવ્યા હતા.

હાલમાં બીજી ટર્મમાં તેઓનાં પત્ની ભાગીબેન ભોયે સરપંચ પદે ચુંટાઈ આવ્યાં હતાં. છેલ્લાં 10 વર્ષના શાસનમાં આ બંને દંપતીએ કદમ પે કદમ સાથે મળી વિકાસકીય કામોને વેગ આપવા માટે સફળતા મેળવી હતી. હાલ આ દંપતીની સરપંચ તરીકેની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે. ભાજપાના આગેવાન રાજુભાઈ ભોયે પોતે શિક્ષિત ન હોય તેવાં વૃદ્ધ ભાઈ-બહેનોની સહાયકીય યોજનાઓમાં તાલુકા મથક આહવા સુધી દોડી જઈ મદદરૂપ બની ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યા છે. રાજુભાઈ ભોયે લોકો જોડે મળતાવડા સ્વભાવના હોવાથી છેલ્લાં 15 વર્ષથી ગોટિયામાળ, ગુંદિયા, સોનુનિયા, બરમ્યાવડ અને હુંબાપાડા જેવાં પાંચ ગામોમાં અગ્રણી તરીકેની આજે પણ તેઓની લોકચાહના અકબંધ જોવા મળે છે.

ચેકડેમો અને કૂવાઓને કારણે ગામ પાણીની સુવિધાઓથી સમૃદ્ધ
ગામમાં પાણીની સુવિધા વિશે ચર્ચા કરીએ તો ગામને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવેલું છે. અહીં ઘરદીઠ નળ કનેક્શનની સુવિધા પૂરી પાડી ઘરે-ઘરે પાણી પહોંચાડવા માટે 3 મોટી અને અન્ય નાની ટાંકી પણ બનાવવામાં આવી છે. ગામમાં દરેક જગ્યાએ મીની પાઇપ લાઈનના નળ મૂકવામાં આવ્યા છે. અમુક જગ્યાએ લોકોએ કાળજી ન લેતાં નળ તોડી નાંખ્યા છે. ગામમાં સરકાર દ્વારા 20થી વધુ બોર પણ ઉતારી આપવામાં આવ્યા છે.

ગામ નજીકમાં પાણી સંગ્રહ માટે ચેકડેમો અને કૂવાઓ હોવાથી આ ગામ પાણીની સુવિધાઓથી સમૃદ્ધ જોવા મળે છે. આ ગામમાં બારેમાસ બોરમાંથી પાણી નીકળે છે. જેથી ઉનાળાની ઋતુમાં આ ગામના લોકો સહિત ઢોર-ઢાંખર રાહત અનુભવે છે. ગુંદિયા ગામે ચોમાસા, ઉનાળા અને શિયાળામાં પણ પાણીનાં સ્ત્રોત મળી રહેતાં અહીં ખેડૂતો શિયાળુ અને ચોમાસુ પાકોની ખેતી થકી સમૃદ્ધ બન્યા છે. માત્ર અહીં ઉનાળાના આખર મહિનામાં જ થોડીઘણી તકલીફ પડે છે.

આરોગ્યની સુવિધા માટે મહારાષ્ટ્રના સુરગાણા ઉપર મદાર
આરોગ્યની દૃષ્ટિએ આ ગામને નજીકમાં શામગહાન ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાગે છે. પરંતુ શામગહાન સી.એચ.સી. હોસ્પિટલ 10 કિલોમીટર જેટલું દૂર હોવાથી ઇમરજન્સી મોટી બીમારી જેવા સમયે લોકો સંકટમાં મુકાઈ જાય છે. આ ગામના લોકોને મહારાષ્ટ્રનું સુરગાણા પણ નજીક હોવાને પગલે દર્દીઓ સામાન્ય બીમારીની સારવાર માટે ત્યાં જાય છે.

ગુંદિયા ગામના સીમાડે અંકિત કરાયેલી વાઘદેવની પ્રતિમા આદિવાસીઓ માટે આસ્થાનું પ્રતીક
ગુંદિયા ગામના સીમાડે સોનુનિયા તરફ જતા માર્ગની સાઈડમાં વાઘદેવની પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. અહીં વાર તહેવારે આ પ્રકૃતિનાં દેવી-દેવતાઓમાં વાઘદેવ, નાગદેવ, મોરદેવ, સૂર્યદેવ અને ચંદ્ર દેવની ગ્રામજનો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવે છે. વાઘ બારસના દિવસે ખાસ કરીને વડીલો અને ભગતો દ્વારા અહીં પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગામની સમૃદ્ધિ કાયમ માટે જળવાઈ રહે તથા ગામ પર કોઈ આફત ન આવે એ માટે આ પ્રકૃતિનાં દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરી ગ્રામજનો દ્વારા વાર-તહેવારોમાં શ્રીફળ, ઈંડું, મરઘી અને બકરાંનો ભોગ પણ ચઢાવવામાં આવે છે.

સરકારી નોકરી કરવાવાળાની સંખ્યા એકદમ ઓછી
ગુંદિયા ગામના યુવાનો અને યુવતીઓ સરકારની જુદી જુદી પોસ્ટ પર નોકરી કરી ગામનું નામ રોશન કરી રહ્યાં છે. ગુંદિયા ગામના ડો.ભાગવત રાજુભાઈ ભોયે હાલમાં પ્રોફેસર તરીકે સુરત ખાતે ફરજ બજાવે છે. તો જિગ્નેશ કાંતિલાલ બંગાળ-ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ગુંદિયામાં ફરજ બજાવી રહ્યા છે. દિનકરભાઈ કાશીરામભાઈ બંગાળ-પ્રેસ પ્રતિનિધિ તરીકે સુરત ખાતે ફરજ બજાવી રહ્યા છે. આ ગામમાં સરકારી નોકરી કરવાવાળાની સંખ્યા એકદમ ઓછી જોવા મળે છે.

ભગતો કરે છે અસાધ્ય રોગોનું નિદાન
ગુંદિયા ગામમાં બે ભગત વિવિધ રોગોના નિદાન માટે જડીબુટ્ટી આપે છે. ગુંદિયા ગામે ભગતોમાં મોતીરામભાઈ તુલસ્યાભાઈ મોરે તથા રામચંદ્રભાઈ ગોવિંદભાઈ બરડે વારસાગત રીતે ભગતોની ધૂણી ધખાવી રહ્યા છે. બીમારી જેવા પ્રસંગે આ ભગતો જંગલમાંથી જડીબુટ્ટી લાવી અસાધ્ય રોગોનું નિદાન કરી લોકોમાં સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.

પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાનનો અભાવ
ગુંદિયા ગામમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાન ઉપલબ્ધ ન હોવાથી લોકોને નજીકના 1 કિલોમીટરના અંતરે આવેલા ગોટિયામાળ ગામ ખાતે અનાજ લેવા માટે જવું પડે છે. ગુંદિયા અને ગોટિયામાળ ગામોના છેડા એકદમ નજીક હોવાથી લોકોને આ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાનમાં જવા માટે અગવડતા પડતી નથી.

નવું સ્મશાન ઘર બનાવાતાં ગ્રામજનોને રાહત
ગુંદિયાના ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે. વધુમાં ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ગરીબોને ઇન્દિરા આવાસ અને પ્રધાનમંત્રી આવાસની પણ ફાળવણી કરી છે. ગુંદિયા ગામની વર્ષો જૂની સમસ્યામાં સ્મશાનની સમસ્યાનો અંત આવ્યો છે. ગામનાં જાગૃત મહિલા સરપંચ દ્વારા પંચાયતની ગ્રાંટમાંથી અહીં નવું સ્મશાન ઘર બનાવાતાં ચોમાસાની ઋતુમાં અંતિમક્રિયા વેળાએ ગ્રામજનોને મોટી રાહત મળી ગઈ છે.

Most Popular

To Top