વિશ્વભરમાં હવામાનને લઈને ચિંતા વધારતી મોટી ચેતવણી સામે આવી છે. વિશ્વ હવામાન સંગઠન એટલે કે WMOના નવા અહેવાલ મુજબ પ્રશાંત મહાસાગરમાં વિકસેલો અલ નીનો આગામી મહિનાઓમાં વધુ મજબૂત બની શકે છે અને તેની અસર 2027ની શરૂઆત સુધી જોવા મળી શકે છે. WMOએ ફેબ્રુઆરી 2027 સુધી અલ નીનો યથાવત રહેવાની સંભાવના લગભગ 100 ટકા ગણાવી છે.
અલ નીનો વધુ શક્તિશાળી બનવાની શક્યતા
અલ નીનો એવી કુદરતી હવામાન પ્રક્રિયા છે, જેમાં મધ્ય અને પૂર્વીય ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરનું સપાટીનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે. આ ગરમી વાતાવરણના પ્રવાહ અને વરસાદની પેટર્નને અસર કરી શકે છે અને તેની અસર પ્રશાંત મહાસાગરથી હજારો કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. WMOના જણાવ્યા મુજબ હાલની સ્થિતિમાં અલ નીનો મજબૂત થઈ રહ્યો છે અને 2026ના અંત સુધીમાં તેની તીવ્રતા ટોચ પર પહોંચી શકે છે. ત્યારબાદ તેની હવામાન સંબંધિત અસરો 2027માં પણ ચાલુ રહેવાની શક્યતા છે.
સમુદ્રનું પાણી સામાન્ય કરતાં ઘણું ગરમ
ચિંતાની સૌથી મોટી વાત પ્રશાંત મહાસાગરના પાણીનું અસામાન્ય તાપમાન છે. અલ નીનો માપવા માટે ઉપયોગમાં લેવાતા નિનો 3.4 વિસ્તારમાં મે-જુલાઈ 2026 દરમિયાન સમુદ્રનું સપાટીનું તાપમાન સામાન્ય કરતાં સરેરાશ 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જુલાઈમાં આ તફાવત 2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. જુલાઈના અંતથી ઓગસ્ટના મધ્ય સુધીમાં આ તફાવત વધુ વધીને આશરે 2.2થી 2.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. સમુદ્રની સપાટી નીચે કેટલાક વિસ્તારોમાં પાણીનું તાપમાન સામાન્ય કરતાં 8 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ નોંધાયું હતું.
પૂર, દુષ્કાળ અને ભારે ગરમીનું જોખમ
મજબૂત અલ નીનોનો અર્થ દરેક દેશ માટે એકસરખું હવામાન નહીં હોય. કોઈ વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરનું જોખમ વધી શકે છે, તો બીજા વિસ્તારમાં દુષ્કાળ અથવા ભારે ગરમીની સ્થિતિ સર્જાઈ શકે છે. WMOએ ખાસ ચેતવણી આપી છે કે મજબૂત અલ નીનો વરસાદ અને તાપમાનની પેટર્નમાં મોટા ફેરફાર લાવી શકે છે. પરિણામે ભારે ગરમી, દુષ્કાળ, અતિશય વરસાદ અને પૂર જેવી આત્યંતિક હવામાન ઘટનાઓનું જોખમ વધી શકે છે. જોકે કોઈ ચોક્કસ દેશમાં કેટલી અસર થશે તે માત્ર અલ નીનોની તીવ્રતા પરથી નક્કી કરી શકાતું નથી. અન્ય મહાસાગરીય અને હવામાન સંબંધિત પરિબળો પણ અસર કરે છે.
ભારત માટે પણ ચિંતાનો વિષય
ભારત માટે અલ નીનોને લઈને સૌથી મોટો સવાલ ચોમાસાનો છે. ભૂતકાળમાં અલ નીનોની સ્થિતિ ઘણી વખત નબળા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા સાથે જોડાયેલી રહી છે. જોકે દરેક અલ નીનો વખતે ભારતમાં એકસરખી અસર થાય તે જરૂરી નથી. જો અલ નીનો 2027ની શરૂઆત સુધી સક્રિય રહે છે, તો વરસાદની પેટર્ન અને તાપમાનમાં ફેરફારથી પાણીની ઉપલબ્ધતા, ખેતી અને ગરમી સંબંધિત સમસ્યાઓ પર અસર પડી શકે છે. જોકે ભારતમાં ચોમાસા પર હિંદ મહાસાગર સહિતના અન્ય પરિબળોની પણ મોટી અસર રહે છે. WMOએ પણ સ્પષ્ટ કર્યું છે કે અલ નીનોની અસર વિસ્તાર અને ઋતુ પ્રમાણે અલગ હોઈ શકે છે.
2027 માટે અત્યારથી તૈયારીની જરૂર
WMOના જણાવ્યા મુજબ આ વખતે આગોતરી તૈયારી પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વિશ્વ હવામાન સંગઠન અને વિવિધ દેશોની હવામાન સેવાઓ આ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. WMOના મહાસચિવ સેલેસ્ટ સાઉલોએ કહ્યું છે કે આ અસાધારણ અલ નીનોને ધ્યાનમાં રાખીને અસાધારણ તૈયારી જરૂરી છે. ખેતી, આરોગ્ય, ઊર્જા અને પાણી જેવા ક્ષેત્રોમાં આગોતરી આયોજન કરીને આત્યંતિક હવામાનથી થતા નુકસાનને ઘટાડી શકાય છે.
મહત્વનું એ છે કે અલ નીનો પોતે જળવાયુ પરિવર્તનને કારણે સર્જાતી ઘટના નથી, પરંતુ પહેલેથી જ વધેલા વૈશ્વિક તાપમાનની સ્થિતિમાં તેની અસરો વધુ ગંભીર બની શકે છે. WMOના લાંબા ગાળાના અંદાજ મુજબ 2026થી 2030 દરમિયાન વૈશ્વિક સરેરાશ તાપમાન રેકોર્ડની આસપાસ રહેવાની શક્યતા છે અને આ સમયગાળામાં ઓછામાં ઓછું એક વર્ષ 2024ના સૌથી ગરમ વર્ષનો રેકોર્ડ તોડી શકે તેવી 86 ટકા સંભાવના છે.